Get The App

દિવ્યાંગો માટે વિશેષ શો કરે સમય રૈના: સુપ્રીમ કોર્ટનો આદેશ, નિયમો માટે સરકારને 4 સપ્તાહનો સમય

Updated: Nov 27th, 2025

GS TEAM

Google News
Google News
દિવ્યાંગો માટે વિશેષ શો કરે સમય રૈના: સુપ્રીમ કોર્ટનો આદેશ, નિયમો માટે સરકારને 4 સપ્તાહનો સમય 1 - image

Supreme Court Calls for Neutral Regulator to Monitor Online Obscenity : ‘ઓનલાઇન પ્લેટફોર્મ પર અશ્લીલ કન્ટેન્ટ પર નજર રાખવા માટે સ્વતંત્ર સંસ્થા બનાવવાની ખાસ જરૂર છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા એક અધિકાર છે પણ તે વિકૃતિ ફેલાવવાનું કારણ ના હોઈ શકે. જો કોઈ કાર્યક્રમમાં એડલ્ટ કન્ટેન્ટ છે તો અગાઉથી જ તેની ચેતવણી આપવી જોઈએ.’ સુપ્રીમ કોર્ટમાં 27 નવેમ્બર, ગુરુવારના રોજ સોશિયલ મીડિયા કન્ટેન્ટ સાથે સંકળાયેલા બે જુદા જુદા કેસમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતે ઉપરોક્ત ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર ચાર સપ્તાહમાં સોશિયલ મીડિયા કન્ટેન્ટને લઈને નિયમો બનાવે, જે SC/ST એક્ટ જેવા કડક હોવા જોઈએ. 

આવા કન્ટેન્ટ માટે કોઈ નિયમ જ નથી તે આશ્ચર્યની વાતઃ  સુપ્રીમ કોર્ટ 

ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ નામના શોમાં અશ્લીલ કન્ટેન્ટને લઈને થયેલી FIR વિરુદ્ધ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજીની સુનાવણીમાં એટર્ની જનરલ આર. વેંકટમણિ અને સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર આ મામલે નવા દિશા નિર્દેશ તૈયાર કરી રહી છે જેના માટે વિચારણા ચાલુ છે.

ત્યારે ચીફ જસ્ટિસે પૂછ્યું કે આશ્ચર્યની વાત છે કે આવા કન્ટેન્ટ ક્રિએટર્સ માટે કોઈ નિયમો જ નથી? હું મારી ચેનલ બનાવું અને પછી તેમાં પ્રકાશિત થતાં કન્ટેન્ટ પ્રત્યે જવાબદાર ન રહું? આવું તો કેવી રીતે ચાલે? કોઈને કોઈની તો જવાબદારી નક્કી કરવી જ પડશે. 

સરકારને નિયમો ઘડવા માટે આપ્યો 4 સપ્તાહનો સમય 

હાલ દેશભરમાં વિવિધ OTT અને સોશિયલ મીડિયા પર એવી દલીલ કરાઈ રહી છે કે, હાલ તેઓ સ્વેચ્છાએ ડિજિટલ મીડિયાની આચાર સંહિતાનું પાલન કરે છે. આ દલીલ મુદ્દે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સ્વયંભૂ સંસ્થાઓથી કામ નહીં ચાલે. એક તટસ્થ અને સ્વતંત્ર સંસ્થાની જરૂર છે, જે સરકારના પ્રભાવથી પણ મુક્ત હોય. આ સિવાય અનેક શૉમાં ચેતવણી અને ડિસ્ક્લેમર પણ અસરકારક રીતે દર્શાવાતું નથી. ઉંમરના વેરિફિકેશન માટે પણ ચોક્કસ સિસ્ટમની જરૂર છે. તેથી ઓટીટી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અશ્લીલ કન્ટેન્ટ મુદ્દે કેન્દ્ર સરકાર 4 સપ્તાહમાં કડક નિયમો ઘડે. 

દિવ્યાંગો પર કરાયેલી કમેન્ટના કેસમાં પણ સુપ્રીમ કોર્ટની કડકાઈ 

આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કોમેડિયન સમય રૈના તેમજ રણવીર અલ્હાબાદિયા સહિતના યુ-ટ્યુબરને આ વર્ષની શરુઆતમાં 'India's Got Latent' નામના શૉમાં દિવ્યાંગોની મજાક ઉડાવવાના કેસની પણ સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની બેન્ચે કહ્યું હતું કે, દિવ્યાંગો પરની કમેન્ટના પ્રાયશ્ચિત રૂપે તમારે દર મહિને ઓછામાં ઓછા બે ઇવેન્ટમાં દિવ્યાંગોની સક્સેસ સ્ટોરીની વાત કરવી પડશે. આ કાર્યક્રમોનો હેતુ દિવ્યાંગોની સારવાર માટે ભંડોળ એકઠું કરવાનો રહેશે. આ નિર્દેશનો હેતુ ડિજિટલ જવાબદારીને સામાજિક જવાબદારી સાથે જોડવાનો છે.

