Get The App

'આતંકીઓની જાસૂસીમાં ખોટું શું?' પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી, રિપોર્ટ સાર્વજનિક કરવાનો ઈનકાર

Updated: Apr 29th, 2025

GS TEAM


Google News
Google News
Supreme Court on Pegasus Case


Supreme Court on Pegasus Case: સુપ્રીમ કોર્ટે પેગાસસ કેસનો સંપૂર્ણ તપાસ અહેવાલ જાહેર કરવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું છે કે રિપોર્ટમાં રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત બાબતો પણ સામેલ છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એન. કોટિશ્વર સિંહની બેન્ચે કહ્યું કે, 'જો કોઈ વ્યક્તિને પ્રાઈવસીને લઈને કોઈ ડર હોય તો તેણે અરજી કરવી જોઈએ. અમે તેને તેના વિશે માહિતી આપવાનો પ્રયાસ કરીશું.' કેસની આગામી સુનાવણી 30 જુલાઈએ થશે.

'આતંકીઓની જાસૂસીમાં ખોટું શું?': સુપ્રીમ કોર્ટ 

અરજદારોમાંથી એક વતી હાજર રહેલા એડવોકેટે સુનાવણી દરમિયાન કહ્યું કે, 'પ્રશ્ન એ હતો કે શું સરકાર પાસે સ્પાયવેર સોફ્ટવેર છે અને શું તે તેનો ઉપયોગ કરી શકે છે?, જો સરકાર પાસે હોય તો તેનો ઉપયોગ કરતા કોઈ રોકી શકે નહિં.' 

આ પ્રશ્નના જવાબ પર બેન્ચે કહ્યું, 'જો દેશ આતંકવાદીઓ સામે સ્પાયવેરનો ઉપયોગ કરી રહ્યો છે તો તેમાં શું ખોટું છે? સ્પાયવેર હોવું ખોટું નથી, પ્રશ્ન એ છે કે તેનો ઉપયોગ કોની સામે થઈ રહ્યો છે. દેશની સુરક્ષા સાથે સમાધાન કરી શકાય નહિં. સામાન્ય નાગરિકોના પ્રાઈવસીના અધિકારનું બંધારણ હેઠળ રક્ષણ કરવામાં આવશે.'

દેશની સુરક્ષા સંબંધિત રિપોર્ટને જાહેર કરવામાં નહિ આવે 

આ મામલે બેન્ચે કહ્યું કે, 'દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વ સાથે સંબંધિત કોઈપણ અહેવાલને જાહેર કરવામાં નહિ આવે, પરંતુ જો કોઈ વ્યક્તિગત રીતે જાણવા માંગે છે તો તેને તેના વિશે માહિતી આપી શકાય છે. પરંતુ આ રિપોર્ટને એવો દસ્તાવેજ બનાવવામાં આવશે નહિં કે જેના પર શેરીઓમાં પણ ચર્ચા થઈ શકે.' કોર્ટે આ અંગે વધુમાં કહ્યું કે, 'કોર્ટ તપાસ કરશે કે ટેકનિકલ સમિતિનો રિપોર્ટ સંબંધિત વ્યક્તિ સાથે કેટલી હદ સુધી શેર કરી શકાય છે.' 

આ પણ વાંચો: BIG NEWS: દિલ્હીમાં તાબડતોબ ચાર બેઠક, PM, ગૃહ અને સંરક્ષણ મંત્રી સહિતના નેતાઓ થશે સામેલ

શું મામલો છે?

પેગાસસ એક ઇઝરાયલી સોફ્ટવેર છે જેનો ઉપયોગ મોબાઇલ ફોનને હેક કરવા અને મોનિટર કરવા માટે થાય છે. વરિષ્ઠ પત્રકાર એન રામ, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહા, સીપીએમ સાંસદ જોન બ્રિટાસ સહિત પંદર અરજદારોએ 2021 માં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેમણે પેગાસસ સ્પાયવેર દ્વારા લોકોની જાસૂસી થવાનો ભય વ્યક્ત કર્યો હતો. 

27 ઓક્ટોબર, 2021 ના ​​રોજ, કોર્ટે આ મામલાની સત્યતા તપાસવા માટે 3 સભ્યોની ટેકનિકલ સમિતિની રચના કરી હતી. સમિતિની દેખરેખ માટે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ આર.વી. રવિન્દ્રનની નિમણૂક કરવામાં આવી હતી.

2022 માં આવ્યો હતો રિપોર્ટ 

તપાસ સમિતિએ 2022 માં રિપોર્ટ સોંપ્યો હતો. સમિતિએ તપાસેલા કોઈપણ મોબાઇલ ફોનમાં પેગાસસ સ્પાયવેર મળ્યો ન હતો. સમિતિએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે લોકોએ તેમને કુલ 29 ફોન આપ્યા હતા. 5 શંકાસ્પદ માલવેર હોવાનું જાણવા મળ્યું, પરંતુ તે પેગાસસ હતું કે નહિં તેની પુષ્ટિ થઈ શકી નથી. સમિતિએ ભવિષ્યમાં લોકોની પ્રાઈવસીના રક્ષણ અંગે કેટલાક સૂચનો પણ આપ્યા હતા.

'આતંકીઓની જાસૂસીમાં ખોટું શું?' પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી, રિપોર્ટ સાર્વજનિક કરવાનો ઈનકાર 2 - image

Tags :