- એએસડીમાં સ્ટેમ સેલ થેરપી મંજૂર ક્લિનિકલ ટ્રાયલમાં જ આપી શકાય
- દર્દી અને તેના પરિવારને પ્રમાણ વગરની સારવારની આશા દેખાડવી ખોટું અને અનૈતિક છે : સુપ્રીમની સ્પષ્ટતા
નવી દિલ્હી : ઓટિઝમ સ્પ્રેક્ટ્રમ ડિસઓર્ડર એએસડીની સારવાર અંગે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મંજૂર કરાયેલ દેખરેખ હેઠળના ક્લિનિકલ ટ્રાયલ સિવાય એએસડીના પીડિતોને સ્ટેમ સેલ થેરપીથી સારવાર ન આપી શકાય. મંજૂરી વગરના ક્લિનિકલ ટ્રાયલનો હિસ્સો ના હોય તેવી સ્થિતિમાં સ્ટેમ સેલ થેરપીથી સારવાર આપવી વ્યાવસાયિક બેદરકારી ગણવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે એવી પણ સ્પષ્ટતા કરી છે કે સ્ટેમ સેલને ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ ૧૯૪૦માં દવાની પરિભાષામાં રાખવામાં આવ્યા છે જેનો અર્થ એમ નથી થતો કે તેનો ઉપયોગ કોઇ પણ બીમારીની સારવાર માટે કરી શકાય. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જે દર્દીઓને હાલ સ્ટેમ સેલ થેરપીથી સારવાર આપવામાં આવી રહી છે તેમની સાથે અચાનક અન્યાય ના થવો જોઇએ, પરંતુ આ સારવાર રૂટિન રીતે આગળ ચલાવવી શક્ય નથી. સુપ્રીમ કોર્ટે નેશનલ મેડિકલ કમીશન (એનએમસી), એઇમ્સ અને સ્વાસ્થ્ય મંત્રાલયને આદેશ આપ્યો હતો કે આવા દર્દીઓને મંજૂર ક્લિનિકલ ટ્રાયલમાં સામેલ કરવામાં આવે કે જેથી તેમની સુરક્ષા જળવાઇ રહે અને સારવાર ગેરકાયદે શરૂ ના રહે. ભાવનાત્મક રીતે પરેશાન પરિવારજનોને કોઇ પણ પ્રકારના પ્રમાણ વગર સારવારની આશા દેખાડવી ખોટુ અને અનૈતિક છે. દર્દી અને પરિવારની સંમતિ પણ ત્યારે જ માન્ય છે જ્યારે તેને યોગ્ય અને વિશ્વાસપાત્ર વૈજ્ઞાાનિક જાણકારીના આધાર પર આપવામાં આવી હોય. આ ચુકાદો ડબલ્યુએચઓ અને આંતરરાષ્ટ્રીય સોસાયટી ફોર સ્ટેમ સેલ રિસર્ચની ગાઇડલાઇનને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યો છે. નોંધનીય છે કે ઓટિઝમ સ્પેકટ્રમ ડિસઓર્ડર સામાન્ય રીતે બાળકોમાં જોવા મળે છે. જેને કારણે બાળકમાં માનસિક વિકાસ અને વર્તણંુક પર તેની અસર થતી હોય છે.


