'જે વિદ્યાર્થીઓ સવાલ પૂછે છે તેમનાથી સિસ્ટમ ડરે છે', ઈન્દૌરમાં છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં બોલ્યા રાહુલ ગાંધી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rahul Gandhi Indore Chhatron Ki Gunj: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ઈન્દોરમાં આયોજિત ‘છાત્રૌ કી ગૂંજ’ (Chhatron Ki Gunj) કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને Gen Z યુવાનો સાથે સીધો સંવાદ કર્યો હતો. આ પ્રસંગે રાહુલ ગાંધીએ દેશની શિક્ષણ વ્યવસ્થા અને વર્તમાન સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, સવાલો પૂછવા એ વિદ્યાર્થીઓનો સહજ સ્વભાવ છે, અને હાલમાં દેશનો યુવા વર્ગ ભારે દબાણ હેઠળ છે.
સિસ્ટમ વિદ્યાર્થીઓથી ડરે છે: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, 'વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છે, પરંતુ વર્તમાન સિસ્ટમ તેમનું ભવિષ્ય બગાડી રહી છે. શિક્ષણ એ કોઈ મોજશોખ કે લક્ઝરી નથી, પરંતુ દેશના દરેક નાગરિક અને વિદ્યાર્થીનો મૂળભૂત અધિકાર છે. દેશમાં શિક્ષણ વ્યવસ્થા પર સિસ્ટમ કબજો જમાવીને બેઠી છે.' તેમણે ઉમેર્યું કે, વર્તમાન સિસ્ટમ પોતાના સંસ્થાનોમાં પોતાના લોકોને બેસાડી દે છે, અને જે વિદ્યાર્થીઓ સવાલો પૂછે છે તેમનાથી ડરે છે.
શિક્ષણ બજેટમાં ઘટાડો અને શિષ્યવૃત્તિનો મુદ્દો
સરકારની નીતિઓ પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ આંકડાકીય વિગતો રજૂ કરી હતી.
બજેટમાં ઘટાડો: 2014 માં શિક્ષણ માટે બજેટનો 4.6% હિસ્સો ફાળવવામાં આવતો હતો, જે ઘટીને હવે 2.6% થઈ ગયો છે.
શિષ્યવૃત્તિ: છેલ્લા 10 વર્ષમાં 1.5 કરોડ વિદ્યાર્થીઓ પાસેથી સ્કોલરશિપ છીનવી લેવામાં આવી છે.
શિક્ષકોની અછત: હાલમાં દેશમાં 10 લાખ શિક્ષકોના પદો ખાલી પડ્યા છે.
સરકારી શાળાઓ બંધ: દેશભરમાં 1 લાખ સરકારી શાળાઓ બંધ થઈ ગઈ છે, જેમાંની 55% શાળાઓ મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં છે.
નફરત અને હિંસા વિદ્યાર્થીઓ જ નાબૂદ કરી શકે
રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશમાં હાલમાં જે દ્વેષ અને નફરતનો માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે, તેને માત્ર દેશના યુવાનો અને વિદ્યાર્થીઓ જ પ્રેમ અને સંવાદથી દૂર કરી શકે છે. તેમણે ઉમેર્યું કે તેઓ એવું ભારત ઈચ્છે છે, જે વિદ્યાર્થીઓના સપનાનું હોય, નફરતનું નહીં.




