India

તમિલનાડુમાં અભિનેતા વિજયની રેલીમાં ધક્કામુક્કી, 31નાં મોત

By GS TEAM
28 Sep 20253 mins read
તમિલનાડુમાં અભિનેતા વિજયની રેલીમાં ધક્કામુક્કી, 31નાં મોત

- અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયને જોવા માટે ગાંડપણ, ભીડ બેકાબુ થતા મોટી જાનહાની

- વિજય છ કલાક મોડો પહોંચતા 30 હજારથી વધુ લોકો એકઠા થઇ ગયા હતા, અનેક લોકોએ ગુંગળામણને કારણે જીવ ગુમાવ્યો

- મોદીએ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી, મુખ્યમંત્રી સ્ટાલિન આજે ઘાયલોની મુલાકાતે પહોંચશે, વિજયની મુશ્કેલી વધી

- મૃતકોમાં ૧૫થી વધુ મહિલાઓ, છ બાળકોનો સમાવેશ, 50થી વધુ બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ

ચેન્નાઇ/કરૂર : તમિલનાડુના કરૂરમાં અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયની રેલીમાં ધક્કામુક્કીમાં બેભાન થઇ જવાથી આશરે ૩૧ જેટલા લોકો માર્યા ગયા હતા. આ દરમિયાન અનેક લોકો બેભાન થઇ ગયા હતા જેમને બાદમાં તાત્કાલીક હોસ્પિટલ લઇ જવાયા હતા. માર્યા ગયેલા લોકોમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે. ભીડ એટલી વધી ગઇ હતી કે લોકો વિજયને જોવા માટે પડાપડી કરી રહ્યા હતા. બાદમાં વિજયે પોતાની આ રેલીને અધવચ્ચે જ છોડીને ભાગવું પડયું હતું. 

તમિલનાડુમાં નવા પક્ષ ટીવીકેની સ્થાપના બાદ વિજય પક્ષની સ્થિતિ મજબુત કરવા માટે કેમ્પેઇન કરી રહ્યા છે. તાજેતરમાં જ તમિલનાડુના કરૂરમાં કાર્યકર્તાઓને સંબોધવા માટે વિજયે રેલીનું આયોજન કર્યું હતું. જેને પગલે હજારો  સમર્થકો, ચાહકો અને કાર્યકર્તાઓ એકઠા થઇ ગયા હતા. વિજય આ રેલીમાં છ કલાક મોડા આવ્યા હતા જેને કારણે પણ ભીડ વધવા લાગી હતી. વિજય ટોળાની વચ્ચે ખુલ્લી બસ પર ચડીને પહોંચ્યા હતા. આ દરમિયાન બહુ જ મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા અને વિજયને ચારેય બાજુથી ઘેરી લીધા હતા. ભીડને કાબુ કરવી મુશ્કેલ હતી. આ દરમિયાન જ ધક્કા મુક્કી થવા લાગી અને કેટલાક બેભાન થવા લાગ્યા. ધક્કામુક્કીમાં બાળકો સહિત આશરે ૩૧ જેટલા લોકો માર્યા ગયા હતા.

ઘટનાની જાણ થતા સ્વાસ્થ્ય મંત્રી એમ સુબ્રમણ્યન ઘટના સ્થળે પહોંચ્યા હતા, જ્યારે મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિને પરિસ્થિતિ પર ધ્યાન રાખવા સ્થાનિક અધિકારીઓને આદેશ આપ્યા હતા. સ્ટાલિને ટ્વિટ કરીને કહ્યું હતું કે જે પણ લોકો બેભાન થયા છે તેમને યોગ્ય સારવારના આદેશ અપાયા છે. સ્ટાલિન રવિવારે ઘાયલોની મુલાકાતે પહોંચે તેવી શક્યતાઓ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.  

સ્વાસ્થ્ય મંત્રી  સુબ્રમણ્યને કહ્યું હતું કે આશરે ૩૧ લોકો માર્યા ગયા છે જ્યારે ૫૦થી વધુ લોકો હજુ સારવાર હેઠળ છે જેમને તાત્કાલીક મદદ મળી રહે તે માટે આસપાસના જિલ્લાઓમાંથી સરકારી ડોક્ટરોને દોડાવવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ અનેક લોકો સ્થળ પર જ બેભાન થઇ ગયા હતા. જેને કારણે પણ મોટી જાનહાની થઇ છે. લોકોની ભીડ એટલી હતી કે પગ મુકવાની પણ જગ્યા નહોતી.    જે પણ લોકો માર્યા ગયા છે તેમાં ૧૬ મહિલાઓ, નવ પુરુષો અને છ બાળકોનો પણ સમાવેશ થાય છે. ચારેય તરફ અફરા તફરી મચી ગઇ હતી. મોડા મોડા પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડયો હતો. 

અભિનેતા અને રાજનેતા વિજય હાલ સમગ્ર તમિલનાડુમાં પ્રવાસ કરી રહ્યો છે, આ દરમિયાન તેની યાત્રા કરૂર પહોંચી હતી, જોકે વિજય નિશ્ચિત સમય કરતા છ કલાક મોડો પહોંચ્યો હતો, જેને કારણે બહુ જ મોટી સંખ્યામાં ભીડ એકઠી થઇ ગઇ હતી. લોકોમાં વિજયને જોવા માટેનું ગાંડપણ એટલુ હતું કે એકબીજાને કચડીને પણ આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા હતા, આ દરમિયાન જ ધક્કામુક્કી થવા લાગી હતી. આટલી મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હોવા છતા તેમને કાબુ કરવા માટે જોઇએ એટલા પ્રમાણમાં પોલીસ તૈનાત નહોતી જોવા મળી. બીજી તરફ વિજય પણ સ્થિતિને ખાળવામાં નિષ્ફળ રહ્યો હતો અને તેણે આટલી ભીડ વચ્ચે બસમાંથી બહાર આવીને સંબોધનનો પ્રયાસ કર્યો હતો જે દરમિયાન જ ટોળુ બેકાબુ થઇ ગયું હતું અને બાદમાં ધક્કામુક્કી થવા લાગી. એક અંદાજા મુજબ ૩૦ હજારથી વધુ લોકો એકઠા થઇ ગયા હતા.