બિહારમાં મહા ગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી યાદવ, ગેહલોતની જાહેરાત

Mahagathbandhan Set to Announce Tejashwi Yadav as CM Candidate : બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા મહાગઠબંધનમાં મુખ્યમંત્રી ઉમેદવારને લઈને સહમતી થઈ ગઈ છે. રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવને મુખ્યમંત્રીનો ચહેરો બનાવવામાં આવશે. કોંગ્રેસ અને ડાબેરી પક્ષોએ પણ તેજસ્વી યાદવની ઉમેદવારીને સમર્થન આપ્યું છે.
અશોક ગેહલોતે સીએમના ચહેરા તરીકે તેજસ્વી યાદવના નામની જાહેરાત કરી દીધી છે. બીજી બાજુ એક ડેપ્યુટી સીએમ તરીકે મુકેશ સહનીનું નામ ફાઈનલ કરવામાં આવ્યું છે. ગેહલોતે કહ્યું કે, ‘આ નિર્ણય સર્વાનુમતે કરાયો છે. દેશમાં હાલમાં જેવી સ્થિતિ છે તે ચિંતાનો વિષય છે. દેશ કઈ દિશામાં જઇ રહ્યો છે કોઈને ખબર નથી પડી રહી. દેશમાં બેરોજગારી વધી રહી છે. એટલે આપણા બધાની જવાબદારી છે કે આવા સમયમાં દેશ શું છે એ વાતને ધ્યાનમાં રાખવામાં આવે.’
કોંગ્રેસનું તેજસ્વી યાદવને સમર્થન
નોંધનીય છે કે હાલમાં જ કોંગ્રેસઆ વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી સાથે બેઠક યોજી હતી. બેઠકમાં બિહાર કોંગ્રેસ પ્રભારી કૃષ્ણા અલ્લાવરુ પણ હાજર હતા. અત્યાર સુધી કોંગ્રેસમાં તેજસ્વી યાદવને મુખ્યમંત્રી ચહેરા તરીકે પ્રોજેક્ટ કરવામાં ખચકાટ હતો. જે હવે દૂર થઈ ગયો છે. નોંધનીય છે કે બેઠકની વહેંચણીને લઈને પણ આરજેડી અને કોંગ્રેસમાં મતભેદ જોવા મળ્યા છે. ગતિરોધના કારણે અનેક બેઠકો પર કોંગ્રેસ અને RJD બંનેએ પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા છે. બિહારના નેતાઓ કહી રહ્યા છે કે બેઠકો પર ફ્રેન્ડલી ફાઈટ થશે.
બિહારની 243 વિધાનસભા બેઠકો પર મહાગઠબંધન તરફથી કુલ 256 ઉમેદવાર ઉતારવામાં આવ્યા છે. RJD 143, કોંગ્રેસ 43 બેઠકો પર ચૂંટણી લડશે. જ્યારે બીજી તરફ NDAમાં ભારતીય જનતા પાર્ટી અને JDU 101-101 બેઠકો પર ચૂંટણી લડશે અને અન્ય સાથી પક્ષો 41 બેઠકો પર ચૂંટણી લડશે.

