Get The App

બિલ પર કાર્યવાહી કરવા કોર્ટ રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ માટે સમયમર્યાદા નક્કી ના કરી શકે: સુપ્રીમ કોર્ટ

Updated: Nov 20th, 2025

GS TEAM

Google News
Google News
SC Presidential Reference


SC Presidential Reference: સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેન્ચ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ મોકલેલા 14 બંધારણીય પ્રશ્નો પર આજે સુનાવણી કરી રહી છે. આ પ્રશ્નો રાષ્ટ્રપતિ અને રાજ્યપાલોની વિવિધ બિલ પર નિર્ણય લેવાની સત્તા અને સમયમર્યાદા સાથે સંકળાયેલો છે. અગાઉ સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપતાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ કે રાજ્યપાલોને પસાર કરવા મોકલેલા બિલ મુદ્દે ચોક્કસ સમયગાળામાં નિર્ણય લેવો પડશે. આ મુદ્દે રાષ્ટ્રપતિએ બંધારણીય મર્યાદાઓનું ઉલ્લંઘન થવાની ચિંતા વ્યક્ત કરી હતી, જેના સંદર્ભમાં આ પ્રશ્નો મોકલવામાં આવ્યા છે. જો કે, આ ચુકાદાને પલટાવતા સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી છે કે, રાષ્ટ્રપતિ કે રાજ્યપાલોએ તમામ રોકી રાખેલા બિલ પર સમયમર્યાદા નક્કી કરવી ન્યાયસંગત નથી, પરંતુ તેમણે સંઘવાદની ભાવનાને મજબૂતાઈ આપવી જોઈએ, નહીં કે તેમાં અવરોધરૂપ બનવું જોઈએ. કોઈ પણ કોર્ટ આ રીતે સમયમર્યાદા નક્કી ના કરી શકે. 

'બિલ અનિશ્ચિતકાળ સુધી રોકી શકાય નહીં': સુપ્રીમ કોર્ટ

રાષ્ટ્રપતિના સંદર્ભ પર નિર્ણય સંભળાવતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, 'અનુચ્છેદ 200 અને 201 હેઠળ રાજ્યપાલ પાસે ફક્ત ત્રણ જ મૂળભૂત વિકલ્પો રહે છે: બિલને મંજૂરી આપવી, નામંજૂર કરવું (રોકી રાખવું) અથવા રાષ્ટ્રપતિના વિચારણા માટે સુરક્ષિત રાખવું.' કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, પ્રથમ જોગવાઈને ચોથો વિકલ્પ ગણી શકાય નહીં. જો બે અર્થઘટન શક્ય હોય, તો તે અર્થઘટન સ્વીકારવું જોઈએ જે બંધારણીય સંસ્થાઓ વચ્ચે સંવાદ અને સહકારની ભાવનાને પ્રોત્સાહન આપે છે.

સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી કે ભારતીય સંઘવાદની કોઈ પણ વ્યાખ્યા હેઠળ એ સ્વીકાર્ય નથી કે રાષ્ટ્રપતિ કે રાજ્યપાલો બિલને પરત મોકલ્યા વિના અનિશ્ચિત સમય માટે રોકી રાખે. તે માટે સમયમર્યાદા નક્કી ના કરી શકાય, પરંતુ રાષ્ટ્રપતિ-રાજ્યપાલો માટે બિલ સુરક્ષિત રાખવું એ પણ સંસ્થાકીય સંવાદનો જ એક ભાગ છે. આમ છતાં, પરંતુ બંધારણીય હોદ્દા પર બિરાજમાન વ્યક્તિઓએ તેમાં અવરોધ ઊભો કરવાના બદલે સંવાદ અને સહકારની ભાવનાને પ્રાધાન્ય આપવું જોઈએ.  

