Get The App

બિલ પર રાષ્ટ્રપતિ કે રાજ્યપાલના નિર્ણય વિરુદ્ધ કોર્ટમાં અરજી ના કરી શકે રાજ્ય સરકાર: કેન્દ્રની દલીલ

Updated: Aug 28th, 2025

GS TEAM

Google News
Google News
બિલ પર રાષ્ટ્રપતિ કે રાજ્યપાલના નિર્ણય વિરુદ્ધ કોર્ટમાં અરજી ના કરી શકે રાજ્ય સરકાર: કેન્દ્રની દલીલ 1 - image


Supreme Court: કેન્દ્ર સરકારે ગુરુવારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, રાજ્ય સરકારો એ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી ન કરી શકે જે રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલે વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલો પર લીધો હોય, ભલે રાજ્ય એમ કહે કે તેનાથી લોકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થયું છે.

સરકારે શું કહ્યું?

કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ચીફ જસ્ટિસ બીઆર ગવઈની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બંધારણીય બેન્ચ સમક્ષ આ વાત કહી. બંધારણીય બેન્ચમાં જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ એએસ ચંદુરકર પણ સામેલ હતા. મહેતાએ કહ્યું કે, રાષ્ટ્રપતિ એ બાબત પર સુપ્રીમ કોર્ટનો અભિપ્રાય લેવા માંગે છે કે શું રાજ્ય સરકારો બંધારણની કલમ 32 હેઠળ આવી અરજીઓ દાખલ કરી શકે છે? તેમણે એમ પણ કહ્યું કે રાષ્ટ્રપતિ એ પણ જાણવા માંગે છે કે, બંધારણની કલમ 361નો દાયરો શું છે. આ આર્ટિકલ કહે છે કે રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ પોતાની સત્તાઓ અને ફરજોના નિર્વાહ માટે કોઈપણ કોર્ટ પ્રત્યે જવાબદાર રહેશે નહીં.

મહેતાએ બંધારણીય બેંચને જણાવ્યું કે, આ સવાલો પર અગાઉ પણ ચર્ચા થઈ ચૂકી છે. પરંતુ રાષ્ટ્રપતિનો મત છે કે કોર્ટનો સ્પષ્ટ અભિપ્રાય જરૂરી છે, કારણ કે ભવિષ્યમાં આવો મામલો ફરી ઉઠી શકે છે. તેમણે કહ્યું કે, કલમ 32 હેઠળ રાજ્ય સરકાર વતી રાષ્ટ્રપતિ કે રાજ્યપાલના નિર્ણયોને પડકારતી અરજી સ્વીકારી શકાતી નથી. આવા કેસોમાં કોર્ટ ન તો નિર્દેશ આપી શકે છે અને ન તો આ નિર્ણયોને કોર્ટમાં પડકારી શકાય છે.

રાજ્ય સરકારની ભૂમિકા પોતાના નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાની

તેમણે આગળ કહ્યું કે, કલમ 32નો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે જ્યારે મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થાય છે. પરંતુ બંધારણીય માળખામાં રાજ્ય સરકાર પોતે મૂળભૂત અધિકારો ધરાવતી નથી. રાજ્ય સરકારની ભૂમિકા પોતાના નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાની છે. સોલિસિટર જનરલે 8 એપ્રિલના એ નિર્ણયનો પણ ઉલ્લેખ કર્યો જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, જો રાજ્યપાલ સમય મર્યાદામાં બિલો પર નિર્ણય નહીં લે, તો રાજ્ય સીધું સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરી શકે છે.

 કોઈ પણ બિલને છ મહિના સુધી પેન્ડિંગ રાખવું યોગ્ય નથી

આના પર સીજેઆઈ ગવઈએ કહ્યું કે, હું 8 એપ્રિલના બે જજોના નિર્ણય પર કોઈ ટિપ્પણી નહીં કરીશ, પરંતુ એમ પણ કહ્યું કે રાજ્યપાલ દ્વારા કોઈ પણ બિલને છ મહિના સુધી પેન્ડિંગ રાખવું યોગ્ય નથી. મહેતાએ જવાબમાં કહ્યું કે જો કોઈ બંધારણીય સંસ્થા પોતાની ફરજોનું પાલન નથી કરતી, તો તેનો અર્થ એ નથી કે કોર્ટ બીજી બંધારણીય સંસ્થાને આદેશ આપી દે.

તેના પર CJI એ કહ્યું કે, હા અમે સમજીએ છીએ કે તમે શું કહી રહ્યા છો. પરંતુ જો આ કોર્ટ પોતે જ 10 વર્ષ સુધી કોઈ કેસનો ઉકેલ ન લાવે, તો શું રાષ્ટ્રપતિને કોઈ આદેશ આપવાનો અધિકાર રહેશે? સુનાવણી હજુ પણ ચાલુ છે.

26 ઑગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવ્યો હતો કે, જો રાજ્યપાલ કોઈ બિલ પર અનિશ્ચિત સમય સુધી નિર્ણય ન લે, તો શું કોર્ટ પાસે કોઈ ઉપાય નહીં રહેશે? શું બજેટ જેવા મહત્ત્વપૂર્ણ બિલ પણ રાજ્યપાલની સ્વતંત્ર સત્તાને કારણે અટકી શકે છે? સુપ્રીમ કોર્ટે આ સવાલ ત્યારે ઉઠાવ્યો જ્યારે કેટલાક ભાજપ શાસિત રાજ્યોએ કહ્યું કે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને બિલ પર નિર્ણય લેવાની સંપૂર્ણ સ્વતંત્રતા હોવી જોઈએ. આ રાજ્યોએ એમ પણ કહ્યું હતું કે કોર્ટ દરેક સમસ્યાનો ઉકેલ ન હોઈ શકે.

સુપ્રીમ કોર્ટ હાલમાં રાષ્ટ્રપતિ તરફથી એક બંધારણીય સંદર્ભ પર સુનાવણી કરી રહી છે જેમાં પૂછવામાં આવ્યું છે કે, શું કોર્ટ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને એ નિર્દેશ આપી શકે કે, તેઓ ધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલો પર નિશ્ચિત સમયમર્યાદામાં નિર્ણય લઈ લે? મે મહિનામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ કલમ 143 (1) હેઠળ સુપ્રીમ કોર્ટનો અભિપ્રાય માંગ્યો હતો કે, શું કોર્ટ રાષ્ટ્રપતિને નિર્દેશ આપી શકે કે, કે રાજ્ય વિધાનસભાથી આવેલા બિલો પર ક્યારે અને કેવી રીતે નિર્ણય લે. 

Tags :