Supreme Court Takes Suo Motu Cognisance of Aravalli Hills Row : અરવલ્લી ગિરિમાળા મામલે ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. એવામાં હવે આ મામલે સુપ્રીમ કોર્ટે સુઓમોટો ( સ્વતઃ સંજ્ઞાન ) લઈ સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચ સોમવારે આ મામલે સુનાવણી કરશે. આ બેન્ચમાં જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ ઓગસ્તટિન જ્યોર્જ પણ હશે. એવામાં હવે સૌ કોઈની નજર સુપ્રીમ કોર્ટ પર રહેશે. સુપ્રીમ કોર્ટ કેન્દ્ર અને રાજ્ય સરકારોને મામલે નવા નિર્દેશ જાહેર કરે તેવી પણ શક્યતા છે.

શું છે સમગ્ર વિવાદ?
નોંધનીય છે કે ગયા મહિને જ કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે સુપ્રીમ કોર્ટમાં ભલામણ કરી હતી કે 100 મીટરથી ઊંચા પહાડોને જ અરવલ્લીની ગિરિમાળા માનવામાં આવે. સુપ્રીમ કોર્ટે આ વ્યાખ્યાને માન્યતા પણ આપી દીધી હતી. જે બાદ રાજસ્થાન અને હરિયાણામાં પર્યાવરણપ્રેમીઓ દ્વારા અરવલ્લીને બચાવવા માટે ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. લોકોએ કેન્દ્ર સરકાર સામે બાંયો ચડાવી છે. જોકે ભારે વિરોધ અને વિવાદ વધતાં જોઈ કેન્દ્ર સરકારે 24મી ડિસેમ્બરે નવો આદેશ જાહેર કરી કહ્યું હતું કે અરવલ્લીમાં નવા ખાણકામની મંજૂરી આપવામાં આવશે નહીં.