રાજ્યપાલ બિલને અનિશ્ચિત સમય સુધી લંબાવી શકે નહીં: સુપ્રીમ કોર્ટ

કોર્ટે જણાવ્યું કે રાજ્યપાલ કોઈપણ બિલને મંજૂરી આપવાના હેતુથી તેને અનિશ્ચિત સમય સુધી પેન્ડિંગ રાખી શકે નહીં. જોકે, સાથે જ કોર્ટે સ્પષ્ટતા કરી કે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ જેવા બંધારણીય પદાધિકારીઓ માટે નિર્ણય લેવા માટે સમય-મર્યાદા નક્કી કરવી એ સત્તાઓના વિભાજનના સિદ્ધાંતનું ઉલ્લંઘન ગણાશે.

ચીફ જસ્ટિસ બી. આર. ગવઈની અધ્યક્ષતા હેઠળની બેન્ચે તેના અગાઉના ચુકાદાને રદ કર્યો, જેમાં રાજ્યના બિલ પર ત્રણ મહિનાની અંદર નિર્ણય લેવા માટે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને ફરજ પાડવામાં આવી હતી. કોર્ટના મતે, બંધારણીય પદાધિકારીઓ પર કડક સમય-નિર્ધારણ લાગુ કરવું એ ન્યાયતંત્રના અધિકાર ક્ષેત્રની બહારની બાબત છે.

આ પણ વાંચો: બિલને મંજૂરી આપવા રાષ્ટ્રપતિ માટે પણ નક્કી થશે ટાઇમલાઇન? સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને પાઠવી નોટિસ

રાજ્યપાલો માટે વિવેકાધીન સત્તાની મર્યાદા

બંધારણીય બેન્ચે રાજ્યપાલના વિવેકાધીન સત્તાની બંધારણીય સીમાઓ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે, બિલને એકતરફી રીતે રોકી રાખવું એ સંઘવાદ(Federalism)નું ઉલ્લંઘન ગણાશે. અનુચ્છેદ 200માં નક્કી કરાયેલી પ્રક્રિયાનું પાલન કર્યા વિના જો રાજ્યપાલ વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલને રોકી રાખે, તો તે સંઘીય માળખાના હિતોની વિરુદ્ધ જશે.

સમયમર્યાદા નક્કી કરવી બંધારણીય છૂટછાટ સાથે સુસંગત નથી 

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 'ભારત જેવા લોકશાહી દેશમાં રાજ્યપાલ માટે સમયમર્યાદા નક્કી કરવી એ બંધારણ દ્વારા અપાયેલી છૂટછાટની ભાવના સાથે સુસંગત નથી. બેન્ચે સ્પષ્ટતા કરી કે રાજ્યપાલ પાસે માત્ર ત્રણ જ બંધારણીય વિકલ્પો છે: (1) બિલને મંજૂરી આપવી, (2) બિલને પુનર્વિચાર માટે વિધાનસભાને પાછું મોકલવું, અથવા (3) તેને રાષ્ટ્રપતિ પાસે મોકલવું. રાજ્યપાલ બિલને અનિશ્ચિત સમય સુધી રોકીને કાયદાકીય પ્રક્રિયામાં અવરોધ પેદા કરી શકે નહીં.

જો કે, સુપ્રીમ કોર્ટે એ સ્વીકાર્યું કે ન્યાયપાલિકા કાયદો બનાવવાની પ્રક્રિયામાં હસ્તક્ષેપ ન કરી શકે, પરંતુ સાથે જ સ્પષ્ટ કર્યું કે, વગર કારણનો અનિશ્ચિત વિલંબ ન્યાયિક તપાસ હેઠળ આવી શકે છે. બિલ કાયદો બન્યા પછી જ ન્યાયિક સમીક્ષા લાગુ થઈ શકે છે. કોર્ટ રાજ્યપાલ માટે બિલ મંજૂરીની સમયમર્યાદા નક્કી કરી શકે નહીં કારણ કે 'ડીમ્ડ અસેન્ટ'નો સિદ્ધાંત સત્તાઓના વિભાજન(Separation of Powers)ની વિરુદ્ધ છે.

