આમ આદમી પાર્ટીને ઝટકો: 15 જૂન સુધીમાં પક્ષનું કાર્યાલય ખાલી કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ
આ મામલે હાઈકોર્ટે પણ સખત નારાજગી વ્યક્ત કરીને કાર્યાલય ખાલી કરવા કહી ચૂકી છે
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 04 માર્ચ 2024, સોમવાર
સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીને પોતાનું કાર્યાલય ખાલી કરવાનો આદેશ આપ્યો છે. જોકે, કોર્ટે ચૂંટણીને ધ્યાનમાં રાખી 15 જૂન સુધીનો સમય આપ્યો છે. આમ આદમી પાર્ટી વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી કે, તેમનું કાર્યાલય રાઉઝ એવેન્યુ કોર્ટને ફાળવેલી જમીન પર બન્યું છે. આ મામલે હાઈકોર્ટે પણ સખત નારાજગી વ્યક્ત કરતા કાર્યાલય ખાલી કરવા માટે કહ્યું હતું. આ નિર્ણય વિરુદ્ધ AAPએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીને કાર્યાલય ખાલી કરવા કહ્યું છે.
આ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આપ નવા કાર્યાલય માટે કેન્દ્ર સરકારને અરજી કરી શકે છે. સંબંધિત વિભાગે આપની અરજી પર ચાર અઠવાડિયામાં નિર્ણય લેવો જોઈએ. આ જમીન કોર્ટને પહેલાથી જ ફાળવવામાં આવી છે. તે જમીન પર હાઈકોર્ટના કર્મચારીઓ માટે આવાસીય પરિસર બનાવવાના છે, તો ત્યાં રાજકીય પક્ષનું કાર્યાલય ન બનાવી શકાય.
સુપ્રીમ કોર્ટે સખત નારાજગી વ્યક્ત કરી હતી
આ અગાઉ 14 ફેબ્રુઆરીએ આ મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સખત નારાજગી વ્યક્ત કરી હતી. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડે કહ્યું હતું કે, કોઈને પણ કાયદો તોડવાની મંજૂરી ન આપી શકાય. કોર્ટે AAPને આ કાર્યાલય ખાલી કરવા અને જમીન હાઈકોર્ટને સોંપવાનો આદેશ આપ્યો હતો. હવે કોર્ટે તેને 15 જૂન સુધીમાં ખાલી કરવાનો આદેશ આપ્યો છે.
ફરિયાદ છે કે AAP ઓફિસ દિલ્હી હાઈકોર્ટને ફાળવવામાં આવેલા રાઉઝ એવન્યુના પ્લોટ પર ચાલી રહી છે. અહીં પહેલા દિલ્હીના ટ્રાન્સપોર્ટ મંત્રીનું નિવાસસ્થાન હતું પરંતુ બાદમાં આપે અહીં પોતાનું કાર્યાલય બનાવી લીધુ હતું.
કેન્દ્રએ કોર્ટને ભ્રમિત કરી: આમ આદમી પાર્ટી
આ મામલે આમ આદમી પાર્ટીએ કહ્યું કે, ‘અમે સુપ્રીમ કોર્ટ સમક્ષ માન્ય દસ્તાવેજો રજૂ કરીશું. કેન્દ્ર સરકાર આ મામલે સુપ્રીમ કોર્ટને ભ્રમિત કરી રહી છે. દિલ્હી સરકારે આ જમીન આપને ફાળવી છે. તેના પર કોઈ અતિક્રમણ નથી થયું.’