પંજાબમાં ભયાનક પૂર વચ્ચે ડેમ તૂટવાની અણીએ, 15 ગામડામાં પૂરનું સંકટ, લાખો લોકો મુશ્કેલીમાં
Punjab Floods: પંજાબના લુધિયાણામાં સતલજ નદીના વધતા જળસ્તરને કારણે પૂરનો ભય વધુ ગંભીર બન્યો છે. સસરાલી ગામ નજીક બાંધવામાં આવેલા બંધ છેલ્લા 48 કલાકથી સતત ધોવાણ થઈ રહ્યું છે. શુક્રવાર (પાંચમી સપ્ટેમ્બર) સુધીમાં બંધ પર 16 ફૂટનું ધોવાણ નોંધાયું હતું. જેના કારણે ખેડૂતોના ટ્યુબવેલ ધોવાઈ ગયા હતા અને પાણી રિંગ ડેમ સુધી પહોંચી ગયું હતું. આ નવો રિંગ ડેમ મુખ્ય બંધથી 700 મીટરના અંતરે બનાવવામાં આવ્યો હતો, પરંતુ હવે તે જોખમમાં છે. હાલ સેના અને NDRFની ટીમ સ્થળ પર તહેનાત કરવામાં આવી છે. વહીવટીતંત્રે ધોવાણ અટકાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સફળ થઈ શક્યું નહીં. અધિકારીઓના મતે, જો પાણી અહીંથી આગળ વધે તો લુધિયાણાના 15 ગામોમાં પૂર આવી શકે છે.
અહેવાલો અનુસાર, રાહોં રોડ, ટિબ્બા રોડ, તાજપુર રોડ, નૂરવાલા રોડ અને સમરાલા ચોક જેવા શહેરી વિસ્તારોમાં પાણી પહોંચવાની શક્યતા છે. સહનેવાલના ધનસુ વિસ્તારમાં પણ પાણી ભરાઈ શકે છે, જેનાથી લગભગ 50 હજાર લોકો પ્રભાવિત થશે.
એમ્બ્યુલન્સ ખાડામાં પડી, 3 લોકોના મોત
પંજાબના હોશિયારપુરમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી.અહીં ચિંતપૂર્ણી ધર્મશાળા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મગવાલ ગામ નજીક એક એમ્બ્યુલન્સ ખાડામાં પડી ગઈ. અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા. બે લોકોની હાલત ગંભીર હોવાથી તેમને હોશિયારપુર સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા. આ એમ્બ્યુલન્સ કાંગડા ધર્મશાળાથી દર્દીને લઈને આવી રહી હતી.
અત્યાર સુધીમાં 43 લોકોના મોત
મહેસૂલ, પુનર્વસન અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી હરદીપ સિંહ મુંડિયને શુક્રવારે જણાવ્યું હતું કે 'છેલ્લા 24 કલાકમાં કોઈ મૃત્યુ થયું નથી. જોકે, ચોથી સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના 14 જિલ્લાઓમાં 43 લોકોના મોત થયા છે.' અત્યાર સુધીમાં 21,929 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે અને 196 રાહત શિબિરો બનાવવામાં આવ્યા છે, જેમાં 7,108 લોકોએ આશ્રય લીધો છે. ફાઝિલ્કામાં સૌથી વધુ 2,548 લોકોને રાહત શિબિરોમાં મોકલવામાં આવ્યા છે, જ્યારે અસરગ્રસ્ત લોકોને હોશિયારપુર (1,041), ફિરોઝપુર (776) અને પઠાણકોટ (693) ના શિબિરોમાં રાખવામાં આવ્યા છે. કુલ મળીને, અત્યાર સુધીમાં 1.72 લાખ હેક્ટર ખેતીલાયક જમીનને નુકસાન થયું છે.