Telangana Horror: તેલંગાણામાં એક બાદ એક અનેક ગામોમાં એકસાથે અનેક રખડતાં કૂતરાઓને મારવાના કેસ વધી રહ્યા છે. જેના કારણે દેશભરના પશુપ્રેમીઓ ગુસ્સે ભરાયા છે. તાજેતરમાં જ જગતિયાલ જિલ્લામાં 300 કૂતરાઓને ઝેર આપીને મારવાની ફરિયાદ નોંધાઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 900થી વધુ રખડતાં કૂતરાઓને મોતને ઘાટ ઉતારી દેવાયા છે. આરોપ છે કે આ હત્યા વિવિધ ગામના સરપંચો જ કરાવી રહ્યા છે.
સરપંચો બન્યા યમરાજ!
તેલંગાણામાં રખડતાં કૂતરાઓના ઝેરથી મોત મામલે વિવિધ ગામોના સરપંચ વિરુદ્ધ જ ફરિયાદ નોંધાઈ રહી છે. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં યોજાયેલી ચૂંટણીમાં ઉમેદવારોએ વાયદા કર્યા હતા કે લોકોને રખડતાં કૂતરાની સમસ્યાથી મુક્તિ અપાવીશું. એવામાં આરોપ છે કે આ વાયદા પૂર્ણ કરવા માટે કૂતરાઓને ઝેર આપવામાં આવી રહ્યા છે.

યાચારમ: 100 કૂતરાઓની હત્યા, 50 મૃતદેહ મળ્યા.
હનમકોંડા: બે મહિલા સરપંચ સહિત 9 લોકો સામે FIR.
કામારેડ્ડી: 200 કૂતરાઓના મોત, 5 સરપંચો પર ગાળિયો કસાયો.
મૂંગા કૂતરાઓની ચીસ સાંભળનારું કોઈ નથી?
22મી જાન્યુઆરીએ પેગાડાપલ્લી ગામમાં એક સાથે 300 કૂતરાઓને ઝેરનું ઈન્જેક્શન અપાયું હોવાની ફરિયાદ નોંધાઈ. ફરિયાદમાં ગામના સરપંચ અને ગ્રામ સચિવ પર આરોપ લગાવવામાં આવ્યા, જે આધારે પોલીસે FIR નોંધી છે. સ્થાનિક પોલીસે જણાવ્યું છે કે આશરે 70થી 80 કૂતરાઓના મૃતદેહ મળી આવ્યા હતા. આશંકા છે કે ત્રણ-ચાર દિવસ પહેલા તેમને મારીને ત્યાં દાટી દેવામાં આવ્યા હતા. કૂતરાઓના પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. જે બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

મત માટે અબોલ જીવોની હત્યા!
આ પહેલા 19 જાન્યુઆરીએ યાચારમ નામના ગામમાં પણ 100 કૂતરાઓને મારી નાંખ્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ 50 જેટલા કૂતરાઓના મૃતદેહ મળી આવ્યા હતા. આ મહિનાની શરૂઆતમાં જ હનમકોંડા જિલ્લાના શ્યામપેટ તથા અરેપલ્લી ગામમાં પણ 300 કૂતરાઓને મારી નાંખ્યા હોવાના આરોપમાં બે મહિલા સરપંચ, તેમના પતિ સહિત કુલ 9 લોકો પર FIR દાખલ કરવામાં આવી હતી.
કામારેડ્ડી જિલ્લામાં પણ 200 રખડતાં કૂતરાઓને મારી નાંખ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં પાંચ સરપંચ સહિત છ લોકો વિરુદ્ધ FIR નોંધાઈ હતી.


