Get The App

રખડતા કૂતરાઓનું ખસીકરણ કરી છોડી મૂકવા સુપ્રીમનો આદેશ

Updated: Aug 23rd, 2025

GS TEAM

Google News
Google News
રખડતા કૂતરાઓનું ખસીકરણ કરી છોડી મૂકવા સુપ્રીમનો આદેશ 1 - image


- રખડતા કૂતરાઓને શેલ્ટર હોમ મોકલવાનો આદેશ પર સુપ્રીમનો યુ-ટર્ન

- હિંસક અને આક્રમક કૂતરાઓને શેલ્ટર હોમમાં જ રાખવામાં આવે : સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆરમાં રખડતા તમામ કૂતરાઓને પકડીને શેલ્ટર હોમમાં ખસેડવા અંગે ગયા સપ્તાહે બે ન્યાયાધીશની બેન્ચે આપેલા આદેશ પર યુ-ટર્ન લીધો છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું કે, દિલ્હી-એનસીઆરમાંથી તમામ રખડતા કૂતરાઓને રસ્તા પરથી હટાવીને શેલ્ટર હોમમાં મોકલવા અંગે અગાઉ અપાયેલો આદેશ ખૂબ જ આકરો હતો. રખડતા કૂતરાઓનું સાચું સ્થળ શેલ્ટર હોમ નથી. આ કૂતરાઓને ખસીકરણ કર્યા પછી જ છોડવામાં આવે. જોકે, બીમાર અને હિંસક પશુઓને શેલ્ટર હોમમાં જ રાખવામાં આવે. સુપ્રીમ કોર્ટના આ ચૂકાદાથી દેશભરના શ્વાન પ્રેમીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

ન્યાયાધીશ વિક્રમનાથના નેતૃત્વમાં સુપ્રીમ કોર્ટની વિશેષ બેન્ચે આ કેસને દિલ્હી-એનસીઆર પુરતો મર્યાદિત રાખવાના બદલે હવે બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ પાઠવી છે. આ કેસમાં ચૂકાદો આપતી વખતે બેન્ચે સમગ્ર દેશની હાઈકોર્ટોમાં પેન્ડિંગ આ પ્રકારના કેસોને ક્લબ કરીને સુપ્રીમ કોર્ટમાં તેની સુનાવણી કરવાનો અને આ મુદ્દે અંતિમ રાષ્ટ્રીય નીતિ અથવા નિર્ણય આપવાનો નિર્દેશ આપ્યો છે. બેન્ચે સરકારને આ અંગે સંભવિત કાયદા પર વિચાર કરવાનો તેમજ કૂતરાઓ માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. બેન્ચે એમ પણ કહ્યું કે તેન આદેશ આખા દેશમાં લાગુ પડશે.  

ન્યાયાધીશો સંદીપ મહેતા અને એનવી અંજારિયાને પણ સમાવતી બેન્ચે કહ્યું કે, સુપ્રીમના બે ન્યાયાધીશોની બેન્ચે ૧૧ ઑગસ્ટે આપેલો દિલ્હી-એનસીઆરમાંથી તમામ રખડતા કૂતરાઓને પકડીને કાયમી ધોરણે શેલ્ટર હોમમાં રાખવાનો આદેશ હાલ મુલતવી રાખવામાં આવે છે. જે કૂતરાઓને પકડવામાં આવ્યા છે તેમને છોડી દેવામાં આવે. જોકે, છોડતા પહેલાં તેમનું ખસીકરણ કરવામાં આવે અને તેમને એન્ટી રેબીઝ રસી આપવામાં આવે. આક્રમક અને હિંસક કૂતરાઓને શેલ્ટર હોમમાં જ રાખવામાં આવે.

બેન્ચે ઉમેર્યું કે, દિલ્હી-એનસીઆરની મ્યુનિસિપાલિટીઓ ૧૧ ઑગસ્ટના આદેશ મુજબ દિલ્હી, ગાઝિયાબાદ, નોઈડા, ફરિદાબાદ અને ગુરુગ્રામમાંથી બધા જ રખડતા કૂતરાઓને પકડવાની કામગીરી ચાલુ રાખશે અને તેમણે આ કૂતરાઓનું ખસીકરણ કરીને તેમને જ્યાંથી પકડયા હોય ત્યાં જ છોડવાના રહેશે. જોકે, બેન્ચે નિર્દેશ આપ્યો કે, જે કૂતરાઓના હડકવાનો ચેપ લાગ્યો હોય અથવા તેવી શંકા હોય તેવા કૂતરાઓને છોડવામાં નહીં આવે.

ત્રણ ન્યાયાધીશોની બેન્ચે જણાવ્યું કે, બધા જ કૂતરાઓને પકડીને શેલ્ટર હોમમાં રાખવાનો આદેશ આપતા પહેલાં મ્યુનિસિપાલિટીઓ પાસે ઉપલબ્ધ માળખાગત સુવિધાઓ અને માનવીય સંશાધનોની ઉપલબ્ધતાની તપાસ કરવી જરૂરી છે. આ પ્રકારની ચકાસણી કર્યા વિના આપવામાં આવેલા આદેશથી અન્ય મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.

સુપ્રીમ કોર્ટે જાહેર સ્થળો પર કૂતરાઓને ખવડાવવા પર પ્રતિબંધ મૂકવાની સાથે મ્યુનિસિપલ ઓથોરિટીને પ્રત્યેક વોર્ડમાં રખડતા કૂતરાઓ માટે ખાવાનું ખવડાવવા માટે વિશેષ જગ્યા નિશ્ચિત કરવાના પણ નિર્દેશ આપ્યા છે. બેન્ચે કહ્યું કે, ચોક્કસ મ્યુનિસિપલ વોર્ડમાં રખડતા કૂતરાઓની વસતીને ધ્યાનમાં રાખીને આવા સ્થળો બનાવવા જોઈએ. વધુમાં નિર્ધારિત ફિડિંગ પોઈન્ટ પાસે નોટિસ બોર્ડ લગાવવામાં આવે, જેમાં લખ્યું હોયકે રખડતા કૂતરાઓને માત્ર આવા પોઈન્ટ પર જ ખાવાનું આપવામાં આવે. કોઈ વ્યક્તિ અથવા સ્વયંસેવી સંસ્થા જાહેર સ્થળો પર કૂતરાને ખવડાવે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. લોકોને ફરિયાદ કરવા માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાશે.

Tags :