Get The App

નિર્દોષ સગીરો માટે પોક્સોમાં રોમિયો જૂલિયટ ક્લોઝ જોડવા સુપ્રીમની સલાહ

Updated: Jan 13th, 2026

GS TEAM

Google News
Google News
નિર્દોષ સગીરો માટે પોક્સોમાં રોમિયો જૂલિયટ ક્લોઝ જોડવા સુપ્રીમની સલાહ 1 - image

- સંમતિથી સંબંધ છતા સગીરો ગુનેગાર ઠરી રહ્યા છે

- પોક્સોના કેસોમાં 24 ટકા મામલા સંમતિથી સંબંધના 80 ટકામાં ફરિયાદો માતા-પિતા દ્વારા કરાઇ : રિપોર્ટ 

નવી દિલ્હી : પોક્સોના કેસોમાં એવા સગીરો પણ ફસાઇ જાય છે કે જેઓ વચ્ચે સંમતિથી સંબંધ બંધાયા હોય, એવામાં આવા એક જ સરખી વયના સગીરોને બચાવવા માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પોક્સો કાયદામાં રોમિયો જૂલિયટ ક્લોઝ જોડવા પર વિચાર કરવા કહ્યું છે. અમેરિકામાં હાલ આ કાયદો અમલમાં છે જેમાં સંમતિથી સંબંધ બાંધનારા સગીરોને સજાથી રક્ષણ આપવામાં આવે છે.  

સુપ્રીમના ન્યાયાધીશ સંજય કરોલ અને એન. કે. સિંહની બેંચે અગાઉ અલ્લાહાબાદ હાઇકોર્ટ દ્વારા પોક્સોના મામલામાં જે આદેશો આપ્યા હતા તેને પલટતી વખતે રોમિયો જૂલિયટ ક્લોઝની સલાહ કેન્દ્ર સરકારને આપી હતી. રોમિયો જૂલિયટ ક્લોઝનો હેતુ સગીર વયના પરંતુ એક સરખી ઉંમરના છોકરા-છોકરી વચ્ચે સંમતિથી સંબંધ બંધાતા હોય તો તેમને બાળ સંરક્ષણ કાયદા હેઠળ ગુનેગાર માનવામાં ના આવે. અન્ય દેશોમાં આ પ્રકારના રોમિયો જૂલિયર ક્લોઝ કાયદામાં ઉમેરવામાં આવ્યો છે. આ નામ શેક્સપિયરના પ્રસિદ્ધ નાટક રોમિયો અને જૂલિયટ પરથી લેવામાં આવ્યું છે. આ કાયદો સૌથી પહેલા અમેરિકામાં લાગુ કરવામાં આવ્યો હતો. 

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ કાયદાઓનો ઉપયોગ માત્ર સગીરોને યૌન શોષણથી બચાવવા પુરતો નથી થઇ રહ્યો, સાથે સાથે સગીરો વચ્ચે સંમતિથી બંધાયેલા સંબંધોના મામલામાં પણ તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરિવાર સામાન્ય રીતે આ પ્રકારના સંબંધોનો વિરોધ કરતો હોય છે જેને પગલે ક્યારેક સગીરોની સામે ગુનાહિત મામલા પણ દાખલ કરી દેવામાં આવે છે. એક સંસ્થા દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ આસામ, મહારાષ્ટ્ર, બંગાળમાં પોક્સોના તમામ મામલામાંથી ૨૪ ટકા સગીરો એવા છે કે જેઓ સંમતિથી સંબંધમાં જોડાયા હતા. ૮૦ ટકા કેસો સગીરાના માતા પિતા કે પરિવારજનો દ્વારા દાખલ કરાયેલા છે. આવા મામલામાં સંમતિથી સંબંધ છતા છોકરાઓને ફસાવવામાં આવે છે.