India

સુપ્રીમે બંગાળના મતદારો માટે ટ્રિબ્યુનલ રચી, મમતાએ જીત ગણાવી ધરણા સમેટયા

By GS TEAM
11 Mar 20262 mins read
સુપ્રીમે બંગાળના મતદારો માટે ટ્રિબ્યુનલ રચી, મમતાએ જીત ગણાવી ધરણા સમેટયા

- બંગાલમાં એસઆઇઆર વિવાદ પર હાલ પુરતા વિરામ

- મતદારોના નામ રદ થવા સામેના વાંધા-દાવા ટ્રિબ્યુનલને સોંપાશે, હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશો સુનાવણી કરશે

- ન્યાયિક અધિકારીઓ પર શંકાની હિમ્મત જ કેમ કરી, હું આ નહીં ચલાવી લઉ : સીજેઆઇની અરજદારને ચેતવણી

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચ દ્વારા મતદારોનું વેરિફિકેશન કરતી પ્રક્રિયા એસઆઇઆર મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. એવામાં જે પણ લોકોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા હોય તેમની અપીલની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ દ્વારા એક સ્વતંત્ર ટ્રિબ્યુનલનુ ગઠન કરાયું છે. જેની જવાબદારી હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશોને સોંપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના આ આદેશનું મુખ્યમંત્રી મમતા બેનરજીએ સ્વાગત કર્યું હતું અને પોતાના ધરણા સમેટી લીધા હતા.

પશ્ચિમ બંગાળમાં મતદારોના નામ રદ કરવા સામેના દાવા અને વાંધાને પહોંચી વળવાની કામગીરી સંભાળી રહેલા ન્યાયિક અધિકારીઓ પર શંકા કરનારાઓને સુપ્રીમ કોર્ટે ચેતવણી આપી હતી. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાનીમાં ગઠીત ત્રણ ન્યાયાધીશોની બેંચે સવાલ કર્યો હતો કે આ પ્રકારની અરજી કરવાની તમારી હિમ્મત જ કેમ થઇ ? આ અરજી પરથી લાગી રહ્યું છે કે તમને વિશ્વાસ જ નથી, કોઇએ પણ જ્યુડિશિયલ ઓફિસર્સ પર સવાલો ઉઠાવવાની હિમ્મત ના કરવી. હું આ નહીં ચલાવી લઉ. જે અરજી કરાઇ તેમાં માગ કરાઇ હતી કે મતદાર યાદીમાં નામ રદ થવાના દાવાઓ અને વાંધાના મામલા જ્યુડિશિયલ અધિકારીને ના સોંપવા જોઇએ. 

આ પહેલા જિલ્લા અને સિવિલ જજોને એસઆઇઆર પ્રક્રિયામાં તૈનાત કરવાની છૂટ સુપ્રીમે આપી હતી. આ માટે ઝારખંડ અને ઓડિશામાંથી ન્યાયિક અધિકારીઓની મદદ લેવાની પણ છૂટ અપાઇ હતી. દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ સુપ્રીમ કોર્ટના આદેશનું સ્વાગત કર્યું અને વોટર લિસ્ટ રિવિઝન માટેના વિવાદોના ઉકેલ માટે ટ્રિબ્યુનલની રચના કરવાના નિર્ણયને આવકાર્યો હતો. આ સાથે જ મમતાએ એસઆઇઆર વિવાદ મુદ્દે ચાલી રહેલા પોતાના ધરણાને સમેટી લીધા હતા. મમતાએ કહ્યું હતું કે ચૂંટણી પંચે જે દરવાજા બંધ કરી નાખ્યા હતા તે હવે ખુલી ગયા છે અને જે પણ લોકોના નામ મતદાર યાદીમાંથી હટાવી દેવાયા હતા તેમનામાં એક નવી આશા જાગી છે. હાલ પુરતા અમે આ ધરણાને બંધ કરીએ છીએ, સુપ્રીમ કોર્ટનો આદેશ બંગાળના લોકોની જીત છે.