India

'રેવડી કલ્ચર' મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું- અર્થતંત્ર ડૂબી રહ્યું છે, જનકલ્યાણ સંતુલિત કરવું પડશે

By GS Team
11 Aug 20222 mins read
This article was originally published on 11 Aug 2022
'રેવડી કલ્ચર' મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું- અર્થતંત્ર ડૂબી રહ્યું છે, જનકલ્યાણ સંતુલિત કરવું પડશે

- અરજીમાં ચૂંટણીઓ દરમિયાન મતદારોને આકર્ષવા માટે 'ફ્રી'ના વચનો આપનારા રાજકીય પક્ષો પર પ્રતિબંધ લાગુ કરવાની માંગણી કરવામાં આવી હતી

નવી દિલ્હી, તા. 11 ઓગષ્ટ 2022, ગુરૂવાર

'રેવડી કલ્ચર' અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટે ફરી એક વખત આકરાં શબ્દોમાં ઝાટકણી કાઢી છે. કોર્ટના કહેવા પ્રમાણે આ પ્રકારના કલ્ચરના કારણે અર્થતંત્રને ગંભીર નુકસાન થઈ રહ્યું છે. કોર્ટે ગુરૂવારના રોજ જણાવ્યું કે, ચૂંટણી દરમિયાન મફત સુવિધાઓ માટેના જે વચનો આપવામાં આવે છે તે એક ગંભીર મુદ્દો છે કારણ કે, તેના લીધે અર્થતંત્રને નુકસાન થઈ રહ્યું છે. 

સુપ્રીમ કોર્ટે વકીલ અશ્વિની ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી જનહિતની અરજી અંગેની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી. અરજીમાં ચૂંટણીઓ દરમિયાન મતદારોને આકર્ષવા માટે 'ફ્રી'ના વચનો આપનારા રાજકીય પક્ષો પર પ્રતિબંધ લાગુ કરવાની માંગણી કરવામાં આવી હતી. અરજીમાં ચૂંટણીના ઘોષણાપત્રને નિયંત્રિત કરવાની સાથે જ તેમાં આપવામાં આવેલા વચનો માટે રાજકીય પાર્ટીઓને જવાબદાર ઠેરવવા માટે પગલાં ભરવા પણ કહેવામાં આવ્યું હતું. 

ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમણાએ જણાવ્યું કે, 'કોઈ એમ નથી કહી રહ્યું કે આ મુદ્દો નથી. આ એક ગંભીર મુદ્દો છે. જેને મળે છે તેઓ ઈચ્છે છે કે મળતું રહે, અમે એક કલ્યાણકારી રાજ્ય છીએ. કેટલાક લોકો કહી શકે છે કે અમે ટેક્સ ભરીએ છીએ જેનો ઉપયોગ વિકાસ પ્રક્રિયા માટે થવો જોઈએ. માટે આ એક ગંભીર મુદ્દો છે અને સમિતિ બંને પક્ષને સાંભળવાની છે.'

મુખ્ય ન્યાયાધીશે એમ પણ જણાવ્યું કે, ભારત એવો દેશ છે જ્યાં ગરીબી છે અને ભૂખ્યા લોકોનું પેટ ભરવા માટે કેન્દ્ર સરકારની યોજના પણ છે. અર્થતંત્ર રૂપિયા ગુમાવી રહ્યું છે માટે જનકલ્યાણને સંતુલિત કરવું પડશે. 

આ પણ વાંચોઃ આમ આદમી પાર્ટીએ 'રેવડી કલ્ચર'ના સમર્થનમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી