સુપ્રીમ કોર્ટમાં વક્ફ સંશોધન એક્ટ પર કાલે સુનાવણી, વિરોધ અને સમર્થનમાં થઈ હતી અરજીઓ
વક્ફ સંશોધન કાયદાને લઈને દેશભરમાં થઈ રહેલા વિરોધ અને સમર્થન વચ્ચે બુધવાર, 16 એપ્રિલે મામલો પહેલીવાર સુનાવણી માટે સુપ્રીમ કોર્ટમાં લાગી રહ્યો છે. બપોરે 2 વાગ્યે ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ સંજય કુમાર અને કે.વી. વિશ્વનાથનની બેન્ચ મામલાની સુનાવણી કરશે. કુલ 72 અરજીઓ સુનાવણી માટે લિસ્ટ કરાઈ છે.
1. AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસી
2. આપ ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન
3. મૌલાના અરશદ મદની (જમિયત ઉલેમા ચીફ)
4. સપા સાંસદ ઝિયાઉર્રહેમાન બર્ક
5. ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા
6. કોંગ્રેસના સાંસદ મોહમ્મદ જાવેદ
7. સમસ્ત કેરળ જમીયતુલ ઉલેમા
8. આરજેડી સાંસદ મનોજ ઝા
9. ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ
10. જેડીયુ નેતા પરવેઝ સિદ્દીકી
11. સૈયદ કલ્બે જવાદ નકવી
આ ઉપરાંત, કોંગ્રેસ, ટીએમસી, ડીએમકે, સીપીઆઈ જેવા પક્ષોના અન્ય નેતાઓએ પણ અરજીઓ દાખલ કરી છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે પણ એક અરજી દાખલ કરી છે. બધી અરજીઓમાં મુખ્ય વાત એ છે કે આ એક એવો કાયદો છે જે મુસ્લિમો સાથે ભેદભાવ કરે છે. વક્ફ એક ધાર્મિક સંસ્થા છે. સરકારના કામકાજમાં દખલ ખોટી છે.
અરજીઓમાં શું કહેવામાં આવ્યું હતું?
અરજદારોએ કહ્યું છે કે નવો વકફ કાયદો બંધારણના અનુચ્છેદ 14, 15 (સમાનતા), 25 (ધાર્મિક સ્વતંત્રતા), 26 (ધાર્મિક બાબતોનું નિયમન) અને 29 (લઘુમતી અધિકારો) જેવા મૂળભૂત અધિકારોની વિરુદ્ધ છે. અરજદારોએ એમ પણ કહ્યું છે કે કાયદામાં ફેરફાર કલમ 300A એટલે કે મિલકતના અધિકારની વિરુદ્ધ છે.
વક્ફ કાયદાના સમર્થનમાં પણ કરાઈ અનેક અરજીઓ
વક્ફ સુધારા કાયદાના સમર્થનમાં કોર્ટમાં ઘણી અરજીઓ પણ દાખલ કરવામાં આવી છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, આસામ અને છત્તીસગઢે કાયદાને વ્યવહારુ, પારદર્શક અને ન્યાયી ગણાવ્યો છે. કેટલાક આદિવાસી સંગઠનોએ તેને સમર્થન આપ્યું છે, અને તેને તેમના સમુદાયનું રક્ષણ કરતો કાયદો ગણાવ્યો છે. તેમણે કહ્યું છે કે જૂના કાયદાને કારણે વક્ફ બોર્ડ અનુસૂચિત જનજાતિના લોકોની જમીન પર પણ કબજો કરી રહ્યું હતું. હવે આ શક્ય નહીં બને.