Sunetra Pawar and Maharastra Politics News: મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અજિત પવારના અવસાન બાદ ખાલી પડેલી જગ્યા પર હવે સુનેત્રા પવારની વરણી કરવામાં આવી છે. એનસીપી (NCP) વિધાયક દળની બેઠકમાં સુનેત્રા પવારને સર્વસંમતિથી નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે.
સુનેત્રા પવારે રાજ્યસભા સાંસદ પદ પરથી આપ્યું રાજીનામું
સુનેત્રા પવારે રાજ્યસભા સાંસદ પદ પરથી રાજીનામું આપ્યું છે. નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરતા પહેલા તેમણે પોતાના સાંસદ પદ પરથી રાજીનામું આપ્યું હતું.
સુનેત્રા પવાર NCP વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા
શનિવારે વિધાન ભવન ખાતે એનસીપીના ધારાસભ્યો અને વરિષ્ઠ નેતાઓની મહત્ત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વરિષ્ઠ નેતા દિલીપ વલસે પાટીલે વિધાયક દળના નેતા તરીકે સુનેત્રા પવારના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને તમામ ધારાસભ્યોએ સર્વસંમતિથી ટેકો આપ્યો હતો. NCP વિધાનસભા પક્ષની બેઠકમાં સુનેત્રા પવાર NCP વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા.
CM ફડણવીસ સહિત NCP સાંસદો અને ધારાસભ્યો હાજરી આપશે
સુનેત્રા આજે સાંજે 5 વાગ્યે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. સુનેત્રા પવારના શપથ ગ્રહણ સમારોહમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને NCP સાંસદો અને ધારાસભ્યો પણ હાજરી આપશે. સુનેત્રા પવારના પુત્ર જય પવાર પણ હાજર રહેશે.
દિવંગત અજિત પવારને શ્રદ્ધાંજલિ
બેઠકની શરૂઆત પહેલા તમામ નેતાઓએ દિવંગત અજિત પવારના ચિત્ર પર પુષ્પાંજલિ અર્પણ કરી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. એનસીપી નેતા સુનિલ તટકરેએ જણાવ્યું હતું કે અજિત દાદાની અસ્થિઓ આખા મહારાષ્ટ્રમાં ફેરવવામાં આવશે. તેમણે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે આ નિર્ણય પક્ષની આગામી રણનીતિ માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે.
શરદ પવારની પ્રતિક્રિયા
સુનેત્રા પવારની આ નિમણૂક અંગે જ્યારે શરદ પવારને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, "મને આ બાબતે કોઈ જાણકારી નથી". સુનેત્રા પવારની તાજપોશી પહેલા તેમની શરદ પવાર સાથે મુલાકાત થવાની હતી, પરંતુ તે પહેલા જ પક્ષે આ નિર્ણય લઈ લેતા પવાર પરિવારના વડા નારાજ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
નવી રાજકીય ઈનિંગની શરૂઆત
સુનેત્રા પવાર હાલમાં રાજ્યસભાના સાંસદ છે અને હવે વિધાયક દળના નેતા બન્યા બાદ રાજ્યના વહીવટમાં તેમની ભૂમિકા અહમ બની રહેશે. પ્રફુલ્લ પટેલ અને સુનિલ તટકરે જેવા દિગ્ગજ નેતાઓની હાજરીમાં લેવાયેલા આ નિર્ણયથી મહારાષ્ટ્રના રાજકારણમાં શક્તિ સંતુલન બદલાય તેવી પૂરેપૂરી સંભાવના છે.


