પીડિતા રડે છે એટલે દહેજ ઉત્પીડનનો કેસ સાચો છે તેવું ન હોય, દિલ્હી હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો
Delhi High Court on Dowry Harassment : દિલ્હી હાઈકોર્ટે કથિત દહેજ ઉત્પીડનના એક કેસમાં ખૂબ જ મહત્ત્વનો નિર્ણય સંભળાવ્યો છે. હાઈકોર્ટે મૃતક પરિણીત મહિલાના પિતાની અરજી ફગાવીને તેના પતિ અને સાસરિયાઓને આરોપોમાંથી મુક્ત કર્યા છે. હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે પીડિતા રડે છે એટલે દહેજ ઉત્પીડનનો કેસ સાચો છે તેવું ન હોય. આ મામલામાં હાઈકોર્ટે મૃતકના પતિ અને તેના પરિવારના સભ્યોને આરોપોમાંથી મુક્ત કરવાના નિર્ણયને યથાવત રાખ્યો છે.
મૃતકના રડવાના આધારે ગુનો સાબિત કરી શકાય નહીં
જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાની બેન્ચે દહેજ ઉત્પીડનના કેસ બાબતે કહ્યું કે, 'મૃતક પીડિતાના રડવાની ગવાહી આપીને કોઈ ગુનો સાબિત કરી શકાય નહીં. મૃતકની બહેનનું નિવેદન CRPCની કલમ 161 હેઠળ નોંધવામાં આવ્યું હતું. જેમાં તેણે કહ્યું હતું કે હોળીના દિવસે મેં મારી બહેનને ફોન કર્યો હતો અને તે રડતી હતી.' આ મામલે બેન્ચે કહ્યું કે, 'માત્ર મૃતક રડી રહી હતી એટલા માટે દહેક ઉત્પીડનનો કોઈ કેસ બનતો નથી.'
અરજીને ફગાવીને હાઈકોર્ટે કહ્યું કે મૃતકના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેનું મૃત્યુ ન્યુમોનિયાને કારણે થયું હતું.
મૃતકના પતિ અને માતા-પિતાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા
બેન્ચે મૃતકના પિતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી. આ અરજીમાં દહેજ હત્યા અને ક્રૂરતાના ગુનાઓ માટે પતિ અને તેના માતા-પિતાને નિર્દોષ જાહેર કરવાના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: ભારતને મોટો ઝટકો! અમેરિકાની ટ્રેડ ડીલ કરનારી ટીમે દિલ્હીનો પ્રવાસ ટાળ્યો, જાણો કારણ
અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે લગ્ન પછી તેમની દીકરીના પતિ અને સાસરિયાઓ દ્વારા વધારાના દહેજની માંગણી કરવામાં આવી હતી. આરોપ હતો કે જ્યારે માંગણીઓ પૂરી ન થઈ, ત્યારે તેમની દીકરીને અપમાનિત કરી અને માનસિક રીતે ત્રાસ આપવામાં આવ્યો, જેના કારણે તેનું મૃત્યુ થયું.