Updated: May 26th, 2023
ચેન્નાઈ, તા.26 મે-2023, શુક્રવાર
તમિલનાડુની હોસ્પિટલમાં હિજાબ પહેરેલી ડોક્ટર સાથે બોલાચાલી કરી ભાજપ નેતાએ વિવાદ ઉભો કર્યો છે. આ મામલે ભાજપના નેતા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. નાગપટ્ટિનમ જિલ્લાની એક સરકારી પ્રાથમિક આરોગ્ય સંભાળ કેન્દ્રમાં રાત્રે ડ્યુટી દરમિયાન મહિલા ડોક્ટરે હિજાબ પહેર્યો હતો, જેનાથી ભાજપના નેતાએ વાંધો ઉઠાવી મહિલા ડોક્ટર સાથે મગજમારી શરૂ કરી દીધી હતી. ત્યારબાદ મહિલા ડોક્ટરે ભાજપ નેતા સામે ફરિયાદ નોંધાવી છે.
ભાજપના નેતાઓ હોસ્પિટલમાં હંગામો મચાવ્યો
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ભાજપ નેતા ભુવનેશ્વર રામ હોસ્પિટલમાં હંગામો કરતા તેમજ એક મહિલા ડોક્ટર જનનાથ ફિરદૌરે હિજાબ પહેરવા પર વાંધો ઉઠાવતા દેખાઈ રહ્યા છે. વીડિયોમાં ડૉક્ટરને એવું પુછતા સંભળાઈ રહ્યું છે કે, શું તેઓ ખરેખર એક ડોક્ટર છે, કારણ કે તેમણે યુનિફોર્મ પહેર્યું નથી અને હિજાબ પહેર્યું છે.
‘તેઓ મંજુરી વગર રાત્રે મહિલા ડોક્ટરનો વીડિયો બનાવી રહ્યા હતા’
મહિલા ડૉક્ટરે પણ વીડિયો રેકોર્ડ કર્યો છે. પોતાના વીડિયોમાં મહિલા ડોક્ટર એવું કહી રહી છે કે, જ્યારે રાતના સમયે મહિલા સ્ટાફ સભ્યો હોય છે, ત્યારે લોકો અભદ્ર ભાષામાં વાત કરતા હોય છે. મંજુરી વિના મહિલા ડોક્ટરનો વીડિયો શૂટ ન કરવો જોઈએ. ઘટના સ્થળે ઉપસ્થિત લોકોએ પણ ભુવનેશ્વર રામે કરેલા હંગામોનો વીડિયો રેકોર્ડ કર્યો અને કહ્યું કે, તેઓ મંજુરી વગર રાત્રે મહિલા ડોક્ટરનો વીડિયો બનાવી રહ્યા હતા.
DMKએ ભાજપના નેતાની ધરપકડની માંગ કરી
ભાજપના નેતા 24 મેની રાત્રે થિરુથુરાઈપોંડી આરોગ્ય સંભાળ કેન્દ્રમાં પડોશીને દવા અપાવવા માટે પહોંચ્યા હતા. પડોશીની છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. ડોક્ટર સાથે વિવાદ થયા બાદ અહીં રાજકારણ ગરમાયું છે. દ્રવિડ મુનેત્ર કડગમ (DMK), કોમ્યુનિસ્ટ પાર્ટીઓ, વિદુથલાઈ ચિરુથિગલ કાચી (VCK)ના કાર્યકર્તાઓ અને અન્ય લોકોએ ભુવનેશ્વરની ધરપકડની માંગ કરી રહ્યા છે. કીલૈયુર પોલીસે ભુવનેશ્વર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે અને તેમને શોધી રહી છે.