કેબિનેટ અને રાષ્ટ્રપતિ-રાજ્યપાલોની ભૂમિકા

બંધારણીય બેન્ચના મતે, ચૂંટાયેલી સરકાર એટલે કે કેબિનેટ ડ્રાઇવરની સીટ પર હોવી જોઈએ. જો કે, રાજ્યપાલોની ભૂમિકા માત્ર ઔપચારિક નથી; તેમની ભૂમિકા ખાસ અને અસરકારક હોય છે. રાજ્યપાલો પાસે બિલ રોકવાનો કે કાયદાકીય પ્રક્રિયા અટકાવવાનો અધિકાર નથી. તેમની પાસે મુખ્ય ત્રણ વિકલ્પો છે: બિલને મંજૂરી આપવી, વિધાનસભાને પાછું મોકલવું, અથવા રાષ્ટ્રપતિને મોકલવું.

કોર્ટનો અધિકાર ક્ષેત્ર અને સંઘવાદ

કોર્ટે કહ્યું કે, આર્ટિકલ 142નો ઉપયોગ કરીને સુપ્રીમ કોર્ટ બિલને મંજૂરી આપી શકે નહીં, જે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલોના અધિકાર ક્ષેત્રમાં આવે છે. જો રાજ્યપાલ વિધાનસભાના પસાર કરેલા બિલને પોતાની પાસે રોકી રાખે, તો તે સંઘવાદની ભાવનાની વિરુદ્ધ ગણાશે. તેથી, રાજ્યપાલે બિલને ફરીથી વિચારણા માટે વિધાનસભાને પરત મોકલવું જોઈએ. સામાન્ય સંજોગોમાં, રાજ્યપાલે મંત્રીમંડળની સલાહ મુજબ કાર્ય કરવું પડે છે, પરંતુ વિવેકાધીન સત્તા સાથે જોડાયેલા મામલાઓમાં તે પોતે પણ નિર્ણય લઈ શકે છે.

રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટને 14 સવાલ કર્યા હતા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બંધારણની કલમ 143(1) હેઠળ તેમને મળેલી સત્તાનો ઉપયોગ કરતાં સુપ્રીમ કોર્ટને પાંચ પાનાના રેફરન્સમાં 14 સવાલ કર્યા છે. આ સાથે રાષ્ટ્રપતિએ વિધાનસભા અને સંસદ દ્વારા પસાર કરેલા બિલ અંગે કલમ 200 અને કલમ 201 હેઠળ રાજ્યપાલ, રાષ્ટ્રપતિની સત્તાઓ અંગે સુપ્રીમ કોર્ટનો મત માગ્યો છે. સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિને કોઈપણ સવાલોનો અથવા બધા સવાલોનો જવાબ આપવાનો ઇન્કાર કરી શકે છે.

કલમ 200 રાજ્ય વિધાનસભા દ્વારા બિલ પસાર કરવા સંબંધિત સ્થિતિ અને રાજ્યપાલો પાસે સંમતિ આપવા અથવા સંમતિ રોકવા અથવા બિલને પુન: વિચારણા માટે રાષ્ટ્રપતિને મોકલવા સંબંધેના વિકલ્પો અંગે છે. કલમ 201 રાજ્યપાલ દ્વારા રાષ્ટ્રપતિને વિચારણા માટે અનામત રાખેલા બિલ સંબંધે છે.

રાષ્ટ્રપતિ મુર્મૂએ સુપ્રીમ કોર્ટને પૂછ્યા આ 14 પ્રશ્નો

1. કલમ 200 હેઠળ કોઈ બિલને રજૂ કરવા પર રાજ્યપાલ સમક્ષ બંધારણીય વિકલ્પો કયા છે?

2. શું રાજ્યપાલે કોઈ બિલ રજૂ થતા મંત્રીપરિષદની સલાહ ફરજિયાત માનવી જ પડે?

3. કલમ 200 હેઠળ રાજ્યપાલ દ્વારા બંધારણીય વિવેકાધિકારનો ઉપયોગ ન્યાયિક સમીક્ષા હેઠળ આવે છે કે નહીં?

4. કલમ 361 શું રાજ્યપાલના કાર્યોની ન્યાયિક સમીક્ષા પર પૂર્ણ પ્રતિબંધ લગાવે છે?

