સરકારના ઈશારે કામ કરી રહ્યું હતું ચૂંટણી પંચ... હવે લોકશાહી પર પડશે સુપ્રીમ કોર્ટના ચૂકાદની અસર : પ્રશાંત ભૂષણ
સુપ્રીમ કોર્ટનો મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂંક અંગે ઐતિહાસિક નિર્ણય
‘CBI’ના ડાયરેક્ટરની નિમણૂક જેમ ચૂંટણી કમિશનરોની પસંદગી પ્રક્રિયા હોવી જોઈએ : SC
Image - wikipedia |
નવી દિલ્હી, તા.2 માર્ચ-2023, ગુરુવાર
સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની બંધારણીય ખંડપીઠે ગુરુવારે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂંક અંગે ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે, ચૂંટણી કમિશનરોની પસંદગી પ્રક્રિયા એવી હોવી જોઈએ, જેવી રીતે કેન્દ્રીય તપાસ એજન્સી ‘CBI’ના ડાયરેક્ટરની નિમણૂક થાય છે. એટલે કે ચૂંટણી કમિશનરોની નિમણૂકવાળી પેનલમાં વડાપ્રધાન, લોકસભામાં વિપક્ષના નેતા અને ભારતના મુખ્ય ન્યાયાધીશ હોવા જોઈએ. આ કમિટી દ્વારા જે નામોની ભલામણ કરાશે, તે નામને રાષ્ટ્રપતિ મંજૂરી આપશે.
ચૂંટણી પંચની સરકારના ઈશારે કામગીરી : પ્રશાંત ભૂષણ
સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે પણ આ મામલે અરજી દાખલ કરી હતી. તેમણે જ કેસની દલીલ કરી. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પ્રશાંત ભૂષણે જણાવ્યું કે, આ નિર્ણયથી લોકશાહી પર અસર થશે. અત્યાર સુધી ચૂંટણી પંચ સરકારના ઈશારા પર જ કામ કરતું રહ્યું છે.
‘...મજબૂત પક્ષો પણ સત્તામાંથી બહાર થઈ શકે છે’
ઉલ્લેખનિય છે કે, અત્યાર સુધીની પસંદગી પ્રક્રિયામાં કેન્દ્ર સરકાર માત્ર મુખ્ય મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની પસંદગી કરે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જ્યાં સુધી ચૂંટણી કમિશનરોની નિમણૂક માટે સંસદ દ્વારા કાયદો બનાવવામાં ન આવે ત્યાં સુધી આ જ પ્રક્રિયા યથાવત્ રહેશે. જસ્ટિસ કે.એમ.જોસેફે જણાવ્યું કે, લોકશાહી જાળવવા ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા જાળવવામાં આવે. લોકશાહીમાં મતની તાકાત સુપ્રીમ હોય છે, જેના દ્વારા મજબૂત પક્ષો પણ સત્તામાંથી બહાર થઈ શકે છે. ચૂંટણી પંચે પોતાની ડ્યૂટી બંધારણની જોગવાઈઓ મુજબ અને કોર્ટના આદેશોના આધારે કાયદામાં રહીને નિષ્પક્ષપણે નિભાવવી જોઈએ.
સુપ્રીમના નિર્ણયું સ્વાગત : પ્રશાંત ભૂષણ
ઉલ્લેખનિય છે કે, ચૂંટણી કમિશનરની પસંદગીની વર્તમાન પ્રક્રિયા સંપૂર્ણરીતે કેન્દ્ર સરકારના હાથમાં છે, જેના કારણે વિપક્ષ દ્વારા ચૂંટણી કમિશનરની નિમણૂકને લઈને અનેક વખત પ્રશ્નો ઉઠાવાયા છે. સુપ્રીમ દ્વારા અપાયેલા નિર્ણયનું સ્વાગત કરતા સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે, આ એક પરીક્ષામલક્ષી નિર્ણય છે. અત્યાર સુધી એવું જોવા મળતું હતું કે, સરકાર જેને ઈચ્છે તેને ચૂંટણી કમિશનર બનાવતી હતી.