આ દંડ નથી, પરંતુ સામાજિક જવાબદારી જરૂરી

આ આદેશ ‘ક્યોર SMA ઇન્ડિયા ફાઉન્ડેશન’(Cure SMA India Foundation)ની અરજીની સુનાવણીમાં કરાયો હતો, જેમાં દિવ્યાંગોનું અપમાન કરતાં ઓનલાઇન કન્ટેન્ટ સામે પગલાં લેવાની માંગ કરાઈ હતી. આ દરમિયાન બેન્ચે સ્પષ્ટતા કરી હતી કે, ‘અમે આ કોમેડિયનો પર દંડનો બોજ લાદવા નથી માગતા, પરંતુ તેમણે સામાજિક જવાબદારી નિભાવવી પડશે.’ 

આ ફાઉન્ડેશને સમય રૈના પર આરોપ મૂક્યો હતો કે, તેણે એક ઇવેન્ટમાં સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી(SMA)થી પીડિત લોકોના સારવારના ઊંચા ખર્ચ અંગે અસંવેદનશીલ ટિપ્પણીઓ કરી હતી. આ કોમેડિયનોએ કરેલી અસંવેદનશીલ ટિપ્પણી પછી દેશના અનેક રાજ્યમાં તેમની સામે FIR નોંધાઈ હતી, જેને એકસાથે લાવવાની પણ કોમેડિયનો રજૂઆત કરી ચૂક્યા છે. 

દિવ્યાંગોને તેમના પ્લેટફોર્મ પર આમંત્રિત કરવા આદેશ

આ દરમિયાન સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, સમય રૈના, વિપુલ ગોયલ, બલરાજ પરમજીત સિંહ ઘાઈ, સોનાલી ઠાકર અને નિશાંત જગદીશ તંવર પહેલેથી જ સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફીની સારવાર માટે નાણાં ભેગા કરવા કાર્યક્રમો યોજવાની તૈયારી દર્શાવી ચૂક્યા છે. આ ઉપરાંત તેમણે દિવ્યાંગોની સક્સેસ સ્ટોરીઝ શેર કરવાની પણ સ્વૈચ્છિક તૈયારી બતાવી હતી. તેઓ જાહેરમાં માફી ચૂક્યા છે. 

આ અંગે હવે સુપ્રીમ કોર્ટે નિર્દેશ કર્યો કે, ‘હવે આ કોમેડિયનો સ્પેશિયલી એબલ્ડ (દિવ્યાંગ) લોકોને તેમના પ્લેટફોર્મ પર આમંત્રણ આપે, જેથી સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી જેવા રોગોથી પીડાતા લોકોની સમયસર સારવાર માટે ભંડોળ એકઠું કરવાના હેતુને વ્યાપક સ્તરે પ્રોત્સાહન મળી શકે. અમને આશા છે કે, કોમેડિયનો દિવ્યાંગોની સિદ્ધિઓ રજૂ કરવામાં પ્રામાણિકતા દાખવશે. 

ઓનલાઇન કન્ટેન્ટના નિયમન પર ચર્ચા

આ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટની બેન્ચે યુઝર્સ જનરેટેડ ઓનલાઇન કન્ટેન્ટ મુદ્દે કોઈ જ નિયમન નથી તે તરફ ધ્યાન દોર્યું હતું. ચીફ જસ્ટિસ સૂર્યકાંતે ભારપૂર્વક કહ્યું કે, ‘હું મારી પોતાની ચેનલ બનાવું, અને કોઈને જવાબદાર જ ના હોઉં, એવું ના હોવું જોઈએ. કોઈકને તો જવાબદાર હોવું જ જોઈએ."

નોંધનીય છે કે, કેન્દ્ર સરકાર વતી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને માહિતી આપી કે, કેન્દ્ર સરકાર ઓનલાઇન કન્ટેન્ટ માટે નવી માર્ગદર્શિકાને અંતિમ રૂપ આપી રહી છે. હાલમાં તમામ હિતધારકો સાથે વિચારણા ચાલી રહી છે. આ અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને સૂચન કર્યું કે આ માટે તમારે ડ્રાફ્ટ જાહેર કરવો જોઈએ, જાહેર અભિપ્રાય લેવો જોઈએ. તેમજ ન્યાયિક તેમજ ડોમેન નિષ્ણાતોની એક સમિતિની રચના કરવી જોઈએ. કોર્ટે ચેતવણી આપી હતી કે વાંધાજનક સામગ્રી એકવાર અપલોડ થયા પછી તંત્ર કંઈ કરે, તે પહેલા જ વાઇરલ થઈ જાય છે.