યુનિટેકના પૂર્વ પ્રમોટરો સાથે સાઠગાંઠ કરનારા તિહાર જેલના અધિકારીઓને સસ્પેન્ડ કરો
- દિલ્હી પોલીસ કમિશનરના અહેવાલ પછી સુપ્રીમનો આદેશ
- અજય ચંદ્રા અને સંજય ચંદ્રા પોલીસ અધિકારીઓની રહેમ નજર હેઠળ તિહાર જેલમાંથી બિઝનેસ ચલાવતા હતા
નવી દિલ્હી : યુનિટેકના પ્રમોટરો સંજય ચંદ્રા અને અજય ચંદ્રા સાથે સાઠગાંઠ કરનારા તિહાર જેલના અધિકારીઓની મુશ્કેલી વધી ગઇ છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાના અહેવાલમાં તિહાર જેલના જે અધિકારીઓના નામ છે તેમને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે.
યુનિટેકના પ્રમોટરોને જેલમાંથી કામકાજ ચલાવવામાં મદદરૂપ થવા બદલ તિહાર જેલના અધિકારીઓ સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. યુનિટેકના પૂર્વ પ્રમોટર સંજય ચંદ્રા અને અજય ચંદ્રા સામે સુપ્રીમ કોર્ટ નારાજ છે. છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સંજય ચંદ્રા અને અજય ચંદ્રાને તાત્કાલિક તિહાર જેલમાંથી મુંબઇની આર્થર રોડ જેલ અને તલોજા સેન્ટ્રલ જેલમાં ટ્રાન્સફર કરવાના નિર્દેશ આપ્યા હતાં.
કોર્ટે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કાયદાનું અપમાન કોઇ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. આ કેસમાં તિહાર જેલના અધિકારીઓેની સંડાવણીની તપાસ કરવાની કામગીરી દિલ્હી પોલીસ કમિશનરને સોંપવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે સંજય ચંદ્રા અને અજય ચંદ્રાને જેલમાં કોઇ પણ વધારાની સુવિધા આપવામા આવશે નહી. વાસ્તવમાં ઇડીએ પાંચ એપ્રિલ અને ૧૬ ઓગસ્ટે બે સ્ટેટ્સ રિપોર્ટ દાખલ કર્યા હતાં. ૧૬ ઓગસ્ટ, ૨૦૨૧ના સ્ટેટ્સ રિપોર્ટમાં ઇડીએ જણાવ્યું હતું કે જેલ પરિસરનો ઉપયોગ ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે કરવામાં આવ્યો હતો.
સાક્ષીઓને પ્રભાવિત કરવા માટે પણ તિહાર જેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં તિહાર જેલના અધિકારીઓની સંડોવણી પણ સામે આવી હતી. સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું છે કે બૅને ભાઇઓની તાત્કાલિક ટ્રાન્સફર કરવામાં આવે અને બંનેને અલગ અલગ રાખવામાં આવે.
કોર્ટે તિહાર જેલના અધિકારીઓ સામે ે યુનિટેકના નિર્દેશક સંજય ચંદ્રા અને અજય ચંદ્રા સાથે મળીને જેલ મેન્યુઅલનો ભંગ કરવા, કાર્યવાહીમાં અવરોધ ઉભા કરવા, તપાસને વિચલિત કરવા માટે નારાજગી વ્યક્ત કરી છે.
ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ એમ આર શાહની બનેલી ખંડપીઠે જેલકર્મીઓ સામે કેટલાક આરોપ મૂકીને ઇડી ડાયરેક્ટરના પત્રના દસ દિવસ પછી પણ કોઇ કાર્યવાહી ન કરવા બદલ દિલ્હી પોેલીસે નારાજગી વ્યક્ત કરી છે.