ગુનો નાનો હોય કે મોટો, નોમિનેશન ફોર્મમાં જણાવવું પડશે, નહીંતર... : સુપ્રીમ કોર્ટનો ચુકાદો

Supreme Court News: સુપ્રીમ કોર્ટે ચૂંટણી લડતા ઉમેદવારોના ગુનાઈત ઈતિહાસને લઈને એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે દરેક ઉમેદવારે તેના નોમિનેશન ફોર્મમાં અગાઉની બધી સજાઓ જાહેર કરવી ફરજિયાત છે, ભલે ગુનો નાનો હોય કે પછી કોર્ટ દ્વારા સજાને પાછળથી રદ કરવામાં આવી હોય. ન્યાયાધીશ પી.એસ. નરસિંહા અને એ.એસ. ચાંદુરકરની બેન્ચે આ મામલે ચુકાદો આપ્યો હતો.
સજા છુપાવવી એ મતદારોના અધિકારનું ઉલ્લંઘન
સુપ્રીમ કોર્ટે સજાની માહિતી છુપાવવાને ગંભીર અપરાધ ગણાવ્યો છે. ન્યાયાધીશ પી.એસ. નરસિંહા અને એ.એસ. ચાંદુરકરની બેન્ચે જણાવ્યું હતું કે, 'આ સજાઓ જાહેર કરવામાં નિષ્ફળતા મતદારના અધિકારોનું ઉલ્લંઘન કરે છે. આ મતદારને વાજબી પસંદગી કરવાથી અટકાવે છે. સજાઓ છુપાવવાથી ઉમેદવારનું નોમિનેશન રદ થઈ શકે છે.'
ન્યાયાધીશ એ.એસ. ચાંદુરકરે નોંધ્યું હતું કે, 'કોઈ દોષિત ઠરાવવાનું છુપાવવું એ જુલમ છે. તે મતદારની સ્વતંત્ર ઈચ્છાશક્તિમાં દખલ કરે છે.'
આ પણ વાંચો: ધરપકડ પહેલા લેખિતમાં કારણ આપવું જરૂરી, નહીંતર રિમાન્ડ પણ ગેરકાયદે ગણાશે : સુપ્રીમ કોર્ટ
ચેક બાઉન્સના કેસમાં મ્યુનિસિપલ કાઉન્સિલરનું નામાંકન રદ
મધ્ય પ્રદેશના ભેકાનગાંવના મ્યુનિસિપલ કાઉન્સિલર પૂનમ આ નિયમનો ભોગ બન્યા હતા. પૂનમ પર ચેક બાઉન્સ (કલમ 138નો આરોપ મૂકવામાં આવ્યો હતો, જેમાં ટ્રાયલ કોર્ટે તેમને એક વર્ષની જેલ અને દંડની સજા ફટકારી હતી. પૂનમે આ સજાની હકીકત તેમના નામાંકનમાં છુપાવી હતી. તેણે દાવો કર્યો હતો કે, હાઈકોર્ટે સજા રદ કરી દીધી હતી, અથવા સજા પૂરી થઈ ગઈ હોવાથી, તેને જાહેર કરવાની કોઈ જરૂર નથી. સુપ્રીમ કોર્ટે તેની અરજી ફગાવી દીધી અને ચુકાદો આપ્યો કે રદ કરાયેલી સજા પણ જાહેર કરવી પડશે.
કોર્ટે મધ્ય પ્રદેશ મ્યુનિસિપલ ચૂંટણી નિયમો, 1994ના નિયમ 24-A (1)નો ઉલ્લેખ કર્યો, જે ગુનાઈત ઇતિહાસ જાહેર કરવાનો આદેશ આપે છે. પૂનમનું નામાંકન અમાન્ય જાહેર થતાં તેમની ચૂંટણી રદ કરવામાં આવી, જેના કારણે બેઠક ખાલી રહી. આ નિર્ણય સ્પષ્ટ કરે છે કે ગુનાની ગંભીરતા ગમે તે હોય, ઉમેદવાર દ્વારા સંપૂર્ણ ખુલાસો કરવો અનિવાર્ય છે, કારણ કે મતદારોને ઉમેદવારનો સંપૂર્ણ ઈતિહાસ જાણવાનો અધિકાર છે.

