India

સુપ્રીમે ઇડીની ધૂળ કાઢી : રાજકારણના પ્યાદા ન બનો : નેતાઓને લડવા દો !!

By GS TEAM
22 Jul 20252 mins read
સુપ્રીમે ઇડીની ધૂળ કાઢી : રાજકારણના પ્યાદા ન બનો : નેતાઓને લડવા દો !!

- કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના પત્નીના સમન્સને રદ કરતો ચૂકાદો માન્ય રાખ્યો

- અસીલ-વકીલના સંવાદને લઇને વકીલોને સમન્સ કેવી રીતે મોકલી શકો? ગાઇડલાઇન જાહેર કરવાની જરૂર : સુપ્રીમ

- ઇડીને લઇને સામાન્ય ધારણા બાંધી લેવી અયોગ્ય: સોલિસિટર જનરલ

નવી દિલ્હી : કેન્દ્રીય તપાસ એજન્સી ઇડીને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી હતી. વકીલોને સમન્સ મોકલવા મુદ્દે સુઓમોટો સુનાવણી કરીને ઇડીને સુપ્રીમ કોર્ટે આકરા સવાલો પણ કર્યા હતા. એક વકીલ અને તેના અસીલ વચ્ચે શું સંવાદ થયો તેને લઇને ઇડી કે પોલીસ નોટિસ કેવી રીતે જાહેર કરી શકે? ઇડી તમામ હદ વટાવી રહી છે. કેટલીક ગાઇડલાઇન જાહેર કરવાની  જરૂર છે. જ્યારે કર્ણાટકના એક મામલામાં સુપ્રીમે ઇડીને આકરી ચેતવણી આપતા કહ્યું હતું કે રાજકીય લડાઇ ના લડો.  

વરીષ્ઠ વકીલ અરવિંદ દાતાર અને પ્રતાપ વેણુગોપાલને ઇડીએ તેમના અસીલના કેસમાં સમન્સ જારી કર્યા હતા, જેને બાદમાં પરત લઇ લેવાયા હતા. જોકે સમન્સ જાહેર કરવા મુદ્દે વકીલોના સંગઠનો દ્વારા વિરોધ નોંધાવાયો હતો અને મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઇને પત્ર લખી દખલ દેવા કહ્યું હતું. હવે આ મામલે સુપ્રીમ કોર્ટે સુઓમોટો સુનાવણી શરૂ કરી છે. સોમવારે સુનાવણી દરમિયાન એટર્ની જનરલ આર. વેંકટરમણી અને સોલિસિટર જનરલ તુષાર મહેતા હાજર રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે આ મામલાને ઉચ્ચસ્તરીય રીતે ઉઠાવાઇ રહ્યો છે. ઇડીને કહેવામાં આવ્યું છે કે તે વકીલોને માત્ર કાયદાકીય સલાહ આપવા બદલ સમન્સ ના મોકલે. સાથે જ તેમણે સુપ્રીમને અપીલ કરી હતી કે કોઇ મામલાને લઇને સમગ્ર એજન્સી પર ચોક્કસ ધારણા ના બાધવી જોઇએ.  

અન્ય એક મામલામાં પણ સુપ્રીમ કોર્ટે ઇડીનો ઉધડો લીધો હતો અને પૂછ્યું હતું કે રાજકીય જંગ માટે ઇડીનો ઉપયોગ કેમ થઇ રહ્યો છે? કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના પત્ની બીએમ પારવતી અને રાજ્યના મંત્રી બૈરાઠી સુરેશ સામે ઇડીએ સમન્સ જાહેર કર્યા હતા, જેને હાઇકોર્ટમાં પડકારાયા હતા, હાઇકોર્ટે ઇડીના આ સમન્સને રદ કરી નાખ્યા હતા. જેથી બાદમાં ઇડી દ્વારા હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જોકે સુપ્રીમ કોર્ટે ઇડીની અપીલ પર સુનાવણી કરવાની જ ના પાડી દીધી હતી, જેવો મામલો ઉઠાવવામાં આવ્યો કે તુરંત જ મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઇ અને ન્યાયાધીશ કે વિનોદ ચંદ્રને સાંભળવાની ના પાડી દીધી હતી.

મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઇએ ઇડી તરફથી હાજર એડિ. સોલિસિટર જનરલ એસવી રાજુને કહ્યું હતું કે મિસ્ટર રાજુ મહેરબાની કરીને અમને અમારુ મો ખોલવા ના કહો, નહીં તો અમે ઇડીને લઇને બહુ જ આકરી ટિપ્પણી કરીશું. મહારાષ્ટ્રમાં મારો ખુદનો અનુભવ છે, અમને મો ખોલવા મજબુર ના કરશો. રાજકીય જંગ મતદારોની સામે થવી જોઇએ, આ રાજકીય જંગ માટે ઇડીનો ઉપયોગ શા માટે? હાઇકોર્ટના ચુકાદામાં અમને કોઇ જ ભુલ નથી જણાતી.  અંતે ઇડીએ અપીલ પરત ખેંચી લીધી હતી.