દિલ્હીમાં તમામ રખડતા કૂતરાઓ પકડવા સુપ્રીમ કોર્ટનો આદેશ
- પકડાયેલા કૂતરાઓને પરત છોડવામાં નહીં આવે
- આઠ સપ્તાહમાં તમામ રખડતા કૂતરાઓ પકડી તેમને ડોગ શેલ્ટરમાં શિફ્ટ કરવામાં આવે : સુપ્રીમ
નવી દિલ્હી : રખડતા કૂતરાની સમસ્યાનો સામનો કરી રહેલ દિલ્હી માટે સુપ્રીમ કોર્ટે મોટો આદેશ આપ્યો છે. દેશની સૌથી મોટી કોર્ટે જણાવ્યું છે કે આઠ સપ્તાહની અંદર તમામ રખડતા કૂતરાઓેને પકડીને ડોગ શેલ્ટરમાં શિફ્ટ કરવામાં આવે. કોર્ટે વધુમાં જણાવ્યું છે કે આ કૂતરાઓને પરત છોડવામાં નહીં આવે.
રાષ્ટ્રીય રાજધાનીમાં કૂતરા કરડવાની ઘટનાઓને ધ્યાનમાં લઇ સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકાર, એમસીડી, એનડીએમસીને કૂતરાઓ માટે શેલ્ટર બનાવવાના નિર્દેશ આપ્યા છે. જસ્ટિસ જેબી પારડીવાલા અને આર મહાદેવનની બેન્ચે જણાવ્યું છે કે કોઇ પણ કીંમતે નવજાત અને નાના બાળકો રખડતા કૂતરાના શિકાર બનવા ન જોઇએ.
કોર્ટે જણાવ્યું છે કે સ્થિતિ ખૂબ જ ગંભીર છે અને તાત્કાલિક પગલા ભરવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યા છે કે રખડતા કૂતરાઓના ટીકાકરણ માટે આશ્રય સ્થળોમાં પર્યાપ્ત કર્મચારી હોવા જોઇએ.
ખંડપીઠે જણાવ્યું હતું કે રખડતા કૂતરાઓને આશ્રય સ્થળોમાં રાખવામાં આવે અને તેમને સડકો, કોલોનીઓ અને જાહેર સ્થળો પર છોડવામાં ન આવે. ખંડપીઠે જણાવ્યું હતું કે અમે વ્યાપક જનહિતને ધ્યાનમાં રાખીને આ નિર્દેશ જારી કરી રહ્યાં છીએ.
સુપ્રીમ કોર્ટે અધિકારીઓને એક સપ્તાહની અંદર એક હેલ્પલાઇન શરૂ કરવાના નિર્દેશ પણ આપ્યા છીએ તેથી કૂતરાઓ કરડવાના તમામ કેસોની તાત્કાલિક માહિતી આપવામાં આવી શકે.
તાજેતરમાં દિલ્હીમાં રોહિણીની પાસે રખડકા કૂતરાના કરડવાથી ૬ વર્ષની બાળકીનું મોત થયું હતું. આ ઘટના પછી સુપ્રીમ કોર્ટે સુઓ મોટો દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે આ અંગે પ્રકાશિત એક મીડિયા રિપોર્ટનો ઉલ્લેખ કરતા આ સમસ્યાને ખૂબ જ હેરાન કરનાર અને ચિંતાજનક ગણાવી હતી. કોર્ટે જણાવ્યું હતું કે શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં દરરોજ કૂતરા કરડવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે.