લાલુ યાદવનો મોટો નિર્ણય: તેજ પ્રતાપ યાદવ 6 વર્ષ માટે RJDમાંથી સસ્પેન્ડ, પરિવારમાંથી પણ કાઢી મૂક્યો
Tej Pratap Yadav Suspend: બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના મોટા દીકરા તેજ પ્રતાપ યાદવ હાલ ચર્ચામાં છે. કારણ કે ગઈકાલે તેમણે પોતાના અંગત જીવન અંગે ખુલાસો કર્યો હતો. જેમાં તેમણે પોતાના રિલેશનશિપનો ઉલ્લેખ કર્યો હતો. એક પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, તેઓ છેલ્લા 12 વર્ષથી અનુષ્કા યાદવ નામની મહિલા સાથે સંબંધમાં છે અને બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. ત્યારે હવે તેજ પ્રતાપ યાદવને લઈને વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વડા લાલુ પ્રસાદ યાદવે તેજ પ્રતાપ યાદવને પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યો છે. આ સાથે તેને પરિવારમાંથી પણ હાંકી કઢાયો છે.
પોસ્ટ કરીને તેજપ્રતાપનો એકાઉન્ટ હેક થયાનો દાવો
હાલમાં જ તેજપ્રતાપ યાદવે પોતાના રિલેશનશિપની જાહેરાત કરી હતી. તેણે ફેસબુક એકાઉન્ટ પર અનુષ્કા યાદવ નામની ગર્લફ્રેન્ડ સાથે તસવીર શેર કરીને લખ્યું હતું કે, ‘અમે 12 વર્ષથી રિલેશનશિપમાં છીએ.’ જો કે, બાદમાં તેણે દાવો કર્યો હતો કે, મારું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થઈ ગયું હતું.
તેજપ્રતાપને પાર્ટી અને પરિવારમાંથી હાંકી કઢાયો: લાલુ યાદવ
લાલુ યાદવે કહ્યું કે, 'વ્યક્તિગત જીવનમાં નૈતિક મૂલ્યોની અવગણના કરવી આપણા સામાજિક ન્યાય માટે સામૂહિક સંઘર્ષને નબળો પાડે છે. મોટા પુત્રની પ્રવૃત્તિઓ, જાહેર વર્તન અને બેજવાબદાર વર્તન આપણા કૌટુંબિક મૂલ્યો અને પરંપરાઓ પ્રમાણે નથી. આ કારણસર હું તેમને પક્ષ અને પરિવારમાંથી દૂર કરી રહ્યો છું. હવેથી તેમની પક્ષ અને પરિવારમાં કોઈ પણ પ્રકારની ભૂમિકા રહેશે નહીં. તેમને 6 વર્ષ માટે પક્ષમાંથી હાંકી કાઢવામાં આવે છે.'
અમે આવી બાબતો સહન કરી શકતા નથી: તેજસ્વી યાદવ
RJDના નેતા તેજસ્વી યાદવ કહ્યું કે, 'અમે આવી બાબતો સહન કરી શકતા નથી, અમે કામ કરી રહ્યા છીએ અને બિહારના લોકો માટે સમર્પિત છીએ. જો વાત મારા મોટા ભાઈની હોય, તો રાજકીય જીવન અને અંગત જીવન અલગ છે. તેમને પોતાના અંગત નિર્ણયો લેવાનો અધિકાર છે. તેઓ પુખ્ત વયના છે અને નિર્ણયો લેવા માટે સ્વતંત્ર છે. અમારા પક્ષના વડાએ સ્પષ્ટ કર્યું છે, જે તેમની લાગણીઓ હતી તે સ્પષ્ટ કર્યું છે. તેઓ પોતાના અંગત જીવનમાં શું કરી રહ્યા છે, તે અમને પૂછીને તો નથી કરતા. મને આ વિશે મીડિયા દ્વારા જ ખબર પડી છે.'