બંગાળના નવા CMનું નામ નક્કી! ભાજપ બે નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા લાવશે, ઔપચારિક જાહેરાત બાકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (IMAGE - IANS) |
West Bengal CM: પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક જીત બાદ હવે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સરકાર બનાવવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કેન્દ્રીય નિરીક્ષક તરીકે કોલકાતા પહોંચી ગયા છે, જ્યાં તેઓ ભાજપના તમામ 206 ધારાસભ્યોની બેઠકમાં હાજરી આપશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, રાજ્યના આગામી મુખ્યમંત્રી તરીકે શુભેન્દુ અધિકારીનું નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે.
શુભેન્દુ અધિકારી મુખ્યમંત્રીની રેસમાં સૌથી આગળ
શુભેન્દુ અધિકારીએ આ ચૂંટણીમાં બે મોટી જીત હાંસલ કરીને પોતાની ક્ષમતા સાબિત કરી છે. તેમણે નંદીગ્રામ બેઠક જાળવી રાખવાની સાથે મમતા બેનર્જીના ગઢ ગણાતી ભવાનીપુર બેઠક પર પણ વિજય મેળવ્યો છે. શુભેન્દુ અધિકારી અગાઉ મમતા બેનર્જીના નજીકના સાથી હતા અને ડિસેમ્બર 2020માં ભાજપમાં જોડાયા હતા. મુખ્યમંત્રીની સાથે બે નાયબ મુખ્યમંત્રીઓ પણ શપથ લે તેવી શક્યતા છે, જેની સત્તાવાર જાહેરાત આજે સાંજ સુધીમાં થઈ શકે છે.
નવી સરકારમાં કોને મળી શકે છે સ્થાન?
શુભેન્દુ અધિકારીની સંભવિત કેબિનેટમાં અનેક દિગ્ગજ ચહેરાઓને સ્થાન મળી શકે છે. જેમાં દિલીપ ઘોષ, અગ્નિમિત્રા પોલ, નિશીથ પ્રામાણિક, રૂપા ગાંગુલી, સ્વપન દાસગુપ્તા, શંકર ઘોષ, તાપસ રોય, અશોક ડિંડા અને ડૉ. રાજેશ કુમાર જેવા નેતાઓના નામ ચર્ચામાં છે. પશ્ચિમ બંગાળમાં આ પરિવર્તન રાજ્યના રાજકીય ઇતિહાસમાં ઘણું મહત્ત્વનું માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: તમિલનાડુમાં થશે મોટો ખેલ, ભાજપનો સાથ છોડશે AIADMK, વિજય-DMKને લઈને સસ્પેન્સ વધ્યું
તૃણમૂલના 15 વર્ષના શાસનનો અંત
તાજેતરમાં સંપન્ન થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમતી મેળવીને મમતા બેનર્જીના 15 વર્ષના શાસનનો અંત આણ્યો છે. રાજ્યપાલ આર. એન. રવિએ ગુરુવારે વિધાનસભા ભંગ કરી દીધી હતી, જેનાથી હવે નવી સરકારની રચનાનો માર્ગ મોકળો થયો છે. બંગાળમાં આ સત્તા પરિવર્તનને પગલે વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઐતિહાસિક ક્ષણની રાહ આખું ભારત જોઈ રહ્યું છે.








