SC/STમાં પણ આવકના આધારે અનામત? અરજી પર સુનાવણી કરશે સુપ્રીમ કોર્ટ
Supreme Court: સુપ્રીમ કોર્ટે સોમવારે (11મી ઓગસ્ટ) જાહેર હિતની અરજી (PIL) પર વિચાર કરવા સંમતિ આપી હતી, જેમાં સરકારી નોકરીઓમાં અનામતની વધુ સમાન વ્યવસ્થા માટે નીતિઓ ઘડવા માટે કેન્દ્રને નિર્દેશ આપવા અપીલ કરાઈ હતી. ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બેન્ચે રમાશંકર પ્રજાપતિ અને યમુના પ્રસાદ દ્વારા દાખલ કરાયેલી PIL પર કેન્દ્રને નોટિસ આપી હતી અને 10મી ઓક્ટોબર સુધીમાં જવાબ માંગ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ મામલાની સુનાવણી માટે સંમતિ આપ્યા પછી, દેશમાં અનામત પર નવી ચર્ચા ઊભી થઈ શકે છે.
અનામત છતાં વંચિત લોકો પાછળ રહી ગયા
અરજદારના વકીલને ભારે વિરોધનો સામનો કરવા માટે તૈયાર રહેવા સુપ્રીમ કોર્ટે હતું. કારણ કે પીઆઈએલના દૂરગામી પરિણામો આવી શકે છે. અરજદારોએ એડવોકેટ સંદીપ સિંહ દ્વારા પીઆઈએલ દાખલ કરી છે. જેમાં જણાવ્યું હતું કે આ અભિગમ બંધારણના અનુચ્છેદ 14, 15 અને 16 ને મજબૂત બનાવશે અને હાલની અનામત મર્યાદા સાથે ચેડા કર્યા વિના સમાન તક સુનિશ્ચિત કરશે.
અરજીમાં જણાવાયું છે કે, દાયકાઓથી અનામત હોવા છતાં, સૌથી વધુ આર્થિક રીતે વંચિત લોકો ઘણીવાર પાછળ રહી જાય છે અને અનામત શ્રેણીઓના પ્રમાણમાં સારા લોકો તેનો લાભ લે છે પરંતુ આવકના આધારે પ્રાથમિકતા આપવાથી ખાતરી થશે કે મદદ ત્યાંથી શરૂ થાય છે જ્યાંથી આજે તેની સૌથી વધુ જરૂર છે. અનુસૂચિત જાતિ (SC) અને અન્ય પછાત વર્ગો (OBC) શ્રેણીઓના અરજદારો, હાલની અરજી દ્વારા, આ સમુદાયોમાં આર્થિક અસમાનતાઓને પ્રકાશિત કરવા માંગે છે, જેના કારણે હાલની અનામત નીતિઓ હેઠળ લાભોનું અસમાન વિતરણ થયું છે.
વર્તમાન વ્યવસ્થામાં ઘણી વિસંગતતાઓ
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં એવી પણ દલીલ કરવામાં આવી છે કે જ્યારે આરક્ષણ માળખું શરૂઆતમાં ઐતિહાસિક રીતે વંચિત સમુદાયોના ઉત્થાન માટે રજૂ કરવામાં આવ્યું હતું, ત્યારે વર્તમાન વ્યવસ્થા આ જૂથોમાં પ્રમાણમાં સમૃદ્ધ આર્થિક સ્તર અને ઉચ્ચ સામાજિક દરજ્જાનું બેકગ્રાઉન્ડ ધરાવતા લોકોને અપ્રમાણસર રીતે લાભ આપે છે, જ્યારે સૌથી વધુ આર્થિક રીતે વંચિત સભ્યો માટે તકોની ઍક્સેસને પ્રતિબંધિત કરે છે.
હવે આ વાત પર વિચાર કરવાનો સમય આવી ગયો છે: જસ્ટિસ સૂર્યકાંત શર્મા
આ અરજીમાં અંગે જસ્ટિસ સૂર્યકાંત શર્માએ કહ્યું કે 'અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો (OBC)ના ઘણાં લોકો અનામત દ્વારા ઉચ્ચ શ્રેણીની સરકારી નોકરીઓમાં પ્રવેશ કરીને સામાજિક અને આર્થિક રીતે સક્ષમ બની શકે છે અને તેમના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ અને સુવિધાઓ પૂરી પાડી શકે છે. હવે સમય આવી ગયો છે કે શું આવા વર્ગના લોકોએ તેમના પોતાના સમુદાયના તે સભ્યોની કિંમતે અનામતનો લાભ મેળવતા રહેવું જોઈએ જેઓ ગરીબીમાં જીવી રહ્યા છે અને સામાજિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.'