India

બિહારમાં મતદાર યાદીમાં સુધારો રોકવા માટે સુપ્રીમ કોર્ટનો ઈનકાર

By GS TEAM
11 Jul 20253 mins read
બિહારમાં મતદાર યાદીમાં સુધારો રોકવા માટે સુપ્રીમ કોર્ટનો ઈનકાર

- વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકીય વિવાદ વચ્ચે ચૂંટણી પંચને રાહત

- આધાર, વોટર આઈડી, રાશન કાર્ડને પણ ઓળખનો દસ્તાવેજ માનવા પંચને ભલામણ કરી સુપ્રીમની અરજદારોને પણ રાહત

નવી દિલ્હી : બિહારમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા મતદાર યાદીમાં સુધારણા માટે ચૂંટણી પંચના વિશેષ સઘન પુનઃપરીક્ષણ (એસઆઈઆર) અભિયાનના વિરોધમાં થયેલી ૧૦થી વધુ અરજીઓ પર સુપ્રીમમાં ગુરુવારે સુનાવણી હાથ ધરાઈ હતી. તમામ આરોપ-પ્રત્યારોપ, શંકાઓ અને રાજકીય શોરબકોર વચ્ચે સુપ્રીમે મતદાર યાદીના વિશેષ સઘન પુનઃ પરીક્ષણ પર સ્ટે મુકવાનો ઈનકાર કરી દીધો હતો. સુપ્રીમે ચૂંટણી પંચના પગલાંના તર્ક અને વ્યવહારિક્તાનું સમર્થન કર્યું હતું, પરંતુ વિધાનસભા ચૂંટણી પહેલાં જ આ કવાયત હાથ ધરવા અંગે સવાલ ઉઠાવ્યો હતો. આ કેસમાં આગામી સુનાવણી ૨૮ જુલાઈએ થશે.

ચૂંટણી પંચના એસઆઈઆર અભિયાનને પડકારતી અનેક અરજીઓ પર ગુરુવારે સુનાવણી કરતાં ન્યાયાધીશો સુધાંશુ ધુલિયા અને જોયમાલ્યા બાગચીની બેન્ચે મતદાર યાદીમાં સુધારા કરવાનો અથવા એસઆઈઆર કાર્યવાહીનો ચૂંટણી પંચને કોઈ અધિકાર નથી તેવી અરજદારોની દલીલ નકારી કાઢી હતી. બેન્ચે જણાવ્યું કે, મતદાર યાદીમાં સંશોધન કરવું એ ચૂંટણી પંચની બંધારણીય જવાબદારી છે. બિહારમાં છેલ્લે ૨૦૦૩માં આ કાર્યવાહી હાથ ધરાઈ હતી.

 ચૂંટણી પંચના એસઆઈઆર અભિયાનનો વિરોધ કરતાં તેના પર સ્ટે માટે કોંગ્રેસ, રાજદ સહિત અનેક પક્ષો, સ્વયંસેવી સંસ્થાઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુનાવણી સમયે ચૂંટણી પંચે સુપ્રીમમાં એસઆઈઆરનો બચાવ કરતા જણાવ્યું કે, યોગ્ય મતદારોને જોડવા અને અયોગ્ય મતાદરોને હટાવીને મતદાર યાદી બનાવવી અત્યંત જરૂરી છે. પંચે ઉમેર્યું કે, આધાર નાગરિક્તાનું કાયદેસરનું પ્રમાણ નથી. બંધારણની કલમ ૩૨૬ મુજબ માત્ર ભારતીય મતદારો જ મતદાનનો અધિકાર ધરાવે છે. ચૂંટણી પંચના વકીલ દ્વિવેદીએ સવાલ કર્યો કે મતદાર યાદીમાં સુધારાનો અધિકાર ચૂંટણી પંચ પાસે ન હોય તો કોની પાસે છે?

સુપ્રીમે મતદાર યાદીમાં સુધારાની ચૂંટણી પંચની દલીલ સ્વીકારવાની સાથે નાગરિકતા નક્કી નહીં કરવા ચૂંટણી પંચને સલાહ આપી હતી. સુપ્રીમે કહ્યું, આ કામ ગૃહવિભાગનું છે અને તેની અલગથી ન્યાયિક પ્રક્રિયા છે. વધુમાં સુપ્રીમે ચૂંટણી પંચને તેની એસઆઈઆર પ્રક્રિયામાં આધાર કાર્ડ, વોટર આઈડી કાર્ડ અને રાશન કાર્ડનો સમાવેશ કરવા પર ભલામણ કરી હતી. જોકે, તેનો નિર્ણય ચૂંટણી પંચે જ કરવાનો છે તેમ કહ્યું હતું. જોકે, તે આ દસ્તાવેજોને ઓળખપત્ર તરીકે સ્વીકારવા તૈયાર ના થાય તો ચૂંટણી પંચે તેનો જવાબ પણ આપવો પડશે તેમ સુપ્રીમે કહ્યું હતું.

વધુમાં સુપ્રીમે કહ્યું કે, તેને ચૂંટણી પંચના આવા કોઈ પગલાંથી સમસ્યા નથી, પરંતુ મૂળ સમસ્યા તેના ટાઈમિંગની છે. આ કાર્યવાહી ચૂંટણીના કેટલાક મહિના પહેલાં જ કરવામાં આવી રહી છે. કોઈ મતદારને મતદાન યાદીમાંથી બહાર કઢાશે તો તેને ચૂંટણી પંચના નિર્ણયને પડકારવાનો સમય પણ નહીં મળે. આ સાથે સુપ્રીમે ચૂંટણી પંચને ત્રણ સવાલ પણ પૂછ્યા હતા. સુપ્રીમે પૂછ્યું કે, એસઆઈઆરને આગામી ચૂંટણી સાથે શા માટે જોડવામાં આવી રહી છે? આ પ્રક્રિયાના કારણે કોઈને મતદાનથી વંચિત રાખવામાં આવે તો શું તમે તેની સુનાવણી કરશો? શું તમે ૬ મહિનાની અંદર એસઆઈઆર પૂરી કરી લેશો? ચૂંટણી પંચે આ સવાલોના જવાબ અને સોગંદનામુ ૨૧ જુલાઈ સુધીમાં આપવાના છે.

ચૂંટણી પંચની એસઆઈઆર કાર્યવાહીનો વિરોધ કરતાં અરજદારોએ કહ્યું હતું કે, ચૂંટણી પંચનું એસઆઈઆર અભિયાન 'મનસ્વી' અને 'ભેદભાવપૂર્ણ' છે. કારણ કે તે મતદાર યાદીમાં એક દાયકા કરતાં વધુ સમયથી સામેલ મતદારોને પોતાની નાગરિક્તાની ફરીથી ખરાઈ કરવા ફરજ પાડે છે. આમ કરવા માટે ચૂંટણી પંચ આધાર જેવા સરકારી ઓળખ પત્રોનો ઉપયોગ પણ નથી કરી રહી. 

ચૂંટણી પંચનું કહેવું છે કે મતદાર યાદીમાં છેલ્લું રિવિઝન ૨૦૦૩માં થયું હતું. ત્યારે બિહારની વસતી ચાર કરોડ હતી. ત્યાર પછી અત્યાર સુધીમાં ૧૦થી વધુ વિવિધ ચૂંટણીઓ થઈ ગઈ છે. હવે ચૂંટણી પંચ કહે છે કે તમે ભલે ૨૦૦૩ પછી મતદાન કર્યું હોય પરંતુ હવે મતદાર યાદીમાં નામ નહીં હોય તો મતદાન નહીં કરી શકો.