Supreme Court : દિગ્ગજ ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટમાં મોટો હિસ્સો વેચનાર 'ટાઇગર ગ્લોબલ' પર ટેક્સ લાગવો જોઈએ કે નહીં, તે અંગે સુપ્રીમ કોર્ટે મોટો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે ટાઇગર ગ્લોબલને ઝટકો આપતા સ્પષ્ટતા કરી છે કે, તેને ટેક્સ ચૂકવવો પડશે. નોંધનીય છે કે, ટાઇગર ગ્લોબલે ઈ-કોમર્સ કંપનીમાં પોતાની 1.6 અબજ ડોલર (આશરે ₹14,440 કરોડ) ની હિસ્સેદારી વોલમાર્ટને વેચી દીધી હતી.
આ સોદો ટેક્સ મુક્તિ માટે હકદાર નથી
સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે, કંપની ભારત-મોરેશિયસ ટેક્સ સંધિ અંતર્ગત લાભ મેળવવા માટે હકદાર નથી. ટાઇગર ગ્લોબલ અને વોલમાર્ટ વચ્ચે થયેલા આ સોદામાં કેપિટલ ગેઈન્સ (મૂડી નફો) પર ભારતમાં ટેક્સ લાગુ થશે; કારણ કે દેશની અંદર થતી આર્થિક પ્રવૃત્તિ દ્વારા જનરેટ થયેલી આવક પર ટેક્સ લગાવવો એ દેશનો સ્વાભાવિક સાર્વભૌમ (Sovereign) અધિકાર છે.
જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવનની બેંચે ગુરુવારે આ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, ટાઇગર ગ્લોબલ અને વોલમાર્ટ વચ્ચે શેર વેચાણની આ સમજૂતી ટેક્સ ચોરીની એક પદ્ધતિ (Tax Avoidance Strategy) હતી, તેથી તેને કોઈ પણ રીતે ટેક્સમાં મુક્તિ મળી શકે નહીં.
મહેસૂલ વિભાગ માટે મોટી જીત
સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને ભારતના મહેસૂલ વિભાગ (Revenue Department) માટે મોટી જીત માનવામાં આવે છે. આ નિર્ણયથી સીમાપાર (Cross-border) થતા સોદાઓ પર ટેક્સ વસૂલવા બાબતે સરકારની સ્થિતિ વધુ મજબૂત બની છે, ખાસ કરીને એવા કિસ્સામાં જ્યાં મૂળ આર્થિક ગતિવિધિઓ ભારતમાં થતી હોય.
રેવન્યૂ અધિકારીઓ લાંબા સમયથી દલીલ કરી રહ્યા હતા કે, કોઈ પણ આંતરરાષ્ટ્રીય સંધિનો ઉપયોગ ટેક્સ બચાવવા માટે ન થવો જોઈએ. કાયદાકીય નિષ્ણાતોનું માનવું છે કે, સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો ભવિષ્યમાં વિદેશી રોકાણના માળખા અને ભારતીય સંપત્તિઓમાં હિસ્સો વેચવાના નિર્ણયો પર વ્યાપક અસર કરી શકે છે.


