| ફાઈલ તસવીર |
National News: ભારતના 'નીટવેર કેપિટલ' ગણાતા તિરુપુરમાં ગંભીર સંકટના વાદળો છવાયા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ઊંચા ટેરિફના કારણે તિરુપુરની 20,000 ફેક્ટરી અને આશરે 30 લાખ કામદારોની રોજીરોટી પર ખતરો મંડરાઈ રહ્યો છે. આ સ્થિતિને જોતા તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે.
તિરુપુરનો દબદબો: ભારતના કુલ એક્સપોર્ટમાં 68% હિસ્સો
તિરુપુર એક્સપોર્ટર્સ એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી કુમાર દુરૈસામીના મતે, તિરુપુરમાં 2,500 નિકાસકારો અને 20,000 સ્વતંત્ર એકમો કાર્યરત છે. ભારતની કુલ નીટવેર નિકાસમાં આ વિસ્તારનો હિસ્સો 68 ટકા જેટલો માતબર છે. ગયા વર્ષે આ ક્ષેત્રે રૂ. 44,744 કરોડનું ટર્નઓવર નોંધાવ્યું હતું. કોવિડ લોકડાઉન, વૈશ્વિક આર્થિક મંદી અને રશિયા-યુક્રેન યુદ્ધ જેવી પ્રતિકૂળતાઓ છતાં આ ક્ષેત્રે 20 ટકાની વૃદ્ધિ હાંસલ કરી હતી. તિરુપુર મુખ્યત્વે અમેરિકા (40%), યુરોપ (40%), યુકે (10%) અને અન્ય દેશોમાં નિકાસ કરે છે.
તિરુપુર ભારતના ‘નીટવેર કેપિટલ’ તરીકે જાણીતું
તિરુપુરને દેશની નીટવેર રાજધાની (Knitwear Capital of India) તરીકે ઓળખવામાં આવે છે કારણ કે, તે ભારતના કાપડ નિકાસમાં પ્રભુત્વ ધરાવે છે. ખાસ કરીને કોટન નીટવેર, જે રાષ્ટ્રીય હિસ્સાના 90%થી વધુનું ઉત્પાદન કરે છે, અને કુશળ મજૂર સાથે વિશાળ માળખાગત સુવિધા ધરાવે છે. એટલું જ નહીં, તિરુપુર વૈશ્વિક બ્રાન્ડ્સને ટેકો આપે છે અને લાખો લોકો માટે રોજગારીનું પણ સર્જન કરે છે. કોટન જિનિંગમાં સફળતા હાંસલ કરીને તિરુપુર હોઝિયરી, કેઝ્યુઅલ વેર અને સ્પોર્ટસવેરનું કેન્દ્ર બની ગયું છે. હવે તે દેશના ગાર્મેન્ટ ઉદ્યોગ માટે એક મુખ્ય આર્થિક પાવરહાઉસમાં પરિવર્તિત થયું છે.
વધુ ટેક્સના કારણે નિકાસકારોની હાલત કફોડી
આ સ્થિતિમાં જે નિકાસકારો સંપૂર્ણપણે અમેરિકન ખરીદદારો પર નિર્ભર છે, તેમની હાલત સૌથી વધુ કફોડી બની છે. અન્ડરગારમેન્ટ્સ, બેબી સૂટ્સ અને સ્લીપવેર બનાવતી ફેક્ટરીઓ ઊંડી મુશ્કેલીમાં મુકાઈ છે. આ ચીજવસ્તુઓમાં નફાનું માર્જિન ખૂબ જ ઓછું હોય છે, તેથી આટલી મોટી જકાત સહન કરવી ઉત્પાદકો માટે અશક્ય છે. વાત એમ છે કે, હવે અમેરિકા સહિતના ખરીદદારો ફેક્ટરીઓને 27 ઓગસ્ટ સુધીમાં તૈયાર માલ મોકલવાની સૂચના આપી રહ્યા છે. એટલું જ નહીં, ટેક્સનો અમુક હિસ્સો ભોગવવા પણ દબાણ કરી રહ્યા છે. જો કે, ભારત માટે વધારાના 25% ટેક્સની જાહેરાત કરાઈ, ત્યારે આ આંચકો અસહ્ય બની ગયો છે. આ સ્થિતિમાં 27 ઓગસ્ટ પછીના તમામ ઓર્ડર અટકાવી દેવાયા છે.
આ પણ વાંચો: ટ્રમ્પની ટેરિફની ધમકીઓ પર ભારતનો રોકડો જવાબ, બાંગ્લાદેશ-ચીનને પણ સીધી ચેતવણી
તમિલનાડુના સીએમ સ્ટાલિનની વડાપ્રધાન મોદીને અપીલ
આ અંગે તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને ચિંતા વ્યક્ત કરી છે. આ પત્રમાં તેમણે કહ્યું છે કે, છેલ્લા નાણાકીય વર્ષ પ્રમાણે ભારતની કુલ નિકાસમાં અમેરિકાનો હિસ્સો 20% છે, પરંતુ તમિલનાડુની કુલ નિકાસમાં 31% હિસ્સો એકલું અમેરિકા ધરાવે છે. તેનો અર્થ એ છે કે ટ્રમ્પના ટેરિફની સૌથી ઘાતક અસર તમિલનાડુ પર પડશે. તમિલનાડુના ટેક્સટાઇલ ક્ષેત્રે 75 લાખ લોકો કામ કરે છે. આ સ્થિતિમાં 25%થી 50% સુધીના ટેક્સને કારણે અંદાજે 30 લાખ નોકરી જોખમમાં છે. આ સંકટને ટાળવા માટે નિકાસ સ્પર્ધાત્મકતામાં નડતા માળખાગત પ્રશ્નો ઉકેલવા અનિવાર્ય છે.


