Mamata Banerjee I-PAC office raid : પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ગત દિવસોમાં આઇ-પેક(I-PAC)ની ઑફિસ પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા પાડવામાં આવેલા દરોડાનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. ED એ બંગાળ પોલીસના અધિકારીઓ પર મમતા સરકારને મદદ કરવાનો અને તપાસમાં અવરોધ ઊભો કરવાનો ગંભીર આરોપ લગાવતી અરજી દાખલ કરી હતી. આ મામલે સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે ED અધિકારીઓ વિરુદ્ધ દાખલ થયેલી ફરિયાદ પર આગામી સુનાવણી સુધી પ્રતિબંધ મૂકતાં નોટિસ જારી કરી છે અને પશ્ચિમ બંગાળ સરકાર પાસેથી બે અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે, કેન્દ્રીય એજન્સીની તપાસમાં કોઈ દખલ કરી શકાય નહીં.
ED પર પોલીસ કાર્યવાહી સ્થગિત
સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો આદેશ જસ્ટિસ પી. કે. મિશ્રાએ આદેશ આપ્યો કે, ED અધિકારીઓ વિરુદ્ધ દાખલ થયેલી પોલીસ ફરિયાદ પરની કાર્યવાહી આગામી સુનાવણી સુધી સ્થગિત રહેશે. આ ઉપરાંત, કોર્ટે નિર્દેશ આપ્યો છે કે પ્રતિવાદી પક્ષ સીસીટીવી ફૂટેજ, સર્ચનું રૅકોર્ડિંગ અને અન્ય સ્ટોરેજ ડિવાઇસને સુરક્ષિત રાખે. સીનિયર ઍડ્વૉકેટ અભિષેક મનુ સિંઘવીએ અપીલ કરી હતી કે તપાસ કોઈ પણ પ્રકારના દબાણ વગર આગળ વધી જોઈએ.
EDના મમતા સરકાર પર ગંભીર આક્ષેપો સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ED તરફથી દલીલ કરતાં કોર્ટમાં ચોંકાવનારો દાવો કર્યો કે, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્ય પોલીસની મદદથી તપાસ દરમિયાન કેટલાક મહત્ત્વપૂર્ણ પુરાવાઓની ચોરી કરી છે. EDનો આરોપ છે કે:
- દરોડા દરમિયાન મુખ્યમંત્રી પોતે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
- તપાસ અધિકારીઓના લેપટોપ, મોબાઇલ ફોન અને મહત્ત્વના દસ્તાવેજો છીનવી લીધા હતા.
- એક અધિકારીનો અંગત ફોન પણ લઈ લેવામાં આવ્યો હતો.
આ ઘટનાને પગલે EDએ પશ્ચિમ બંગાળના ડીજીપી રાજીવ કુમાર અને કોલકાતા પોલીસ કમિશ્નર મનોજ કુમાર વર્માને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની અને તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની માંગ કરી છે.
એજન્સીની તપાસમાં દખલગીરી અસ્વીકાર્ય
સુપ્રીમ કોર્ટ બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, આ અરજી કેન્દ્રીય એજન્સીઓની તપાસ અને રાજ્યના અધિકારીઓ દ્વારા થતી કથિત દખલગીરી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. બેન્ચે અવલોકન કર્યું કે, કોઈ પણ રાજ્યની સુરક્ષાની આડમાં ગુનેગારો બચી જવા જોઈએ નહીં અને દરેક એજન્સીને સ્વતંત્ર રીતે કામ કરવાની આઝાદી મળવી જોઈએ.
કોર્ટે વધુમાં ઉમેર્યું કે, "કોઈ પણ એજન્સીને ચૂંટણીના કાર્યમાં દખલ કરવાનો અધિકાર નથી, પરંતુ જ્યારે કોઈ કેન્દ્રીય એજન્સી ગંભીર ગુનાની તપાસ પૂરી પ્રામાણિકતાથી કરી રહી હોય, ત્યારે કોઈ પક્ષ કે સરકાર તેની કામગીરીમાં અવરોધ બની શકે નહીં." કોર્ટે આ મામલે ત્રણ દિવસમાં જવાબ દાખલ કરવા નિર્દેશ આપ્યો છે.


