ધોરણ 10ના વિદ્યાર્થી સાથે રોમાન્સ કરતી શિક્ષિકા સસ્પેન્ડ
- કર્ણાટકની શિક્ષિકા-વિદ્યાર્થીની તસવીરો વાયરલ
- અમારી વચ્ચે માતા-પુત્ર જેવો સંબંધ, ખોટા ઇરાદાથી તસવીરો વાયરલ કરાઇ : શિક્ષિકા
બેંગ્લુરુ : કર્ણાટકમાં ધોરણ ૧૦ના એક વિદ્યાર્થી અને તેની શિક્ષિકાની રોમાન્સ કરતી તસવીરો વાયરલ થઇ રહી છે. આ મામલે વિદ્યાર્થીના માતા પિતાની ફરિયાદ બાદ આ શિક્ષિકાને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. તસવીરોમાં વિદ્યાર્થી અને શિક્ષિકાને ચુંબન કરતા પણ દેખાડવામાં આવ્યા છે.
એક તસવીરમાં વિદ્યાર્થીએ શિક્ષિકાને ગોદમાં ઉઠાવી લેતી પણ દેખાડવામાં આવી છે. આ તસવીરો વાયરલ થઇ ગઇ તે બાદ વિદ્યાર્થીના માતા પિતાએ જિલ્લા શિક્ષણ વિભાગમાં શિક્ષિકાની સામે ફરિયાદ કરી હતી. જેને પગલે બીઇઓ ઉમાદેવીએ સ્કૂલની મુલાકાત લીધી હતી. અને પોતાનો રિપોર્ટ જિલ્લા શિક્ષણ વિભાગને સોપ્યો હતો, જેના આધારે શિક્ષિકાને સસ્પેન્ડ કરવામાં આવી છે.
ચિક્કબલ્લાપુર જિલ્લાની સરકારી શાળાની આ શિક્ષિકા પુષ્પલતા અને વિદ્યાર્થી બન્ને હાલ ચર્ચામાં છે. જિલ્લા પ્રશાસને પુસ્પલતાની પૂછપરછ પણ કરી હતી. જેમાં તેણે દાવો કર્યો હતો કે અમારી વચ્ચે મા પુત્રનો સંબંધ છે. બન્નેએ દાવો કર્યો કે ખોટા ઇરાદાથી તસવીરોને જાહેર કરી દેવામાં આવી છે. જોકે તસવીરોને લઇને સોશિયલ મીડિયામાં પણ બે ફાટા જોવા મળી રહ્યા છે. કેટલાકે કહ્યું છે કે આ પ્રકારની તસવીરો અને સંબંધો સમાજને ખોટા રસ્તે લઇ જશે, જ્યારે કેટલાકે કહ્યું છે કે માત્ર તસવીરો જ છે, તેમાં કઇ ખોટુ નથી. જો કાર્યવાહી કરવી હોય તો શિક્ષિકાની સાથે વિદ્યાર્થી સામે પણ કરવામાં આવે.