Get The App

વકીલોને ઇડીના સમન્સ મામલે સુપ્રીમમાં સુઓમોટો કેસ ચાલશે

Updated: Jul 10th, 2025

GS TEAM

Google News
Google News
વકીલોને ઇડીના સમન્સ મામલે સુપ્રીમમાં સુઓમોટો કેસ ચાલશે 1 - image


- અસીલને સલાહ બદલ વકીલોને સમન્સને ગંભીર ગણાવી સુપ્રીમે નોંધ લીધી

- સુપ્રીમ બાર એસો. સહિત વકીલોના બે મોટા સંગઠને ઇડીના સમન્સની ટિકા કરી સીજેઆઇને પત્ર લખ્યો હતો

- અસીલના કેસમાં ગુજરાતના વકીલને પોલીસના સમન્સનો મામલો પણ સુપ્રીમ પહોંચ્યો છે, 14મીએ સીજેઆઇની બેંચ સુનાવણી કરશે

- અસીલના કેસમાં વકીલોને ડાયરેક્ટરની મંજૂરી વગર સમન્સ ના મોકલવા ઇડીની પોતાના અધિકારીઓને સલાહ

નવી દિલ્હી : અસીલોને સલાહ બદલ કેન્દ્રીય એજન્સી ઇડીએ બે વકીલોને સમન્સ મોકલ્યા હતા, આ મામલે હવે સુપ્રીમ કોર્ટમાં સુઓમોટો કેસ ચલાવવામાં આવશે. સુપ્રીમ કોર્ટે આ સમન્સની સુઓમોટો દ્વારા નોંધ લઇને આગળની કાર્યવાહી શરૂ કરી છે. મુખ્ય ન્યાયાધીશ બી આર ગવઇની બેંચ ૧૪મી જુલાઇના રોજ સુનાવણી કરશે. જેમાં ઇડી પાસેથી પણ જવાબ લેવામાં આવી શકે છે. જોકે ઇડી અગાઉથી જ આ સમન્સ પરત ખેંચી ચુકી છે.  

તાજેતરમાં મની લોન્ડરિંગના કેસમાં ઇડીએ વરીષ્ઠ વકીલો અરવિંદ દાતાર અને પ્રતાપ વેણુગોપાલને સમન્સ પાઠવ્યા હતા, જે બાદ સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન અને વકીલોના અન્ય એક સંગઠન દ્વારા તેનો વિરોધ કરાયો હતો. સાથે જ મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીને ઇડીની આ પ્રકારની કાર્યવાહીમાં દખલ દેવાનીમાગણી કરી હતી. હવે સુપ્રીમ કોર્ટ દ્વારા સમગ્ર મામલાની સુઓમોટો નોંધ લેવામાં આવી છે. જોકે ઇડીએ અગાઉ તપાસ અધિકારીઓને કહ્યું હતું કે અસીલ સામે મની લોન્ડરિંગના કેસમાં મંજૂરી તેમના વકીલોને સમન્સ મોકલવામાં ના આવે. ઇડીએ કહ્યું હતું કે બીએનએસ કાયદાની કલમ ૧૩૨નો ભંગ કરીને કોઇ પણ વકીલને સમન્સ પાઠવવામાં ના આવે. તેમ છતા જો આવા કોઇ સમન્સ ઇશ્યૂ કરવાની જરૂર જણાય તો પહેલા ડાયરેક્ટરની મંજૂરી લેવાની રહેશે. 

આ પહેલા ૨૫મી જૂનના રોજ સુપ્રીમ કોર્ટે વકીલોને ઇડી દ્વારા સમન્સ મોકલવાને અત્યંત ગંભીર મામલો ગણાવ્યો હતો, સાથે જ આ પ્રકારના સમન્સ વકીલોના વ્યવસાયની સાથે ન્યાય વ્યવસ્થા પર પણ ગંભીર અસર પહોંચાડશે તેમ કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે કેટલાક સવાલો પણ કર્યા હતા કે શું માત્ર સલાહ બદલ વકીલને સમન્સ મોકલી શકાય, સલાહ સિવાયના મામલામાં સીધા સમન્સ મોકલી શકાય કે અન્ય કોઇ પ્રક્રિયાનું પાલન કરવું પડે? સુપ્રીમ કોર્ટ આ મામલે ન્યાયીક ચર્ચા વિચારણા કરશે. અસીલના કેસમાં ગુજરાતના એક વકીલને પોલીસ દ્વારા નોટિસ મોકલવામાં આવી હતી, જેને રદ કરવા સામેની વકીલની અપીલને હાઇકોર્ટે ફગાવતા મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો, સુપ્રીમ કોર્ટે હાલ આ વકીલ સામે કોઇ જ કાર્યવાહી ના કરવા ગુજરાત સરકારને આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટ હવે ઇડી અને પોલીસ દ્વારા મોકલાયેલા સમન્સની સંયુક્ત રીતે નોંધ લઇને આગળની કાર્યવાહી કરી શકે છે.    

Tags :