PM મોદીની મુલાકાત પહેલા તમિલનાડુમાં ભાજપને મળ્યો નવો પાર્ટનર, NDAમાં સામેલ થઈ સાઉથની ‘TMC’
પીએમ મોદી આવતીકાલે તમિલનાડુના તિરુપુરમાં જનસભા સંબોધશે
તમિલ મનીલા કોંગ્રેસના વડા જી.કે.વાસન જનસભામાં ઉપસ્થિત રહેશે
NDA New Partner In South India : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે તમિલનાડુ જવાના છે, જોકે તે પહેલા ભાજપને નવો સાથીદાર મળી ગયો છે. ભાજપ દક્ષિણ ભારતમાં દબદબો બનાવવા દ્રવિડ મુનેત્ર કષગમ (DMK) અને અખિલ ભારતીય અન્ના દ્રવિડ મુનેત્ર કષગમ (AIDMK) સિવાયના પક્ષો સાથે ગઠબંધનનો પ્રયાસ કરી રહી છે, ત્યારે ભાજપે જી.કે.વાસન (GK Vasan)ના નેતૃત્વ હેઠળની તમિલ મનીલા કોંગ્રેસ (TMC) સાથે હાલ મિલાવી લીધો છે.
તમિલનાડુના અન્ય પ્રાદેશિક પક્ષો પણ NDAમાં સામેલ થવાની આશા
મીડિયા અહેવાલો મુજબ લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024) પહેલા BJP સાથે ગઠબંધન કરનાર પ્રાદેશિક પક્ષ તમિલ મનીલા કોંગ્રેસે (Tamil Maanila Congress) આગામી સમયમાં રાજ્યના કેટલાક દળો પણ એનડીએમાં સામેલ થવાની આશા વ્યક્ત કરી છે. ભાજપ એકમના પ્રદેશ અધ્યક્ષે વાસનની પ્રશંસા કરતા કહ્યું કે, આગામી દિવસોમાં ગઠબંધન અંગે માર્ગદર્શન મેળવવા તેમની સલાહ લેવામાં આવશે.
1996માં તમિલ મનીલા કોંગ્રેસની સ્થાપના થઈ હતી
સ્વ. નેતા જી.કે.મૂપનારે ચૂંટણીમાં અન્નાદ્રમુક સાથે ગઠબંધન કરવાના નિર્ણયના વિરોધમાં કોંગ્રેસ છોડી દીધુ હતું અને 1996માં ટીએમસીની સ્થાપના કરી હતી. જોકે વર્ષ 2002માં કોંગ્રેસમાં ટીએમસીનો વિલય થયો હતો. ત્યારબાદ તેણે 2014માં ફરી કોંગ્રેસ સાથે છેડો ફાડી નવી શરૂઆત કરી હતી.
TMCના વડા વાસન PM મોદીની જનસભામાં સામેલ થશે
જી.કે.વાસને જણાવ્યું કે, ‘હું 27મી ફેબ્રુઆરીએ તિરુપુર જિલ્લાના પલ્લડમાં યોજાનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનસભામાં સામેલ થવાનો છું. મારા દિવંગત પિતા મૂપનાર દ્વારા તમિલ મનીલા કોંગ્રેસની સ્થાપના કરાયા બાદ અમારી પાર્ટીનો પહેલેથી જ રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ રહ્યો છે. અમે તમિલનાડુ અને તમિલોના કલ્યાણ માટે, તેમને મજબૂત કરવા અને સમૃદ્ધ ભારત બનાવવા હેતુથી ભાજપ સાથે હાથ મિલાવ્યો છે.’