'ઉત્તર ભારતીયો અહીં ટેબલ સાફ કરવા આવે છે..', તમિલનાડુના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

MRK Panneerselvam North India Statement : તમિલનાડુના કૃષિ મંત્રી એમઆરકે પન્નીરસેલ્વમે ઉત્તર ભારતીયો અને હિન્દી ભાષાને લઈને અત્યંત વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, જેના કારણે દેશભરમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. ચેંગલપટ્ટુ જિલ્લામાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે દાવો કર્યો હતો કે ઉત્તર ભારતના લોકો તમિલનાડુમાં આવીને ટેબલ સાફ કરવાનું કે મજૂરી કરવાનું કામ કરે છે.
શું છે સમગ્ર વિવાદ?
તમિલનાડુના કૃષિ મંત્રી એમઆરકે પન્નીરસેલ્વમે એક પાર્ટી કાર્યક્રમમાં ઉત્તર ભારતીયોની મજાક ઉડાવતા કહ્યું હતું કે, "ઉત્તર ભારતના લોકો અહીં ટેબલ સાફ કરવા આવે છે... તેઓ કન્સ્ટ્રક્શન મજૂર બનીને કે પાણીપુરી વેચીને કામ કરે છે, કારણ કે તેમણે માત્ર હિન્દી શીખી છે." તેમણે વધુમાં ઉમેર્યું કે હિન્દી ભાષીઓને સારી નોકરીઓ મળતી નથી અને તેઓ મજબૂરીમાં તમિલનાડુ આવીને નાના કામો કરે છે.
ભાષાના આધારે વર્ગીકરણ
મંત્રીએ તમિલનાડુ સરકારની બે-ભાષાની નીતિના ફાયદા ગણાવતાં કહ્યું હતું કે, "અમારા બાળકો અંગ્રેજી સારી રીતે શીખે છે અને વિદેશ જાય છે. તેઓ અમેરિકા અને લંડનમાં કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે." આ નિવેદન દ્વારા તેમણે એવો સંકેત આપવાનો પ્રયાસ કર્યો કે હિન્દી શીખવાથી આર્થિક પ્રગતિ થતી નથી, જેણે હવે નવી ચર્ચા જગાવી છે.
ભાજપે DMKને ઘેર્યું
આ નિવેદન બાદ ભાજપના નેતાઓએ આકરી પ્રતિક્રિયા આપી છે. તમિલનાડુ ભાજપના પ્રમુખ નૈનાર નાગેન્દ્રને 'X' પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે કોઈ પણ કામ નાનું નથી હોતું અને કોઈ પણ નાગરિક હીન નથી. ભાજપે આરોપ લગાવ્યો કે DMK નેતા વારંવાર પ્રવાસી મજૂરો અને હિન્દી ભાષીઓને નિશાન બનાવીને સમાજમાં ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છે. ખાસ કરીને જ્યારે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક છે, ત્યારે આ નિવેદન રાજકીય રીતે ઘણું મહત્ત્વનું મનાય છે.








