Get The App

બીજા ધર્મમાં લગ્ન કરતાં દીકરીને પિતાએ સંપત્તિમાંથી બેદખલ કરી, સુપ્રીમ કોર્ટનો જાણવા જેવો ચુકાદો

Updated: Dec 19th, 2025

GS TEAM

Google News
Google News
બીજા ધર્મમાં લગ્ન કરતાં દીકરીને પિતાએ સંપત્તિમાંથી બેદખલ કરી, સુપ્રીમ કોર્ટનો જાણવા જેવો ચુકાદો 1 - image


Supreme Court on Shaila Joseph case : સંપત્તિના અધિકારને લઈને સુપ્રીમ કોર્ટે એક મોટો અને મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અન્ય સમુદાયના યુવક સાથે લગ્ન કરવા બદલ પિતા દ્વારા દીકરીને સંપત્તિમાંથી બેદખલ કરવાના કેસમાં, કોર્ટે પિતાની વસિયતને જ સર્વોપરી ગણાવી છે અને સ્પષ્ટ કર્યું છે કે વસિયત કરનારની ઇચ્છાને સર્વોચ્ચ માનવામાં આવશે. આ નિર્ણય સાથે, સુપ્રીમ કોર્ટે કેરળ હાઇકોર્ટ અને ટ્રાયલ કોર્ટના એ નિર્ણયોને પલટાવી દીધા છે, જેમાં દીકરીને સંપત્તિમાં ભાગ આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

ક્યાંનો હતો મામલો? 

આ મામલો કેરળનો છે, જ્યાં એન. એસ. શ્રીધરન નામના વ્યક્તિએ 1988માં બનાવેલી પોતાની રજિસ્ટર્ડ વસિયતમાં, તેમના નવ બાળકોમાંથી એક દીકરી શૈલા જોસેફને સંપત્તિમાંથી વંચિત રાખી હતી. આ પાછળનું કારણ એ હતું કે શૈલાએ પોતાના સમુદાયની બહાર લગ્ન કર્યા હતા. આ કેસમાં નીચલી અદાલતોએ પિતાની વસિયતને બાજુ પર રાખીને દીકરીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને સંપત્તિને નવ બાળકોમાં સરખા ભાગે વહેંચવાનો આદેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે જૂના આદેશો રદ કર્યા 

જોકે, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અહેસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે આ નિર્ણયોને રદ કરી દીધા હતા. ચુકાદો લખતાં જસ્ટિસ ચંદ્રને સ્પષ્ટપણે કહ્યું કે, "વસિયત સ્પષ્ટપણે સાબિત થઈ ચૂકી છે, તેમાં કોઈ હસ્તક્ષેપ કરી શકાય નહીં. શૈલા જોસેફનો તેમના પિતાની સંપત્તિ પર કોઈ દાવો નથી, કારણ કે વસિયત દ્વારા આ સંપત્તિ અન્ય ભાઈ-બહેનોને સોંપવામાં આવી છે."

શૈલાના વકીલે શું કરી હતી દલીલ? 

કોર્ટમાં શૈલાના વકીલે દલીલ કરી હતી કે તેમને ઓછામાં ઓછો 1/9 હિસ્સો મળવો જોઈએ, જે સંપત્તિનો નજીવો ભાગ છે. પરંતુ બેન્ચે સ્પષ્ટ કર્યું કે, "અમે અહીં ન્યાયસંગત વહેંચણી (Equity) પર નથી. વસિયત કરનારની ઇચ્છા સર્વોપરી છે. તેની અંતિમ વસિયતથી વિચલિત થઈ શકાય નહીં." કોર્ટે એમ પણ ટિપ્પણી કરી કે, "અમે વસિયત કરનારની જગ્યાએ પોતાને મૂકી શકતા નથી. અમે અમારા વિચારો તેમના પર લાદી શકતા નથી; તેમની ઇચ્છા તેમના પોતાના કારણોથી પ્રેરાયેલી છે." આ ચુકાદા સાથે, સુપ્રીમ કોર્ટે શૈલાના ભાગલાના દાવાને ફગાવી દીધો હતો.

Tags :