અભિનેત્રી તમન્ના ભાટિયા કર્ણાટકમાં સાબુની બ્રાન્ડ એમ્બેસેડર બનતાં વિવાદ, લોકો ભડક્યાં
Mysore Sandal Soap Tamannaah Bhatia Controversy: મૈસુર સેન્ડલ સાબુ કર્ણાટકના ઇતિહાસ અને સંસ્કૃતિનો એક મહત્ત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. આ સાબુનું ઉત્પાદન સૌપ્રથમ વર્ષ 1918માં થયું હતું. હવે, એક સદી કરતાં વધુ સમય પછી, આ સાબુનાં કારણે કર્ણાટકમાં વિવાદ ઉભો થયો છે અને તેની અસર ઉત્તર ભારતમાં પણ જોવા મળી રહી છે. આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં અભિનેત્રી તમન્ના ભાટિયા અને કર્ણાટક સરકારે તેમની સાથે કરેલો સોદો છે.
સરકારના નિર્ણય પર સવાલ
કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારે તમન્નાને માત્ર મૈસુર સેન્ડલ સોપ જ નહિ પરંતુ કર્ણાટક સોપ્સ એન્ડ ડિટર્જન્ટ્સ લિમિટેડ (KSDL) ની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી છે. આ કંપની સરકાર દ્વારા નિયંત્રિત છે અને આ કંપની જ મૈસુર સેન્ડલ સોપનું ઉત્પાદન કરે છે. કર્ણાટક સરકારે તમન્ના સાથે 6.2 કરોડ રૂપિયાનો બે વર્ષ માટે કરાર કર્યો છે.
એવામાં હવે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે તમન્નાને બદલે કર્ણાટકની કોઈ અન્ય અભિનેત્રીને આ માટે કેમ પસંદ કરવામાં આવી નહીં? કર્ણાટક તરફી જૂથો, સ્થાનિક કાર્યકરો અને વિપક્ષી નેતાઓએ હવે આ અંગે હોબાળો મચાવ્યો છે. તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્ય સરકારના આ નિર્ણય પર પ્રશ્નો ઉભા કરવામાં આવી રહ્યા છે.
'બિન-કન્નડ' અભિનેત્રીની પસંદગી પર લોકોએ પ્રશ્નો ઉઠાવ્યા
આ સમગ્ર વિવાદે પ્રાદેશિક ઓળખ અને પ્રતિનિધિત્વ પર ચર્ચા જગાવી છે. ટીકાકારોનો તર્ક છે કે સરકારે કર્ણાટકની એક અભિનેત્રીને બ્રાન્ડનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરવી જોઈતી હતી જેને રાજ્યની પ્રાદેશિક સંસ્કૃતિની ઊંડી સમજ હતી. એવામાં હવે મુંબઈમાં જન્મેલી તમન્નાએ દક્ષિણ ભારતીય ફિલ્મોથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હોવા છતાં તેને બ્રાન્ડ એમ્બેસેડર બનાવતા વિવાદ ઉભો થયો છે.
કન્નડ ફિલ્મ ઉદ્યોગના સેલિબ્રિટી અને ચાહકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે કર્ણાટકમાં પહેલાથી જ 'સેન્ડલવુડ' નામની મજબૂત ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે ત્યારે બિન-કન્નડ અભિનેત્રીને કેમ પસંદ કરવામાં આવી?
એક યુઝરે તો એવું પણ કહ્યું કે, 'શું કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટેલેન્ટની કમી છે?' તેમજ ઘણા લોકોએ સ્થાનિક કલાકારો અને સંસ્કૃતિને અવગણવા બદલ સરકારની ટીકા કરી છે.
તેમજ કાર્યકર્તાઓએ સમગ્ર મુદ્દા અંગે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને ઔપચારિક રીતે લેખિત ફરિયાદ નોંધાવીને તમન્નાની બ્રાન્ડ એમ્બેસેડર તરીકેની નિમણૂક રદ કરવાની માંગ કરી છે.
આ વિવાદ પર સરકારની પ્રતિક્રિયા
આ સમગ્ર વિવાદ પર રાજ્ય સરકારે પોતાનો બચાવ કર્યો છે. કર્ણાટકના મંત્રી એમબી પાટીલે કહ્યું છે કે, 'માર્કેટિંગ નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા પછી જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય પાછળ સરકારનો ઉદ્દેશ્ય મૈસુર સેન્ડલ સોપને કર્ણાટકની બહાર લઈ જઈને તેને રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય ઓળખ આપવાનો છે.'
પાટીલે વધુમાં કહ્યું કે, 'અમે દીપિકા પાદુકોણનું નામ વીચાર્ય પણ એટલું બજેટ ન હતું, રશ્મિકા મંદાનાનું નામ પણ આ પ્રોજેક્ટ માટે વિચારવામાં આવ્યું હતું, પરંતુ તેણે બીજા ઘણા પ્રોજેક્ટ સાઈન કરેલા છે. આ સિવાય પૂજા હેગડે અને કિયારા અડવાણી સહિત ઘણી સેલિબ્રિટીનું મૂલ્યાંકન કર્યું, જેના પછી તમન્નાની પસંદગી કરવામાં આવી. તમન્નાને સોશિયલ મીડિયા પર દેશભરમાં 28 મિલિયન લોકો ફોલો કરે છે.'
જણાવી દઈએ કે છેલ્લા કેટલાક વર્ષોથી કર્ણાટકમાં કન્નડ ભાષા એક મોટો મુદ્દો રહ્યો છે. તેમજ તેના પર વિવાદની ઘણી ઘટના પણ સામે આવી રહી છે. એવામાં તમન્નાને લઈને આ એક નવો વિવાદ શરુ થયો છે.