એર ઇન્ડિયાના સુરક્ષા ઓડિટની માગણી સુપ્રીમે ફગાવી
- માત્ર એક જ એરલાઇન્સ સામે અરજી કેમ : સુપ્રીમનો સવાલ
- ડીજીસીએ અને સરકાર સમક્ષ રજુઆત કરો, કોઇ કાર્યવાહી ના થાય પછી અમે દખલ દઇશું : સુપ્રીમ
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી થઇ હતી જેમાં એર ઇન્ડિયાની સુરક્ષા અને દેખરેખના સ્ટાન્ડર્ડની તપાસ માટે કમિટીની રચના કરવાની માગણી કરવામાં આવી હતી. જોકે સુપ્રીમ કોર્ટે આ પીઆઇએલ ફગાવી દીધી હતી સાથે જ કહ્યું હતું કે માત્ર એર ઇન્ડિયાને જ ધ્યાનમાં રાખીને અરજી કેમ કરાઇ?
અમદાવાદ વિમાન અકસ્માત બાદ આ જાહેર હિતની અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. સુપ્રીમના ન્યાયાધીશ સુર્યકાંત અને જોયમાલ્યા બગ્ચીની બેંચે સુનાવણી કરી હતી સાથે જ સવાલ કર્યો હતો કે માત્ર એર ઇન્ડિયાને ધ્યાનમાં રાખીને જ આ અરજી કેમ કરવામાં આવી? અન્ય એરલાઇન્સનું શું? અન્ય એરલાઇન્સોની સુરક્ષાને લઇને કોઇ જ સમસ્યા નથી? બાદમાં સુપ્રીમની બેંચે આ પીઆઇએલ ફગાવી દીધી હતી.
આ સાથે જ સુપ્રીમ કોર્ટે અરજદારને સલાહ આપતા કહ્યું હતું કે જો તમે ખરેખર વિમાનોની સુરક્ષાને લઇને ચિંતિત હોવ તો ડીજીસીએ કે સરકારની સાથે વાત કરો. દેશી હોય કે વિદેશી તમામ એરલાઇન્સની તપાસની માગ કરો, જો સરકાર તરફથી કોઇ યોગ્ય જવાબ ના મળે ત્યારે અમે દખલ દઇશું. ઉડ્ડયન સુરક્ષા મુદ્દે માત્ર એક જ એરલાઇન્સ વિરુદ્ધની અરજી પર સુનાવણી ના કરી શકીએ.