ટૌકતે વાવાઝોડુંઃ વાયુસેનાના 17 વિમાન, 18 હેલિકોપ્ટર તૈયાર, 6 રાજ્યોમાં એલર્ટ
- NDRFએ શનિવારે રાહત અને બચાવ ટીમોની સંખ્યા 53થી વધારીને 100 કરી દીધી
નવી દિલ્હી, તા. 16 મે, 2021, રવિવાર
હવામાન વિભાગે શનિવારે જાહેર કરેલા અહેવાલ પ્રમાણે અરબ સાગરમાંથી ઉઠેલું વાવાઝોડું ટૌકતે આગામી 2 દિવસમાં ગંભીર સ્વરૂપ ધારણ કરશે. 18 મેના રોજ તે ગુજરાતના પોરબંદર અને નાલિયા કિનારે ભારે તબાહી મચાવશે તેવો અહેવાલ છે. એલર્ટને ધ્યાનમાં રાખીને NDRFએ વાવાઝોડાનો સામનો કરવા માટેની રાહત ટીમોની સંખ્યા 53થી વધારીને 100 કરી દીધી છે. આ સાથે જ પ્રભાવિત એવા તમામ 6 રાજ્યોએ પણ કમર કસી લીધી છે. અધિકારીઓને સ્થિતિનું મોનિટરીંગ કરવા અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેના નિર્દેશ પણ આપી દેવાયા છે.
હવામાન વિભાગે જણાવ્યું કે, શનિવારે સવારે 8:30 કલાકે ટૌકતે અરબ સાગરની ઉપર પૂર્વ મધ્ય દિશામાં હતું. ત્યાંથી આગળ વધીને તે આગામી 24 કલાકમાં ગંભીર અને ત્યાર બાદ અતિ ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે. તારીખ 18 મેના રોજ બપોરથી લઈને સાંજ સુધીમાં તે ગુજરાતના પોરબંદરથી થઈને પાકિસ્તાન તરફ આગળ વધશે. આ દરમિયાન પોરબંદર અને નાલિયા કિનારે તે ભારે તબાહી મચાવશે તેવી આગાહી છે.
આ દરમિયાન કેરળ, તમિલનાડુ, લક્ષદ્વીપ, કર્ણાટક, ગોવા, ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં ભારે વરસાદ થશે. જ્યારે દક્ષિણપૂર્વીય અરબ સાગર પર 85થી 95 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે. 16 મેના રોજ સવારના સમયે તટીય ક્ષેત્રોમાં હવાની ગતિ 130થી 145 કિમી પ્રતિ કલાક થઈ જશે. મહારાષ્ટ્રના પાલઘરમાં 97 હોડીઓ હજુ કિનારે પાછી નથી ફરી. ઠાણે અને પાલઘર પ્રશાસને લોકોને ઘરમાંથી બહાર ન નીકળવાની અને સમુદ્રથી દૂર રહેવાની વિનંતી કરી છે.
NDRFની 100 ટીમો તૈયાર
ટૌકતે વાવાઝોડાનો સામનો કરવા માટે NDRFએ શનિવારે ટીમોની સંખ્યા 53થી વધારીને 100 કરી દીધી હતી. તે પૈકીની 42 ટીમોને કેરળ, તમિલનાડુ, કર્ણાટક, ગુજરાત અને મહારાષ્ટ્રમાં તૈનાત કરી દેવામાં આવી છે અને 26ને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. તે સિવાય 32 ટીમોને બેકઅપમાં રાખવામાં આવી છે જેને જરૂર પ્રમાણે એરલિફ્ટ કરીને મોરચે લગાવવામાં આવશે.
તમામ ટીમના સદસ્યોને કોરોના વેક્સિન અપાઈ ચુકી છે અને ગુજરાત માટે ભુવનેશ્વરથી ટીમો રવાના થઈ ગઈ છે.