‘પાકિસ્તાનમાં બનેલા બધા ગીતો, ફિલ્મો, સીરિઝ, પોડકાસ્ટનું સ્ટ્રીમિંગ બંધ કરો’ કેન્દ્ર સરકારનો OTT પ્લેટફોર્મને આદેશ
Operation Sindoor : પાકિસ્તાન સાથે વધતા તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે દેશના OTT પ્લેટફોર્મ્સ માટે નવો આદેશ જાહેર કર્યો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે ભારતમાં કાર્યરત OTT પ્લેટફોર્મ્સના તમામ સ્ટ્રીમર્સને પાકિસ્તાની સામગ્રીનું પ્રસારણ બંધ કરવા કહ્યું છે. સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા શેર કરાયેલી એક નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં ભારતમાં કાર્યરત તમામ OTT પ્લેટફોર્મ, મીડિયા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ અને મધ્યસ્થીઓને તાત્કાલિક અસરથી પાકિસ્તાની વેબ-સિરીઝ, ફિલ્મો, ગીતો, પોડકાસ્ટ અને અન્ય સ્ટ્રીમિંગ મીડિયા સામગ્રીનું પ્રસારણ બંધ કરવાની સલાહ આપવામાં આવે છે. સબ્સ્ક્રિપ્શન-આધારિત મોડેલ પર ઉપલબ્ધ સામગ્રીને પણ બંધ કરવાનો નિર્દેશ અપાયો છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે
ઉલ્લેખનીય છે કે, પહલગામમાં 22 એપ્રિલે આતંકવાદીઓએ આડેધડ હુમલો કરી 26 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા, જેમાં મોટાભાગે પ્રવાસીઓ હતા. આ ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદીઓને ઠેકાણાઓ પર હુમલો કરી ધ્વસ્ત રકી દીધા છે. સેનાએ રાત્રે 1.3થી 1.30 વાગ્યા દરમિયાન આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું છે. ત્યારબાદ કેન્દ્ર સરકારે ભારતમાં કાર્યરત OTT પ્લેટફોર્મ્સના તમામ સ્ટ્રીમર્સને પાકિસ્તાની સામગ્રીનું પ્રસારણ બંધ કરવા આદેશ આપ્યો છે.
અમે પાકિસ્તાનના સૈન્ય ઠેકાણાઓને નિશાન નથી બનાવ્યા : ભારત
પાકિસ્તાન તણાવ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા આજે (8 મે) પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે. ઓપરેશન સિંદૂર પર કર્નલ સોફિયાએ કહ્યું કે, 'અમે પાકિસ્તાનના સૈન્ય ઠેકાણાઓને નિશાન નથી બનાવ્યા. અમે પહેલા જ પાકિસ્તાનને ચેતવણી આપી હતી. અમે પાકિસ્તાની હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. 7 મે 2025ના રોજ ઓપરેશન સિંદૂર પર પ્રેસ બ્રીફિંગ દરમિયાન ભારતે પાકિસ્તાની સૈન્ય ઠેકાઓને નિશાન નથી બનાવ્યા. ભારતમાં સૈન્ય ઠેકાણાઓ પર કોઈ પણ હુમલો યોગ્ય જવાબને આમંત્રિત કરશે. 7-8 મે 2025ની રાત્રે પાકિસ્તાને ડ્રોન અને મિસાઈલોનો ઉપયોગ કરીને અવંતીપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાનકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, બઠિન્ડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભુજ સહિત ઉત્તર અને પશ્ચિમી ભારતમાં કેટલાક સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવાના પ્રયાસ કર્યા. તેમણે ઇન્ટીગ્રેટેડ કાઉન્ટર યૂએએસ ગ્રિડ અને વાયુરક્ષા પ્રણાલીઓ દ્વારા નિષ્પ્રભાવી કરી દેવાઈ. આ હુમલાઓના કાટમાળ હવે અનેક સ્થળોથી એકત્રિત કરવામાં આવી રહ્યા છે, જે પાકિસ્તાની હુમલાઓને સાબિત કરે છે.'
આ પણ વાંચો : લાહોરમાં અમેરિકન નાગરિકોને સુરક્ષિત સ્થળે જતાં રહેવા ટ્રમ્પનો નિર્દેશ
આ પણ વાંચો : છત્તીસગઢના સુકમામાં સુરક્ષા દળોએ 8 નક્સલવાદીઓને ઠાર માર્યા, 5 જવાન શહીદ