5. શું રાજ્યપાલ માટે કોઈ બિલ પર કાર્યવાહી માટે સમય મર્યાદા નિશ્ચિત કરી શકાય છે?

6. કલમ 201 હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા બંધારણીય વિવેકાધિકારનો ઉપયોગ ન્યાયિક સમીક્ષા હેઠળ આવે છે કે નહીં?

7. શું રાષ્ટ્રપતિ દ્વારા વિવેકાધિકારનો ઉપયોગ કરવા માટે સમય મર્યાદા નિશ્ચિત કરી શકાય?

8. શું રાજ્યપાલો દ્વારા રાષ્ટ્રપતિ પાસે બિલ મોકલવાની સ્થિતિમાં રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટનો મત લેવો ફરજિયાત છે?

9. શું કલમ 200 અને 201 હેઠળ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિના નિર્ણય કાયદાના અમલી બનતા પહેલા ન્યાયિક સમીક્ષા હેઠળ આવે છે? શું બિલને કાયદો બનતા પહેલા તેની સામગ્રી પર કોર્ટ વિચાર કરી શકે છે?

10. શું કલમ 142 હેઠળ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના બંધારણીય આદેશોને બદલી શકે છે?

11. રાજ્ય વિધાન મંડળ દ્વારા પસાર કાયદા શું રાજ્યપાલોની સ્વીકૃતિ વિના અમલી માની શકાય?

12. શું કલમ 143(3) હેઠળ કોઈ બંધારણીય પ્રશ્ન પર વિચાર માટે સુપ્રીમ કોર્ટની લઘુતમ પાંચ જજની બેન્ચ હોવી અનિવાર્ય છે?

13. શું કલમ 142 હેઠળ સુપ્રીમ કોર્ટની શક્તિઓ માત્ર પ્રક્રિયા સુધી મર્યાદિત છે અથવા સબટેન્ટિવ કાયદાથી વિપરિત આદેશ પણ આપી શકે છે?

14. શું બંધારણની કલમ 131 હેઠળ દાખલ કેસ ઉપરાંત, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે વિવાદોના ઉકેલ માટે સુપ્રીમ કોર્ટના અન્ય કોઈ અધિકાર ક્ષેત્ર પર પ્રતિબંધ છે?

વિવાદ આ રીતે શરુ થયો હતો 

તમિલનાડુ સરકારે અનામત બિલ પર રાજ્યપાલ આર. એન. રવિ તરફથી મંજૂરી આપવાનો ઇન્કાર કરતાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટની બેન્ચે 8 એપ્રિલના રોજ સુનાવણી હાથ ધરી રાજ્યપાલ આર. એન. રવિના બિલને પેન્ડિંગ રાખવાના નિર્ણયને નકારી કાઢ્યો હતો અને પહેલી વખત રાષ્ટ્રપતિ-રાજ્યપાલોને સંસદ-વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલને મંજૂરી આપવા માટે ત્રણ મહિનાની સમય મર્યાદા નિશ્ચિત કરી હતી.

એ વખતે સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું હતું કે, કલમ 201 હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલા કાર્ય ન્યાયિક સમીક્ષાને આધીન છે. બંધારણની કલમ 201 હેઠળ કોઈ બિલ રાજ્યપાલ દ્વારા રાષ્ટ્રપતિને મોકલવામાં આવે તો રાષ્ટ્રપતિએ તેને સહમતિ આપવી જોઈએ અથવા અસહમતિ વ્યક્ત કરવી જોઈએ. જોકે , બંધારણમાં આ પ્રક્રિયા માટે કોઈ સમય મર્યાદા નિશ્ચિત કરાઈ નથી.

બીજી તરફ, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે રાષ્ટ્રપતિ પાસે પોકેટ વીટોનો અધિકાર નથી. એટલે કે તેઓ અનિશ્ચિતકાળ સુધી પોતાના નિર્ણયને અનામત રાખી શકે નહીં.



Tags :