કર્ણાટકના પૂર્વ CM યેદિયુરપ્પાના ઘરે પથ્થરમારો, વણઝારા સમુદાયના દેખાવકારો પર પોલીસનો લાઠીચાર્જ
પોલીસે દેખાવકારોને વેરવિખેર કર્યા
અનામતની માગ સાથે દેખાવો કરી રહ્યા હતા
કર્ણાટકમાં હાલમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના કદાવર નેતાઓ એક પછી એક રેલીઓ સંબોધી રહ્યા છે. ત્યારે આ વખતે પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાને ચહેરો બનાવીને આ ચૂંટણી લડવામાં આવી રહી હોવાનું મનાય છે. દરમિયાન કર્ણાટકથી એક ચોંકાવનારા અહેવાલ આવ્યા છે. યેદિયુરપ્પાના ઘરે પથ્થરમારો કરવામાં આવ્યો છે.
કોણે કર્યો પથ્થરમારો
માહિતી અનુસાર આ પથ્થરમારો વણઝારા સમુદાયના દેખાવકારો દ્વારા કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે કડક કાર્યવાહી કરતાં લાઠીચાર્જ કરીને દેખાવકારોને વેરવિખેર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દેખાવો અનામત મુદ્દે કરવામાં આવી રહ્યા હતા. શિવમોગ્ગામાં આવેલા નિવાસે આ હુમલો કરાયો હતો. એસસી/એસટી સમુદાયને આપવામાં આવેલી અનામતમાં ઈન્ટરનલ રિઝર્વેશન અંગે વણઝારા સમુદાયે વાંધો નોંધાવ્યો હતો. શુક્રવારે કર્ણાટકની ભાજપ સરકારે એસસી/એસટી સમુદાય માટે ઈન્ટરનલ અનામતની જાહેરાત કરી હતી. વણઝારા સમુદાયના વડા કહે છે કે સદાશિવ પંચની ભલામણથી તેમના સમુદાયને નુકસાન થશે અને રાજ્ય સરકારે આ નિર્ણયને લાગુ કરવાની જે ભલામણ કેન્દ્રને મોકલી છે તેને તાત્કાલિક ધોરણે પરત ખેંચવામાં આવે.