Get The App

મસ્જિદ પાસેનું દબાણ હટાવવા જતા પોલીસ પર પથ્થરમારો, પાંચ ઘાયલ

Updated: Jan 8th, 2026

GS TEAM

Google News
Google News
મસ્જિદ પાસેનું દબાણ હટાવવા જતા પોલીસ પર પથ્થરમારો, પાંચ ઘાયલ 1 - image

- દિલ્હીના રામ લીલા મેદાન વિસ્તારમાં હિંસા

- સગીર સહિત પાંચની ધરપકડ, 10 થી 15ને અટકાયતમાં લઇ પૂછપરછ કરાઇ, આકરી કલમો હેઠળ ફરિયાદ દાખલ

નવી દિલ્હી : દિલ્હીના રામલીલા મેદાન વિસ્તારમાં આવેલી ફૈઝ-એ-ઇલાહી મસ્જિદ પાસે ગેરકાયદે દબાણને હટાવવા ગયેલી પ્રશાસનની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. સુરક્ષા માટે સાથે રાખવામાં આવેલા પોલીસકર્મીઓ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેને પગલે પાંચ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. ટોળાને વિખેરવા માટે પોલીસ દ્વારા ટીયર ગેસ અને બળ પ્રયોગ કરવો પડયો હતો. 

પોલીસે જણાવ્યું હતું કે ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવી રહ્યા હતા તે દરમિયાન કોઇએ સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ કરી હતી કે ટીમ દ્વારા મસ્જિદને પણ હટાવવામાં આવી રહી છે. જેને પગલે આ પોસ્ટ સમગ્ર વિસ્તારમાં ફરતી કરાઇ હતી, બાદમાં મોટી સંખ્યામાં લોકો મસ્જિદની આસપાસ એકઠા થઇ ગયા હતા અને પોલીસ પર ગ્લાસ બોટલો, પથ્થરો ફેંકવા લાગ્યા હતા. 

દિલ્હી મ્યૂનિ. કોર્પોરેશન દ્વારા દિલ્હી હાઇકોર્ટના આદેશ મુજબ આ મસ્જિદની બાજુવાળી જમીન પરનું દબાણ દૂર કરવામાં આવી રહ્યું હતું. પ્રશાસને આ જમીન પર ગેરકાયદે બંધાયેલા બેન્ક્વેટ હોલ, ડાયગ્નોસ્ટિક સેન્ટર વગેરેને તોડી પાડવામાં આવ્યા હતા. એમસીડી ડેપ્યુટી કમિશનર વીવેક કુમારે કહ્યું હતું કે દબાણ હટાવતી વખતે મસ્જિદને કોઇ જ નુકસાન કરવામાં નથી આવ્યું. જ્યારે પોલીસે કહ્યું હતું કે દબાણ હટાવવાની પ્રક્રિયા ચલાવાઇ રહી હતી ત્યારે જ મસ્જિદ આસપાસ ૧૦૦થી ૧૫૦ લોકો એકઠા થઇ ગયા હતા. જેમાંથી કેટલાક લોકોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. 

આ હિંસા પૂર્વાયોજિત હતી કે કોઇ બીજુ કારણ હતું તેની તપાસ ચાલી રહી છે. એસીપી નિધિન વલસાણે કહ્યું હતું કે આ જમીનની માલિકી મ્યૂનિ. કોર્પોરેશનની છે. દબાણ હટાવવા જવાની જાણકારી પોલીસને એડવાંસમાં આપી દેવાઇ હતી. હિંસાને લઇને કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં મોહમ્મદ આરીબ, મોહમ્મદ કૈફ, મોહમ્મદ કાશીફ, મોહમ્મદ હામીદ વગેરેનો સમાવેશ થાય છે જેમની ઉંમર આશરે ૨૩થી ૩૦ વર્ષની વચ્ચેની છે. જ્યારે પથ્થરમારામાં સામેલ એક ૧૭ વર્ષીય સગીરની પણ અટકાયત કરવામાં આવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે ૩૦થી ૩૫ લોકો દ્વારા ઉશ્કેરણી કરીને હિંસા આચરવામાં આવી હતી. આશરે ૧૦થી ૧૫ લોકોને પણ કસ્ટડીમાં લઇને આકરી પૂછપરછ કરાઇ રહી છે. ફરિયાદમાં આરોપીઓની સામે બીએનએસની ૧૯૧ (રાયોટિંગ) સહિતની કલમો લગાવવામાં આવી હતી. દિલ્હીના ગૃહમંત્રી આશીશ સૂદે કહ્યું હતું કે મસ્જિદ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને દબાણ હટાવતી વખતે કોઇ પણ પ્રકારનું નુકસાન કરવામાં નથી આવ્યું.