નવી દિલ્હી, તા. 08 ડિસેમ્બર 2022, ગુરૂવાર
સુપ્રીમ કોર્ટના જજોની નિમણૂકને અનુલક્ષીને સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચે તણાવ વધતો જોવા મળી રહ્યો છે, કોર્ટે ગુરૂવારના રોજ એટર્ની જનરલ આર. વેંકટરામણીને કહ્યું હતું કે તેઓ કેન્દ્રીય મંત્રીઓને કોલેજિયમ સિસ્ટમની જાહેરમાં ટીકા કરવાથી દૂર રહેવાની સલાહ આપી હતી. સુપ્રીમ કોર્ટે એટર્ની જનરલને સ્પષ્ટ કહ્યું હતું કે કેન્દ્રીય મંત્રીઓએ કોલેજિયમ વિરૂદ્ધ જે નિવેદનો આપ્યા છે તેનાથી સારો સંદેશ નથી ગયો. એટલું જ નહીં સુપ્રીમ કોર્ટે જજોના નામની ભલામણ પર કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં વિલંબની પણ ઝાટકણી કાઢી હતી.
કોર્ટે કહ્યું હતું કે, સરકારે જજોની નિમણૂકના મામલે કોલેજિયમ સિસ્ટમનું પાલન કરવું જોઈએ. તે કાયદા હેઠળ છે અને તેની વિરૂદ્ધ જવું યોગ્ય નથી. બેન્ચે એટર્ની જનરલને કહ્યું હતું કે તે સરકારને સલાહ આપે કે તે સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત કાયદાકીય સિદ્ધાંતો અનુસાર કાર્ય કરે. કોર્ટે કહ્યું હતું કે, એક વર્ગ કોલેજિયમ વ્યવસ્થાને યોગ્ય ન માનતો હોય તો તેના વિશે જાહેરમાં આવી ટિપ્પણીઓ ન કરવી જોઈએ અને તેનાથી કાયદો બદલાતો નથી. બેન્ચે કહ્યું હતું કે કોલેજિયમની વ્યવસ્થા બંધારણીય બેન્ચના આદેશથી આવી છે અને તેનું પાલન કરવું જોઈએ.
એટલું જ નહીં અદાલતે કોલેજિયમ સિસ્ટમની તુલના સંસદ અને બનાવેલા કાયદાઓ સાથે પણ કરી હતી. બેન્ચે કહ્યું હતું કે સમાજમાં એવા વર્ગો પણ છે જે સંસદના દ્વારા જ બનાવેલા કાયદાઓ સાથે સહમત નથી. આવી સ્થિતિમાં શું સુપ્રીમ કોર્ટે આ કાયદાઓ પર પ્રતિબંધ મૂકવો જોઈએ? બેન્ચના સભ્ય જસ્ટિસ કૌલે કહ્યું હતું કે આ દેશમાં જો દરેક વ્યક્તિ નિર્ણય લેશે કે કયો કાયદો પાળવો જોઈએ અને કયો નહી, તો સિસ્ટમ જ સમાપ્ત થઈ જશે. ઉલ્લેખનીય છે કાયદા મંત્રી કિરેન રિજિજુએ જજોની નિમણૂકને અનુલક્ષીને કોલેજિયમ વ્યવસ્થા પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે કોલેજિયમની વ્યવસ્થા અંગે બંધારણમાં કોઈ ઉલ્લેખ નથી.


