Get The App

ક્લાઉડફ્લેઅરમાં ટેકનિકલ ખામી : કલાકો સુધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠપ રહ્યા

Updated: Nov 19th, 2025

GS TEAM

Google News
Google News
ક્લાઉડફ્લેઅરમાં ટેકનિકલ ખામી : કલાકો સુધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠપ રહ્યા 1 - image

- એક્સ, ફેસબૂક, ચેટજીપીટી, જૈમીનીના લાખો યુઝર્સ અટવાયા

- 'વાઈડસ્પ્રેડ 500 એરર' અથવા 'સમથિંગ વેન્ટ રોંગ' જેવા મેસેજ જોવા મળ્યા : યુઝર્સને લોગિન-કન્ટેન્ટ અપલોડમાં મુશ્કેલી થઈ

નવી દિલ્હી : ઈન્ટરનેટ પર મંગળવારે અચાનક અનેક લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને વેબસાઈટ્સ ઠપ થઈ ગઈ હતી. એક્સ, ઓપનએઆઈથી લઈને જૈમિની, પેપ્લેક્સિટી, ઉબર અને કેનવા સહિત અનેક પ્લેટફોર્મ્સ કલાકો સુધી ડાઉન રહ્યા હતા, જેનું કારણ સાયબર સિક્યોરિટી કંપની ક્લાઉડફ્લેઅરમાં આવેલી ટેકનિકલ ખામી હતું. આ કારણથી લાખો યુઝર્સ હેરાન-પરેશાન થઈ ગયા હતા.

એક્સથી લઈને ફેસબૂક, જેમિની જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તથા અનેક વેબસાઈટ્સનો ઉપયોગ કરવા જતાં યુઝર્સને '૫૦૦ એરર' અથવા 'સમથિંગ વેન્ટ રોંગ' જેવા મેસેજ મળ્યા હતા. સમગ્ર દુનિયામાં લાખો યુઝર્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર લોગિન અથવા કન્ટેન્ટ અપલોડ કરી શકતા નહોતા.

આઉટેજ ટ્રેકિંગ વેબસાઈટ ડાઉનડિટેક્ટર મુજબ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ૧૧,૦૦૦થી વધુ રિપોર્ટ્સ નોંધાયા છે. ઓપનએઆઈ અને જેમિની જેવા એઆઈ પ્લેટફોર્મ્સ જ નહીં પરંતુ પરપ્લેક્સિટી, ગ્રિંડર અને સ્પોટિફાઈ જેવા કેટલાક અન્ય લોકપ્રિય પ્લેટફોર્મ્સ પણ ડાઉન હતા.

વેબ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની ક્લાઉડફ્લેરે તેના સ્ટેટસ પેજ પર કહ્યું કે, તેઓ ટેકનિકલ ખામીની તપાસ કરી રહ્યા છે, જે અનેક ગ્રાહકોને અસર કરી રહી છે. કંપનીના જણાવ્યા મુજબ, વાઈડસ્પ્રેડ ૫૦૦ એરર આવી રહી છે, સાથે જ ક્લાઉડફ્લેઅર ડેશબોર્ડ અને એપીઆઈ પણ બરાબર કામ નથી કરી રહ્યા. સંપૂર્ણ સ્થિતિ સમજવા અને સમસ્યાને ઠીક કરવા માટે કામ ચાલુ છે.

ઈન્ટરનેટ પર આપણે જે વેબસાઈટ્સ જોઈએ છીએ અથવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર જે સેવાઓનો ઉપયોગ કરીએ છીએ, તેના પર ફોટો, વીડિયો, ફાઈલ્સ અથવા ટેક્સ્ટ જેવા કન્ટેન્ટ દેખાય છે તે ડિલિવરી નેટવર્ક્સના સર્વર પર સેવ રહે છે. એવામાં ક્લાઉડફ્લેરના સર્વરમાં અનેક વેબસાઈટ સંબંધિત કન્ટેન્ટ છે અને તેના પર અસર થતા બધી જ સંબંધિત વેબસાઈટ્સ ઠપ પડી ગઈ હતી.

સૌથી વધુ મુશ્કેલી ઈલોન મસ્કની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ એક્સના યુઝર્સને જ થઈ રહી હતી. હજારો લોકોએ કહ્યું કે, એપ અને વેબસાઈટ બંને પર ફીડ બ્લેન્ક દેખાય છે અને 'સમથિંગ વેન્ટ રોંગ' અથવા પેજ રિફ્રેશ કરતા આ મેસેજ આવી રહ્યો છે. આઉટેજ ટ્રેકિંગ વેબસાઈટ ડાઉનડિટેક્ટરમાં પણ મુશ્કેલીઓ જોવા મળી હતી, પરંતુ કેટલાક યુઝર્સનું કહેવું હતું કે આ પ્લેટફોર્મ્સે પર પણ થોડા સમય માટે એરર જોવા મળી હતી. અનેક યુઝર્સે કહ્યું કે, ડાઉનડિટેક્ટર ખોલતા ક્લાઉડફ્લેર નેટવર્કની ઈન્ટરનલ સર્વર એરર જોવા મળી હતી. આ ખામીના પગલે ઈન્ટરનેટ પર ક્લાઉડફ્લેરની મજાક ઉડી હતી.