Aravali Case: સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાના કેસમાં પોતાના જ 20 નવેમ્બરના ચુકાદા પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે. કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે. જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. દેશના ચીફ જસ્ટિસ સૂર્યકાંતે વિશેષજ્ઞ સમિતિની ભલામણ અને તેના પર સુપ્રીમ કોર્ટે કરેલી તમામ ટિપ્પણી સ્થગિત કરી છે. આગામી આદેશ સુધી સમિતિની કોઈ પણ ભલામણ લાગુ કરાશે નહીં. સમગ્ર કેસમાં આગામી 21મી જાન્યુઆરીએ વધુ સુનાવણી કરવામાં આવશે. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે અરવલ્લી ગિરિમાળાની વ્યાખ્યા કે પરિભાષાને માન્યતા આપી હતી કે જેમાં કહેવામાં આવ્યું હતું કે 100 મીટરથી ઊંચા પહાડોને જ અરવલ્લી ગિરિમાળા માનવામાં આવે. જે બાદથી જ સમગ્ર વિવાદ શરુ થયો હતો. સુપ્રીમ કોર્ટના આજના આ આદેશથી પર્યાવરણપ્રેમી તથા અરવલ્લી બચાવો આંદોલન કરી રહેલા લોકોની મોટી જીત થઈ છે.
રાજ્ય અને કેન્દ્ર સરકારોને નોટિસ
CJI સૂર્યકાંતે કહ્યું, કે સમિતિના રિપોર્ટ તથા તેના પર કોર્ટે કરેલી ટિપ્પણીનો ખોટો અર્થ કાઢવામાં આવી રહ્યો છે. એવામાં આ રિપોર્ટ અને કોર્ટના આદેશ લાગુ કરતાં પહેલા એક નિષ્પક્ષ અને સ્વતંત્ર મૂલ્યાંકનની જરૂર છે. સમગ્ર કેસમાં સુપ્રીમ કોર્ટે હરિયાણા, રાજસ્થાન, દિલ્હી સહિત તમામ સંબંધિત રાજ્યોને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. કોર્ટે કેન્દ્રને નોટિસ પાઠવી છે.
સુપ્રીમ કોર્ટે આ કેસમાં કુલ 5 સવાલ પૂછ્યા છે?
1. અરવલ્લીની મર્યાદા પર સવાલ: શું અરવલ્લીની વ્યાખ્યાને માત્ર 500 મીટરના વિસ્તાર સુધી મર્યાદિત રાખવી એ એક એવી વિરોધાભાસી સ્થિતિ સર્જે છે, શું તેના કારણે સંરક્ષણનો વ્યાપ ઘટી રહ્યો છે?
2. બિન-અરવલ્લી વિસ્તારોમાં વધારો: વ્યાખ્યામાં ફેરફાર થવાથી 'બિન-અરવલ્લી' ગણાતા વિસ્તારોનો વ્યાપ વધી ગયો છે? શું આવા વિસ્તારોમાં નિયંત્રિત ખાણકામની મંજૂરી આપી શકાય?
3. બે પર્વતમાળા વચ્ચેના ગેપ અંગે સ્પષ્ટતા: જો અરવલ્લીના બે ક્ષેત્રો 100 મીટર કે તેથી વધુના હોય અને તેમની વચ્ચે 700 મીટરનું અંતર હોય, તો શું તે ખાલી પડેલા વિસ્તારમાં નિયંત્રિત ખાણકામની છૂટ આપવી જોઈએ?
4. પર્યાવરણીય પડકાર: અરવલ્લીની 'ઈકોલોજિકલ કન્ટિન્યુટી' એટલે કે પર્યાવરણીય નિરંતરતાને કોઈપણ અવરોધ વિના સુરક્ષિત કેવી રીતે રાખી શકાય?
5. નિયમનકારી ખામીઓ અને વિગતવાર આકલન: જો હાલના નિયમોમાં કોઈ મોટી કાયદાકીય કે નિયમનને લગતી ખામી જણાય, તો શું અરવલ્લી પર્વતમાળાની મજબૂતી જાળવી રાખવા ફરીથી એક ઊંડા સર્વેક્ષણની જરૂર છે?
શું છે સમગ્ર વિવાદ?
નોંધનીય છે કે કેન્દ્રીય પર્યાવરણ વિભાગની એક સમિતિએ સુપ્રીમ કોર્ટમાં ભલામણ કરી હતી કે 100 મીટર કે તેથી ઊંચાઈના પર્વતો જ અરવલ્લી ગિરિમાળા માનવામાં આવે. આ ભલામણને 20મી નવેમ્બરે સુપ્રીમ કોર્ટે માન્યતા આપી હતી. જે બાદથી જ ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીમાં ભારે વિરોધ થઈ રહ્યો હતો. લોકોને ભય છે કે આમ તો અરવલ્લીના પહાડો નષ્ટ થઈ જશે અને માફિયાઓ બેફામ ખાણકામ કરશે. લોકોએ કેન્દ્ર સરકાર સામે બાંયો ચડાવી છે. જોકે ભારે વિરોધ અને વિવાદ વધતાં જોઈ કેન્દ્ર સરકારે 24મી ડિસેમ્બરે નવો આદેશ જાહેર કરી કહ્યું હતું કે અરવલ્લીમાં નવા ખાણકામની મંજૂરી આપવામાં આવશે નહીં.


