મિત્રો કે સગાં લોન લેતા હોય તો સહી કરતાં પહેલા ચેતજો! લોન ગેરંટર અંગે સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Supreme Court on Loan Guarantor: સામાન્ય રીતે આપણે મિત્રો કે સંબંધીઓની મદદ કરવા માટે લોનમાં ગેરંટર બની જતા હોઈએ છીએ, પરંતુ સુપ્રીમ કોર્ટનો તાજેતરનો એક ચુકાદો ગેરંટર બનનારા લોકો માટે લાલબત્તી સમાન છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે સ્પષ્ટ કર્યું છે કે, 'ઇનસોલ્વન્સી એન્ડ બૅન્કરપ્સી કોડ'(IBC) હેઠળ જો કોઈ લોન ડિફોલ્ટ થાય, તો બૅન્ક મુખ્ય લેણદાર(ઉધાર લેનાર) અને કોર્પોરેટ ગેરંટર બંને સામે એકસાથે વસૂલાતની પ્રક્રિયા(CIRP) શરુ કરી શકે છે. કોર્ટે જણાવ્યું કે ભારતીય કરાર અધિનિયમની કલમ 128 મુજબ, લોન ચૂકવવાની જવાબદારી જેટલી ઉધાર લેનારની છે, તેટલી જ જવાબદારી ગેરંટરની પણ છે.
હવે ગેરંટરો સામે એકસાથે શરુ થઈ શકશે કાર્યવાહી
અગાઉના નિયમ મુજબ, જો એક જ લોન માટે બે ગેરંટર હોય, તો બૅન્ક એક સમયે માત્ર એક જ વ્યક્તિ સામે કાયદાકીય કાર્યવાહી કરી શકતી હતી. આ કારણે બૅન્કોને નાણાં વસૂલવામાં વર્ષો વીતી જતા હતા. જોકે, જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે જૂના ચુકાદાઓને રદ કરતાં જણાવ્યું છે કે, હવે બૅન્કો પોતાની બાકી રકમ વસૂલવા માટે લેણદાર અને તમામ ગેરંટરો સામે એક જ દિવસે કેસ દાખલ કરી શકે છે. આ નિર્ણયથી બૅન્કો અને નાણાકીય સંસ્થાઓને મોટી રાહત મળી છે, જ્યારે લોન ગેરંટરની મુશ્કેલીઓમાં નોંધપાત્ર વધારો થયો છે.
FD અને બૅન્ક બેલેન્સ પણ થઈ શકે છે જપ્ત
આ ચુકાદા બાદ હવે ગેરંટર એવું વિચારીને નિશ્ચિંત નહીં રહી શકે કે કંપનીની હરાજીની પ્રક્રિયા ચાલી રહી છે ત્યાં સુધી તેમને કોઈ ખતરો નથી. જો કંપની વેચાયા પછી પણ બૅન્કનું દેવું પૂરેપૂરું ભરપાઈ ન થાય, તો બૅન્ક બાકીના પૈસા વસૂલવા માટે ગેરંટર અથવા પ્રમોટરોની અંગત મિલકતો જેવી કે ફિક્સ ડિપોઝિટ, બૅન્ક બેલેન્સ, મ્યુચ્યુઅલ ફંડ કે પ્રોપર્ટી પણ જપ્ત કરી શકે છે. આમ, હવે કોઈની લોનમાં ગેરંટર બનતા પહેલા તેની આર્થિક ગંભીરતા સમજવી અત્યંત મહત્ત્વની બની ગઈ છે.








