FOLLOW US

તિહાર જેલમાં સિસોદિયાને VVIP ટ્રીટમેન્ટ, આખુ જેલ તંત્ર કંટ્રોલમાં: સુકેશ ચંદ્રશેખરનો એલજીને પત્ર

Updated: Mar 11th, 2023


- સુકેશે કેજરીવાલ પર મનીષ સિસોદિયાને લઈને જુઠ્ઠાણું ફેલાવવાનો આરોપ પણ લગાવ્યો 

નવી દિલ્હી, તા. 11 માર્ચ 2023, શનિવાર

મહાઠગ સુકેશ ચંદ્રશેખરે તિહાર જેલમાંથી દિલ્હીના ઉપરાજ્યપાલને વધુ એક પત્ર લખ્યો છે. આ પત્રમાં સુકેશ ચંદ્રશેખરે દાવો કર્યો કે, જેલમાં મનીષ સિસોદિયાને VVIP ટ્રીટમેન્ટ મળી રહી હતી. સુકેશ ચંદ્રશેખરે એલજી વીકે સક્સેનાને પત્ર લખીને દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ સિસોદિયાને જેલમાં આપવામાં આવેલ VVIP ટ્રીટમેન્ટની તપાસની માંગ કરી છે. એટલું જ નહીં, સુકેશે કેજરીવાલ પર મનીષ સિસોદિયા વિશે જુઠ્ઠાણું ફેલાવવાનો આરોપ પણ લગાવ્યો છે.

તિહારના સૌથી VVIP વોર્ડમાં સિસોદિયા

સુકેશે પત્રમાં લખ્યું કે, અરવિંદ કેજરીવાલ મનીષ સિસોદિયાની જેલમાં અસુરક્ષાના ખોટા સમાચાર ફેલાવી રહ્યા છે. સુકેશ ચંદ્રશેખરે કહ્યું કે, મનીષ સિસોદિયાને વોર્ડ નં. 9માં મૂકવામાં આવ્યા હતા. મહાઠગ સુકેશે કહ્યું કે, આ તિહાર જેલનો સૌથી VVIP વોર્ડ છે. એલજીને લખેલા પત્રમાં સુકેશે કહ્યું કે, સુબ્રતો રાય સહારા, અમર સિંહ, એ રાજા, કલમાડી, સંજય ચંદ્રા જેવા કેદીઓને આ વોર્ડ 9માં રાખવામાં આવ્યા છે.

સમગ્ર જેલ તંત્ર સત્યેન્દ્ર જૈનના કંટ્રોલમાં

સુકેશે પત્રમાં કહ્યું છે કે VVIP વોર્ડમાં મનીષ સિસોદિયાની સંપૂર્ણ કાળજી લેવામાં આવી રહી છે. જેલ-વહીવટતંત્ર સંપૂર્ણપણે આમ આદમી પાર્ટીના હાથની કઠપૂતળી સમાન છે. એલજીને લખેલા આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે, જેલ સ્ટાફ સત્યેન્દ્ર જૈનના કંટ્રોલમાં છે.

સિસોદિયા 17 માર્ચ સુધી EDની કસ્ટડીમાં

તમને જણાવી દઈએ કે, દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને શુક્રવારે રાઉઝ એવન્યુ કોર્ટે 17 માર્ચ સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કસ્ટડીમાં મોકલી દીધા હતા. EDએ દિલ્હીની એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સિસોદિયાની ધરપકડ કરી હતી. 


Gujarat
IPL-2023
Magazines