ભારતે સ્વદેશી બનાવટની સબ સોનિક મિસાઇલ 'નિર્ભય'નું સફળ પરીક્ષણ
- 100 મીટર જેટલી નીચી સપાટીએ પણ 42 મિનિટ 23 સેકંડમાં લક્ષ્ય પાર પાડયું
(પીટીઆઇ) બાલાસોર, તા.15 એપ્રિલ, 2019, સોમવાર
ભારતે શુધ્ધ સ્વદેશી બનાવટની અને લાંબા અંતરની પ્રથમ સબ સોનિક ક્રુઝ મિસાઇલ 'નિર્ભય' નું આજે ઓડિશામાંથી સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. મલ્ટીપલ પ્લેટફોર્મ પરથી તૈનાત કરી શકાય તેવી સ્વદેશી બનાવટની મિસાઇલને અત્રેથી નજીક ચાંદીપુર પાસે આવેલા ઇન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જના ત્રીજા સંકુલમાંથી સવારે ૧૧.૪૪ વાગે છોડવામાં આવી હતી, સંરક્ષણ વિભાગે કહ્યું હતું. ટ્રાયલને સફળ ગણાવીને તેમણે કહ્યું હતું કે મિસાઇલે ૧૦૦ મીટર જેટલી નીચી સપાટીએ પણ ૪૨ મિનિટ અને ૨૩ સેકંડમાં અંતર કાપ્યું હતું.
ટ્રાયલમાં લિફટઓફ થી લઇ અંતિમ બ્લાસ્ટ સુધીની તમામ પ્રક્રિયા સફળતાપૂર્વક કરાઇ હતી. પરિણામે ટ્રાયલ સાથે સંકળાયેલા તમામ વૈજ્ઞાાનિકોનો ઉત્સાહ ખૂબ વધ્યો હતો, એમ સૂત્રોએ કહ્યું હતું. મિસાઇલમાં રોકેટ બુસ્ટર અને ટર્બોફેન-જેટ સાથેનું એન્જીન છે.
અત્યાધુનિક મિસાઇલ લોંચ ફેઝ, બુસ્ટર ડીપ્લોયમેન્ટ. અન્જીન સ્ટાર્ટ. વિંગ ડીપ્લોયમેન્ટ જેવા અન્ય તમામ ઘારાઘોરણોને પાર કરીને નિર્ધારિત સમયે અને નિર્ધારિત કાર્યક્રમ તરીકે છોડવામાં આવી હતી.
'મિસાઇલે ભવ્ય રીતે ક્રુઝ કર્યું હતું અને તેનો નિર્ધારિત લક્ષ્ય તેમજ અંતર પાર કર્યો હતો'એમ કહીને તેમણે ઉમેર્યું હતું કે ગ્રાઉન્ડ પર રાખેલા રાડાર દ્વારા તેની પર નજર રખાઇ હતી અને અન્ય પેરામીટરનું ટેલીમેન્ટરી સ્ટેશન દ્વારા મોનિટરિંગ કરાયું હતું. અગાઉ છેલ્લી વખતે સાત નવેમ્બર,૨૦૧૭ના રોજ 'નિર્ભય'મિસાઇલનું સફળ પરીક્ષણ કરાયું હતું.