શ્યામ રંગ કે ભોજન રાંધવાની ટેવ પર કટાક્ષ એ ક્રૂરતા ન કહેવાય, 27 વર્ષ જૂના કેસમાં પતિને રાહત
Taunts Over Complexion Not 'Cruelty': Bombay High Court: મુંબઈ હાઈકોર્ટે 27 વર્ષ જૂના કેસમાં પતિને રાહત આપતો મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે પત્નીના શ્યામ રંગ અને રસોઈ બનાવવાની આદતો પર કટાક્ષ કરવો એ ક્રૂરતા નથી.
મહારાષ્ટ્રના સતારાના સદાશિવ રૂપનવરને તેની પત્ની પ્રેમાને આત્મહત્યા માટે ઉશ્કેરવા અને ક્રૂરતાના કેસમાં સજા થઈ હતી. 1998માં પ્રેમાના મૃત્યુ બાદ સેશન્સ કોર્ટે તેને દોષિત ઠેરવ્યો હતો. સદાશિવે આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો.
શું છે આખો મામલો?
લગ્નના પાંચ વર્ષ પછી, જાન્યુઆરી 1998માં સદાશિવની પત્ની પ્રેમા તેના સાસરિયાના ઘરેથી ગુમ થઈ ગઈ હતી અને બાદમાં તેનો મૃતદેહ કૂવામાંથી મળ્યો હતો. પ્રેમાના પરિવારજનોની ફરિયાદ પર પોલીસે સદાશિવ અને તેના પિતા વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. આરોપ હતો કે તેમની હેરાનગતિથી કંટાળીને પ્રેમાએ આત્મહત્યા કરી હતી. ટ્રાયલ કોર્ટે સદાશિવના પિતાને નિર્દોષ છોડી દીધા, પરંતુ સદાશિવને પત્ની પ્રત્યે ક્રૂરતા માટે એક વર્ષ અને આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ પાંચ વર્ષની સજા ફટકારી. તે સમયે સદાશિવ 23 વર્ષનો હતો. તેણે તે જ વર્ષે સજા સામે અપીલ કરી હતી.
હાઈકોર્ટે શું કહ્યું?
જસ્ટિસ એસ.એમ. મોડકની સિંગલ જજ બેન્ચે જણાવ્યું કે, 'ઉત્પીડનના આરોપોમાં પતિ દ્વારા પત્નીના શ્યામ રંગની મજાક ઉડાવવા અને ફરીથી લગ્ન કરવાની ધમકી આપવા બાબતના હતા. જ્યારે સસરા પર વહુના રસોઈ બનાવવાના કૌશલ્યની ટીકા કરવાનો આરોપ હતો.'
કોર્ટે કહ્યું કે, આને લગ્નજીવનના ઝઘડા કહી શકાય, તે ઘરેલું ઝઘડા છે. તેનાથી આત્મહત્યા માટે ઉશ્કેરણી થઈ હોય તેવું નથી લાગી રહ્યું. કોર્ટે એમ પણ કહ્યું કે, ફરિયાદી પક્ષ આરોપી દ્વારા કરાયેલી હેરાનગતિ અને આત્મહત્યા વચ્ચે સીધો સંબંધ સ્થાપિત કરવામાં નિષ્ફળ રહ્યો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, ઉત્પીડન થયું હતું, પરંતુ તે ગુનાહિત કાયદો લાગુ કરી શકાય તેવું ઉત્પીડન નહોતું. કોર્ટે ટ્રાયલ કોર્ટની ટીકા કરી કે આ કેસમાં પરિણીત મહિલા પ્રત્યે ક્રૂરતા હેઠળ અપાયેલી વ્યાખ્યાનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે.